the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

બંગાળમાં રાજ્ય સરકારની તાનાશાહીને કારણે હિંસા થઇ, સત્તા પર પ્રોફેશનલ ગુનેગારોનો કબજો છેઃ યોગી

વારાણસીઃ ઉત્તરપ્રદેશમાં ભાજપ ત્રણ લોકસભા બેઠકો ગોરખપુર, ફૂલપુર અને કૈરાનામાં થયેલી પેટાચૂંટણીમાં હારી ગઇ હતી. ગોરખપુર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બેઠક હતી. 2017 પછી થયેલી આ પેટાચૂંટણીમાં ભાજપની ગઠબંધન સાથે સીધી ટક્કર હતી. હવે કોંગ્રેસ જોશમાં છે. તેણે નાના પક્ષો સાથે મળી ભાજપની નાકાબંધી કરી છે. અંતિમ તબક્કામાં યુપીની 13 બેઠકો પર ચૂંટણી થવાની છે. એ અંગે સીએમ યોગીએ પત્રકાર સાથે વાતચીત કરતા દાવો કર્યો કે આ ચૂંટણીમાં ગઠબંધન નિષ્ફળ છે. જનતા ભાજપની સાથે છે.

સવાલ: મમતા કહી રહ્યાં છે કે બંગાળમાં ભાજપે હિંસા ભડકાવી

યોગીનો જવાબઃ બંગાળમાં રાજ્ય સરકારની તાનાશાહીને કારણે હિંસા થઇ, સત્તા પર પ્રોફેશનલ ગુનેગારોનો કબજો છે

સવાલ: યુપીમાં ભાજપ પેટાચૂંટણીમાં ગોરખપુર સહિત ત્રણ બેઠકો પર હારી ગયો હતો. હવે અંતિમ તબક્કાની 13 બેઠકો પર શું થશે?

જવાબઃ ભાજપ તમામ 13 બેઠકો પર ક્લિનસ્વીપ કરશે. ગઠબંધન પ્રથમ તબક્કામાં નિષ્ફળ નિવડ્યું. હતાશ વિપક્ષ વડાપ્રધાનની જાતિ પૂછી રહ્યો છે. યુપીમાં અમે ગોરખપુર સહિત 74 બેઠકો જીતીશુ. મોદીજીના નામે અને કામના કારણે જનતા અમારી સાથે છે. યુપીમાં એક પણ રમખાણ થયું નથી. માત્ર વિકાસ થયો છે.

સવાલ: પ્રિયંકા ગાંધી પૂર્વ યુપીમાં સક્રિય છે. સપા-બસપા સંયુક્ત રેલી કરી રહ્યા છે. ભાજપના વોટ કેવી રીતે બચશે?

જવાબઃ કોંગ્રેસની નેતા (પ્રિયંકા ગાંધી વાડરા)એ કહ્યું કે રામ જન્મભૂમિ વિવાદિત છે. જ્યારે હાઇકોર્ટમાં સાબિત થઇ ચૂક્યું છે કે તે સ્થળ રામજન્મ ભૂમિ છે. તેથી કોંગ્રેસ નેતાની ટિપ્પણી દુ:ખી કરે છે. ક્યારે કોંગ્રેસ સરકારે રામ અને કૃષ્ણને મિથક ગણાવ્યા હતા. પશ્ચિમ બંગાળનાં સીએમ મમતા બેનરજીને જય શ્રી રામ કહેવાથી નફરત છે. જ્યાં સુધી ગઠબંધનની વાત છે, તો તે જાતિવાદ-ભ્રષ્ટાચારનું તડજોડ છે.

સવાલ: તમે બંગાળમાં ચૂંટણી પ્રવાસો કર્યા. તૃણમૂલ કોંગ્રેસનો આરોપ છે કે બંગાળમાં હિંસાની પાછળ ભાજપ છે.

