ઓટો ડેસ્ક. બાઈક, કાર, સ્કૂટર, એસયુવી જેવા કોઈપણ વાહનને બીજાથી અલગ બતાવવા માટે લોકો વાહન પર વિનાઈલ કોટિંગ કરાવતા હોય છે. આ વિકલ્પ અપનાવવાનું વિચારતા હો કેટલીક બાબતોની જાણ હોવી જોઈએ. ભારતમાં પ્રદૂષણનાં નવા માનાંકો લાગુ થવાની સાથે ટ્રાફિક નિયમો પણ એટલાં જ કડક બનતા જાય છે. હવે તો ઘર બેઠા ઈ મેમો આવી જતો હોય છે.
કેટલું ડ્યુરેબલ છે
1.વિનાઈલ કોટિંગનું પડ વાહનને હંમેશા સાથ આપતું નથી. રેપ કરાવવું એક બિનજરૂરી વિકલ્પ છે. તેની સરખામણી ગાડીને ફરીથી પેઈન્ટ કરાવવા સાથે થઈ શકે નહીં. ભારતમાં તો હવામાન પણ તેની તરફેણમાં નથી હોતુ, કારણ કે ખૂબ ગરમી અથવા મુશળધાર વરસાદ અને ઠંડીથી આ પડ ખરાબ થઈ જવાનો ડર રહે છે. જો સામાન લાદીને લાંબા પ્રવાસે જતા હોય તો પણ આ પડ ઘસાઈ જાય છે અથવા ઉખડી શકે છે. ઉખડી ગયેલું રેપિંગ વધુ ખરાબ લાગે છે.
લીગલ છે કે મેમો ફાટશે?
2.ગાડીનો રંગ જ બદલી નાંખવામાં આવે તો મેમો ફાટવાનું નક્કી છે. ગાડીના રજિસ્ટ્રેશન કાર્ડ પર રંગનો ઉલ્લેખ હોય છે. જો રેપ બીજા રંગનો ચઢાવાયો હોય તો તે નિયમ વિરુદ્ધ છે. વિનાઈલ કોટની ડિઝાઈન અને રંગ પસંદ કરતી વખતે થોડી સ્માર્ટનેસ રાખવી જોઈએ. કાર-બાઈકમાં ફેરફાર તો થાય જ પરંતુ કાયદો પણ ન તૂટે તે જોવું. ગાડીના રંગનું જ વિનાઈલ કોટ પસંદ કરવું. જે કોઈ મુસીબત નહીં લાવે. ગાડી ચોરી થવા પર પણ આ બદલાયેલો રંગ મુશ્કેલીમાં મૂકી શકે છે.
ગાડીનું રેપિંગ કોની પાસે કરાવશો
3.ગાડી રેપ કરાવવાનું કામ સરળ નથી. ખૂબ જ સફાઈ સાથે કરાતી આ કારીગરીમાં બ્લેડ્સનો ઉપયોગ થાય છે. જો આ પડને ચઢાવનાર જાણકાર ન હોય તો આ કામમાં સફાઈ દેખાશે નહીં અને બ્લેડ્સથી ઓરિજિનલ પેઈન્ટ પણ કપાઈ શકે છે. જે કોઈને પણ આ કામની જવાબદારી આપો તેનું જૂનું કામ જરૂર જોઈ લો. ખરાબ રીતે કરાયેલા રેપથી ગાડીનો ઓરિજિનલ રંગ પણ ખરાબ થઈ જાય છે.
આ પણ જાણો…
4.
- આ કોટિંગ ગમે ત્યારે હટાવી શકાય છે અને કારનો ઓરિજિનલ રંગ ફરી મેળવી શકાય છે.
- કાર કંપનીઓ તેનો ઉપયોગ કારની ડિઝાઈન કરવામાં કરે છે.
- ઓરિજિનલ પેઈન્ટ થોડોક ખરાબ થાય તો વિનાઈલ કોટથી ડિઝાઈન કરાવવું સારો અને સસ્તો વિકલ્પ છે.