the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

ટાટા મોટર્સ, ONGC, IOC સહિત 37 ઉદ્યોગગૃહોએ સ્થાનિકોને 85 ટકા રોજગારીનો નિયમ તોડ્યો

  • બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 3.23 લાખ યુવાનોને રોજગારી અપાઈ

  • સ્થાનિકોને રોજગારી મળે તે માટે એકમોને સમજાવાશે: સરકાર

  • 85 ટકા સ્થાનિક રોજગારીના નિયમનું પાલન થતું નહીં: સરકાર

ગાંધીનગર: રાજ્ય સરકારે વિધાનસભામાં કોંગ્રેસે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, 2017 અને 2018 એમ બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 3.23 લાખ અને જિલ્લામાં 1.28 લાખ સ્થાનિક યુવાનોને રોજગારી અપાઈ છે. બીજી તરફ સરકારે એવું પણ સ્વીકાર્યું છે કે, સ્થાનિક યુવાનોને 85 ટકા રોજગારી આપવાના નિયમનો ભંગ થઈ રહ્યો છે. ઔદ્યોગિક એકમો જ નહિ, કેન્દ્ર હસ્તકનાં જાહેર સાહસો પણ આમ કરી રહ્યાં છે. આ મામલે સરકાર પત્ર લખવાથી વિશેષ કોઈ કાર્યવાહી કરી શકતી નથી તેવો આક્ષેપ કોંગ્રેસ કર્યો છે. જોકે સરકારે આવા એકમોની યાદી બનાવી ઉદ્યોગ કમિશનરને મોકલી છે.

ONGC, IOCએ સ્થાનિકોને 85 ટકા રોજગારીનો નિયમ તોડ્યાનો સ્વીકાર

ઔદ્યોગિક એકમો માટે સ્થાનિક યુવાનોને 85 ટકા રોજગારી આપવાનો કાયદો સરકારે બનાવ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર હસ્તકનાં જાહેર સાહસો પણ તેનું પાલન કરતા નથી અને સરકાર પત્ર લખવાથી વિશેષ કોઈ કાર્યવાહી કરી શકતી નથી તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજ્યમાં આવેલા ઓએનજીસી, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને આઈઓસી કંપની દ્વારા પણ 85 ટકા સ્થાનિક રોજગારીના નિયમનું પાલન થતું નહીં હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

સરકારે આ નિયમો અંગે એકમોનું ધ્યાન દોર્યું

કોંગ્રેસના અનંત પટેલે વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, આ એકમો દ્વારા સ્થાનિક રોજગારીના નિયમનું પાલન થતું નથી તે વાત ધ્યાનમાં આવી છે. સરકારે આ નિયમો અંગે એકમોનું ધ્યાન દોર્યું છે તેમ જ બેઠક યોજી વિસ્તૃત સમજ આપવામાં આવી છે. દર છ મહિને એકમોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ઠરાવની સમજૂતી આપી ટકાવારી જાળવી રાખવા જણાવાયું છે. આ સાથે રોજગાર કચેરી દ્વારા પણ પત્રો પાઠવ્યા છે.

શહેરના ઔદ્યોગિક એકમોમાં બે વર્ષમાં 3.51 લાખ યુવાનને રોજગારીનો દાવો

ઔદ્યોગિક એકમો માટે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાના સરકારના નિયમનો અનેક ઉદ્યોગગૃહો દ્વારા પાલન કરવામાં આવતું નથી ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં છેલ્લા બે વર્ષમાં 3.51 લાખ સ્થાનિકોને રોજગારી આપવામાં આવી હોવાની માહિતી રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કરી હતી.

અમદાવાદ જિલ્લામાં 1.28 લાખ સ્થાનિક યુવાનોને રોજગારી

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2017 અને 2018 એમ બે વર્ષમાં અમદાવાદ શહેરમાં 3.23 લાખ અને અમદાવાદ જિલ્લામાં 1.28 લાખ સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવી હતી. સરકારે જણાવ્યું કે આ નિયમનો ભંગ કરતા એકમો સાથે પહેલા બેઠક યોજીને તેમને સમજ આપવામાં આવે છે અને ભરતીમેળા દ્વારા સ્થાનિક ઉમેદવારોને રોજગારી આપવાના પ્રયાસ કરાય છે. નિયત ટકાવારી નહીં જાળવતા એકમોની યાદી તૈયાર કરીને આવા એકમો સામે જરૂરી કાર્યવાહી કરવા ઉદ્યોગ કમિશનર કચેરીને મોકલી અપાઇ છે.