the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પ્રચંડ વાયુ સામે ટકરાશે ગુજરાત: સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લામાં 3 લાખથી વધુ લોકોને ખસેડવા યુદ્ધના ધોરણે મિશન

 • દક્ષિણ ગુજરાતમાં વીજળી અને ઝાડ પડવાથી 5ના મોત

 • NDRFની 36, આર્મીની 34 ટીમ ખડેપગે તહેનાત

 • વાયુ 120 કિમીની ઝડપે ગુરુવારે સવારે ત્રાટકશે

 • સરકારી બેઠકો, પ્રવેશોત્સવ રદ, 10 જિલ્લાની સ્કૂલોમાં રજા 

 • GTUની 12-13મીની તમામ પરીક્ષાઓ રદ 

 • રાહત અને બચાવ માટે આ સ્ટેટ કન્ટ્રોલ રૂમનો  હેલ્પલાઇન નંબર 1070

ગાંધીનગર: અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે અને 13મીના પરોઢે લગભગ બેથી ત્રણ વાગ્યા આસપાસ વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે 120 -145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ત્રાટકે તેવી સંભાવના છે. વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના 11 જિલ્લા કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત દીવને પણ અસર પહોંચવાની સંભાવના છે. દરમિયાનમાં વાવાઝોડા પહેલાં સુરત અને તાપી જિલ્લામાં તથા ડેડીયાપાડા તાલુકામાં વરસાદ સંબંધિત ઘટનામાં કુલ પાંચ વ્યક્તિનાં મોત થયા છે તેમાંથી ત્રણ વ્યક્તિના વીજળી પડવાથી અને બે વ્યક્તિના ઝાડ પડવાથી મોત થયા છે.

આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના
આ તરફ વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તથા જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે રાજ્ય સરકારે બેઠકો યોજી હતી. મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ દ્વારા સમીક્ષા બેઠકો બોલાવાઈ હતી ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કેબિનેટ સચિવ દ્વારા પણ બેઠકો યોજી જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવા કવાયત કરી હતી. કેન્દ્ર સરકારે અધિકારીઓની એક ટીમ પણ ગુજરાત મોકલી છે. વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત એવા 10 જિલ્લાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસ તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અધિકારી- કર્મચારીઓની રજાઓ રદ કરીને હેડ ક્વાર્ટર નહીં છોડવા તાકીદ કરાઇ છે. એનડીઆરએફની કુલ 35 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરાશે. સાથે આર્મીની 34 ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરાઇ છે. ડીજીપી દ્વારા મરીન સિક્યોરીટી ફોર્સના જવાનો અને એસડીઆરએફની 11 ટીમો રવાના કરાઇ છે. રાહત- બચાવ કામગીરી માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. 15 જેટલી બોટમાં 45 જેટલા માછીમારો પરત બોલાવવાની તજવીજ ચાલી રહી છે.

ઝીરો હ્યુમન લૉસનું લક્ષ્યાંક 
મુખ્યમંત્રી રૂપાણીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કર્યો છે. રૂપાણીએ બુધવારે યોજાનાર કેબિનેટ બેઠક અને ગુજરાતના સાંસદો સાથેની બેઠક પણ રાહત કામગીરીને ધ્યાને રાખીને મોકૂફ રાખી છે. સરકારે ઝીરો હ્યુમન લોસના ટાર્ગેટ સાથે કામગીરી શરૂ કરી છે.

શાહે સ્થિતિની સમીક્ષા કરી 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાને કારણે સર્જાયેલી સ્થિતિનું સતત મોનિટરીંગ શરૂ કર્યું. મંગળવારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા, અર્થ સાયન્સ સેક્રેટરી ડૉ.એમ.રાજીવન સહિતના ઉચ્ચ અધિકારીઓ સામેલ

કાંઠે દોઢ મીટર ઊંચા મોજાં ઉછળશે

 • NDRF, SDRF, આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, રાજ્ય પોલીસ, મરીન પોલીસ, ફાયરબ્રિગેડ બચાવ-રાહત માટે તહેનાત
 • એરફોર્સના સી-17 વિમાનમાં NDRFના 160 જવાનોને વિજયવાડાથી ગુજરાત ખસેડાશે.
 • ચીફ સેક્રેટરી સિંઘે ઓડિશાના ચીફ સેક્રેટરી સાથે ચર્ચા કરી.
 • 5 લાખથી વધુ ફૂડ પેકેટ્સ સૌરાષ્ટ્ર-કચ્છ મોકલાશે
 • એનડીઆરએફની વધારાની 20 ટીમ પૂના અને ભટીંડાથી ગુજરાત બોલાવાઇ
 • દરિયાકિનારાનાં વિસ્તારોમાં ચક્રવાત વખતે 1.5 મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી મોટી ભરતી સર્જાશે એવી આશંકા.