જવાબઃ મમતા દીદીની સરકાર લોકતંત્રનો કાળો અધ્યાય છે. બંગાળમાં હિંસાનું કારણ ત્યાંની સરકારી મશીનરી અને સરકારની તાનાશાહી છે. સરકાર પર પ્રોફેશનલ અપરાધીઓનો કબજો છે. ત્યાં પંચાયત ચૂંટણીઓમાં હિંસા થઇ હતી. લોકસભા ચૂંટણીના છેલ્લા 6 તબક્કામા સૌથી વધુ હિંસા બંગાળમાં થઇ.

સવાલ: ભાજપ ચારે બાજુથી ઘેરાતી દેખાય છે. બંગાળથી પક્ષને બહુ અપેક્ષા હતી. ત્યાં કેટલી બેઠકો જીતી શકશો?

જવાબઃ દીદી હતાશ છે. બંગાળમાં સરકારે બુધવારે મારી ત્રણ સભાઓ રદ કરાવી દીધી. ત્રણ દિવસ પહેલાં મંજૂરી આપી હતી. અમે ચૂંટણીપંચને ફરિયાદ કરી તો બે સભાને એક કલાક પહેલાં મંજૂરી અપાઇ. કેવી રીતે ડિસ્ટર્બ કરીએ, એ જ કોશિશ થઇ રહી છે. તેમ છતાં ભાજપ બંગાળમાં 26થી 30 બેઠકો જીતશે. હારને સામે જોઈ તૃણમૂલ કોંગ્રેસ અકળાઇ ગઇ છે.

સવાલ: શું બંગાળમાં ભાજપ ડાબેરીઓ અને તૃણમૂલ કોંગ્રેસનો વિકલ્પ બની રહ્યો છે. જો હા તો આધાર શું છે?

જવાબઃ બંગાળમાં પહેલાં કોંગ્રેસ પછી સીપીએમ હવે તૃણમૂલ કોંગ્રેસ સત્તા પર રહ્યા. તૃણમૂલે જનતાનું શોષણ કર્યું. 130 પહેલાં બંકિમચંદ્ર ચેટરજીએ પોતાના પુસ્તક ‘આનંદમઠ’માં બંગાળની જે બેહાલીનો ઉલ્લેખ કર્યો હતો, તે ઘણાં ક્ષેત્રોમાં આજે પણ જોવા મળે છે. કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ બંગાળની સરકારે લાગુ નથી કરી.

સવાલ: મમતા બેનરજીનો આરોપ છે કે ભાજપના લોકોએ ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી.

જવાબઃ દીદી એક જૂઠ 100 વાર બોલી તેને સત્ય સાબિત કરવા માગે છે. જ્યાં મૂર્તિ તૂટી, ત્યાં સીસીટીવી છે. બંગાળ સરકાર ફૂટેજ જાહેર કરે. રાજ્ય સરકારે તે સ્કૂલો બંધ કરી દીધી, જેને ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરે સ્થાપિત કરી હતી. અમે મૂર્તિપૂજક છીએ. દીદી મોટા ભાગે મૂર્તિ વિરોધી છે. મૂર્તિ કેમ્પસમાં હતી. ભાજપનો રોડ શો બહાર રોડ પર ચાલી રહ્યો હતો.

સવાલ:ચૂંટણીમાં નેતા અભદ્ર ભાષા બોલી રહ્યા છે. ચૂંટણીપંચે તમારા પર પણ આ જ આરોપ હેઠળ 72 કલાક સુધી પ્રચાર કરવા સામે પ્રતિબંધ મૂકી દીધો હતો.

જવાબઃવિપક્ષોમાં હતાશ અને નિરાશ લોકો છે. આ લોકો એટલા માટે એકજૂથ થઇ ગયા, કારણકે તેમને ખબર છે કે કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે. મોદી સરકાર ભ્રષ્ટ લોકોને નહીં છોડે. લોકો ચૂંટણી જીતવા માટે નીચલા સ્તરના પ્રહારો કરી રહ્યા છે. રાજકારણમાં સામાન્ય શિષ્ટાચારનું પાલન થવું જ જોઇએ. જ્યાં સુધી મારી વાત છે, તો હું અભદ્ર ભાષા બોલતો નથી.