the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ઈમરાન-મોદી બે વખત આમને-સામને, પણ મોદીએ જોવાનું ટાળ્યું, આતંકના સમર્થકોને ય જવાબદાર ગણવા પર ભાર મૂક્યો

  • મોદીએ એસસીઓ નેતાને કહ્યું- આતંકવાદ પર ચર્ચા માટે ભારત આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે

  • કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિના અનૌપચારિક ભોજનમાં મોદી-ઈમરાન સામસામે આવ્યાં, વાતચીત ન કરી

  • પાકિસ્તાનના PMએ કહ્યું- આશા છે કે મોદી કાશ્મીર સહિત તમામ મુદ્દા પર સમાધાન લાવવનો પ્રયાસ કરશે

બિશ્કેક: વડાપ્રધાન મોદીએ શુક્રવારે શાંઘાઈ સહયોગ સંમેલન (એસસીઓ)ને સંબોધન કર્યુ. આ દરમિયાન તેઓએ આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં એકજૂથ થવાની વાત પર જોર આપ્યું. મોદીએ કહ્યું કે આતંકનું સમર્થન કરનારાઓને જવાબદાર ગણાવવા જરૂરી છે. તે માટે ભારત એક આંતરરાષ્ટ્રીય સંમેલન બોલાવશે. મોદીએ ગુરુવારે દ્વિપક્ષીય બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સામે પણ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.
SCOમાં મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે કોઈ મુલાકાત નથી થઈ. બંને નેતા ગુરુવારે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિના અનૌપચારિક ભોજ અને સમિટમાં સાથે આવ્યાં, પરંતુ મોદીએ ઈમરાનની સામે જોયું પણ નહીં. ભારતે સ્પષ્ટ કર્યુ છે કે એસસીઓમાં મોદી અને ઈમરાનની બેઠકનો કોઈ કાર્યક્રમ નથી. જો કે મોદીએ ગત વર્ષે ચીનમાં થયેલી સમિટમાં તત્કાલીન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન સાથે હાથ મિલાવ્યાં હતા.

મોદીએ કહ્યું- આતંકવાદ વિરૂદ્ધ એકજૂથતા જરૂરી

  • મોદીએ કહ્યું, “ગત દિવસોમાં શ્રીલંકાની મુલાકાતે ગયો ત્યારે મને આતંકવાદની ઘટનાનું સ્મરણ થયું. તે આતંક જે ગમે ત્યાં ઊભા થઈને નિર્દોષોના જીવ લઈ લે છે. આ ખતરાથી છુટકારો મેળવવા તમામ માનવતાવાદી તાકાતાઓએ એકજૂથ થવું જરૂરી છે.”
  • “આતંકવાદના સમર્થન અને નાણાંકીય પ્રદાન કરનારાં દેશોને જવાબદાર ગણાવવા જરૂરી છે. એસસીઓ અધિકારો અંતર્ગત તમામ દેશોને આતંક વિરૂદ્ધ લડાઈમાં સહયોગ આપવો જોઈએ. ભારત આતંકવાદ સામેની લડાઈ લડવા માટે એક આંતરરાષ્ટ્રીય સંમેલનનું આહ્વાન કરે છે.”
  • “એસસીઓ દેશના પર્યટકો માટે ભારત ટૂંક સમયમાં જ હેલ્પલાઈન જાહેર કરશે. આપણાં માટે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ અફઘાનિસ્તાન મહત્વનું છે. એસસીઓમાં અફઘાનિસ્તાનનો રોડમેપ તૈયાર થયો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 2020માં એસસીઓની અધ્યક્ષતા માટે શુભેચ્છા.”

આજે કોને મળશે મોદી?

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણાં દેશોના પ્રમુખ સાથે દ્વીપક્ષીય વાતચીત કરશે. તેમાં કઝાખ્સતાનના પ્રમુખ, દરેક SCO લીડર્સની સાથે ફોટો સેશન, બેલારુસ, મંગોલિયાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત થશે. એટલું જ નહીં વડાપ્રધાન ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. હસન રુહાની, ભારત-કઝાકિસ્તાન, દ્વીપક્ષીય વાર્તા, પ્રેસ કોન્ફરન્સ પણ આજના કાર્યક્રમમાં સામેલ છે. દરેક મુલાકાત ખતમ થયા પછી પીએમ દિલ્હી માટે રવાના થશે.

ડિનરમાં પણ વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન વચ્ચે ન થઈ વાતચીત

પહેલાં દિવસે કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિએ એસસીઓના નેતાઓ માટે અનૌપચારિક ડિનર રાખ્યું હતું. વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન પણ તેમાં સામેલ થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દરમિયાન મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન તરફ નજર પણ નહતી કરી. ભારત પહેલાં પણ કહી ચૂક્યું છે કે, એસસીઓ સમિટ દરમિયાન મોદી અને ઈમરાન ખાનની બેઠકનો કોઈ કાર્યક્રમ નથી. ઈમરાન પહેલાં પણ મોદીને પત્ર લખીને વાતચીત કરવાની માંગણી કરી ચૂક્યા છે. મોદીએ ગયા વર્ષે ચીનમાં થયેલી સમિટ દરમિયાન તે સમયના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન સાથે હાથ મીલાવ્યો હતો.

ભારત-પાક. સંબંધો હાલ સૌથી નીચા સ્તરે: ઈમરાન

ઈમરાને એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, હાલ ભારત અને પાકિસ્તાનના સંબંધો ખૂબ નીચલા સ્તર પર છે. આશા છે કે, વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણીમાં મળેલા બહુમતનો ઉપયોગ કરીને કાશ્મીર સહિત દરેક મુદ્દાનો ઉકેલ લાવશે. શાંઘાઈ સમિટ અમારા માટે ભારત સહિત અન્ય દેશો સાથે સંબંધ સુધારવાનો એક સારો મોકો છે. પાકિસ્તાન પાડોશી દેશો સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે કોઈ પણ પ્રકારની મધ્યસ્થતા કરવા માટે તૈયાર રહ્યું છે. ભારત-પાક વચ્ચે થયેલા ત્રણ યુદ્ધથી ઘણું નુકસાન થયું છે અને આજે બંને દેશો ગરીબી સામે લડી રહ્યા છે.

પાકિસ્તાન વાર્તા માટે આતંકવાદ મુક્ત વાતાવરણ બનાવે: ભારત
વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠકમાં આતંકવાદ સામે લડાઈનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભારતને આશા છે કે, પાકિસ્તાન આતંકવાદ મુક્ત વાતાવરણ ઉભુ કરવા માટે ચોક્કસ પગલાં લેશે જેથી બંને દેશો વચ્ચે ફરી વાતચીત શરૂ થઈ શકે. પુલવામા હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. ભારત પહેલાં જ કહી ચુક્યું છે કે, આતંકવાદ અને વાતચીત સાથે સાથે નહીં થઈ શકે.