સાવચેતી માટે આટલી તૈયારી રાખવી

આગમન પહેલાં

 • મોબાઇલ ફોનને ચાર્જ રાખવો. એસએમએસનો ઉપયોગ કરવો.
 • અગત્યના દસ્તાવેજો અને કિંમતી ચીજવસ્તુઓને વૉટરપ્રૂફ કન્ટેનર્સમાં સાચવી રાખવા.
 • પાલતુ પશુ, ઢોરની સુરક્ષા માટે તેમને બાંધી રાખવા નહીં.

ઘરની અંદર

 • વીજ પ્રવાહની સ્વીચ બંધ રાખવી ગેસ સપ્લાય બંધ કરી દેવો.
 • બારી બારણા બંધ રાખવા.
 • જો આપનું ઘર અસુરક્ષિત હોય તો વાવાઝોડાના આગમન પહેલા બહાર નીકળી જવું.
 • પાણી ઉકાળીને પીવુ હિતાવહ.

ઘરની બહાર

 • નુકસાનગ્રસ્ત ઘર-મકાનમાં પ્રવેશવું નહીં.
 • તૂટેલા, ઉખડેલા વીજ થાંભલા, વાયરોથી દૂર રહેવું.
 • સુરક્ષિત સ્થળે પહોંચી જવું.
 • ફોટો પાડવા, સેલ્ફિ લેવા દરિયાકાંઠે જવું નહીં.

એરફોર્સની હાઇટેક તૈયારી

 • વાયુદળે રાજ્યમાં લાઇટ હેલિકોપ્ટર તથા રડાર સિસ્ટમ તહેનાત કરી છે. સાથે સંદેશાવ્યવહાર જળવાય એ માટે
 • વિવિધ સ્થળે સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમ અને મોબાઇલ કમ્યુનિકેશન વ્હીકલ્સ પણ તહેનાત કર્યા છે.

3 દિવસમાં ક્યાં કેટલા વરસાદની આગાહી

જિલ્લો 12 જૂન 13 જૂન 14 જૂન
સુરેન્દ્રનગર હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ
રાજકોટ હળવોથી મધ્યમ ભારે વરસાદ ભારે વરસાદ
જામનગર હળવોથી મધ્યમ ભારેથી અતિભારે ભારે વરસાદ
પોરબંદર હળવોથી મધ્યમ ભારેથી અતિભારે ભારે વરસાદ
જૂનાગઢ ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
અમરેલી ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
ભાવનગર ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
મોરબી હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ ભારે વરસાદ
દેવભૂમિ દ્વારકા હળવોથી મધ્યમ ભારેથી અતિભારે ભારે વરસાદ
ગીર સોમનાથ ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
કચ્છ હળવોથી મધ્યમ ભારે વરસાદ ભારે વરસાદ
દીવ ભારેથી અતિભારે ભારેથી અતિભારે હળવોથી મધ્યમ
મહેસાણા ઓછી શક્યતા ઓછી શક્યતા ઓછી શક્યતા
અમદાવાદ હળવોથી મધ્યમ ઓછી શક્યતા ઓછી શક્યતા
આણંદ હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ
ભરૂચ હળવોથી મધ્યમ હળવોથી મધ્યમ ઓછી શક્યતા
સુરત હળવોથી મધ્યમ ભારે વરસાદ હળવોથી મધ્યમ
નવસારી ભારે વરસાદ ભારે વરસાદ હળવોથી મધ્યમ
વલસાડ ભારે વરસાદ ભારે વરસાદ હળવોથી મધ્યમ
દમણ ભારે વરસાદ ભારે વરસાદ હળવોથી મધ્યમ

NDRFની ક્યાં કેટલી ટીમ?

 • દ્વારકા – 3
 • ગીર સોમનાથ – 5
 • અમરેલી – 4
 • જૂનાગઢ – 3
 • પોરબંદર – 3
 • ભાવનગર – 3
 • જામનગર – 2
 • મોરબી – 2
 • કચ્છ – 2
 • વલસાડ – 1
 • સુરત – 1
 • રાજકોટ – 4
 • દીવ – 3
 • કુલ- 36

આગળ વાંચો, વાવાઝોડાની શકયતાને પગલે કેબિનેટની બેઠક મોકૂફ કરી