the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સુષમાએ હાર્ટ એટેકની 10 જ મિનિટ પહેલાં હરીશ સાલ્વેને કહ્યું હતું- તમે આવ્યા નહીં, ભાઇ તમારી 1 રૂપિયો ફી લઇ જાવ

  • સુષમાના સાથીદારો જ નહીં, રાજકીય વિરોધીઓ પણ તેમના નિધનથી દુ:ખી

નવી દિલ્હી: પૂર્વ વિદેશમંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજના બુધવારે સાંજે અહીંના લોધી રોડ સ્થિત સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરાયા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત વિવિધ પક્ષોના નેતાઓ હાજર હતા. અંતિમ સંસ્કારમાં એ તમામ લોકો પણ પહોંચ્યા કે જેમની સુષમાએ મદદ કરી હતી. જયપુરથી આવેલા મોહન બદાલાએ કહ્યું કે વિદેશમાં ફસાયેલા અનેક શ્રમિકોને સલામત રીતે ભારત લાવવાનું કામ તેમણે કર્યું. મારા એક સંબંધી પણ દુબઇમાં ફસાયા હતા. સુષમાજીના પ્રયાસથી જ તે સકુશળ પાછા ફરી શક્યા. સુષમાજીના નિધન પર દિલ્હી અને હરિયાણા સરકારે બે દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સુષમાજીને યાદ કરીને ભાવુક થઇ ગયા. તેમણે બ્લોગ લખીને સુષમાના નિધનને અંગત ખોટ ગણાવી.

અડવાણીએ કહ્યું- મારા જન્મદિને કેક લાવવાનું ભૂલતા નહીં, તેમનું જવું અંગત ખોટ
આ એક પૂરી ના શકાય એવી ખોટ છે અને મને તેમની બહુ યાદ આવશે. તેઓ મારા જન્મદિવસે મારી પસંદગીની ચોકલેટ કેક લાવવાનું ના ભૂલતા. દેશે એક અસાધારણ નેતા ખોયા છે. તેઓ એક એવા નેતા હતા, જેમની સાથે મેં ભાજપની શરૂઆતથી જ કામ કર્યું હતું. 1980ના દાયકામાં હું પક્ષ અધ્યક્ષ હતો ત્યારે સુષમા સ્વરાજ એક યુવા નેતા તરીકે ઊભર્યા હતા. મેં તેમને મારી ટીમમાં સામેલ કર્યા હતા. સમયાંતરે તેઓ પક્ષના મુખ્ય નેતા બન્યા અને દેશની મહિલાઓ માટે રોલ મોડેલ પણ બન્યા. તે પ્રખર વક્તા હતા. તેઓ કોઈ પણ વાતને સારી રીતે રજૂ કરવાની ક્ષમતા ધરાવતા. તેઓ એક શાનદાર વ્યક્તિ પણ હતા. તેમનું જવું દેશ અને મારા માટે વ્યક્તિગત ખોટ છે. તેમના આત્માને શાંતિ મળે. સ્વરાજજી, બાંસુરી અને પરિવારના તમામ સભ્યોને મારી હાર્દિક સંવેદના. ઓમ શાંતિ.

સોનિયા ગાંધીએ સ્વરાજ કૌશલને પત્ર લખીને કહ્યું- મને અંગત ખોટ વર્તાય છે
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સ્વરાજ કૌશલને પત્ર લખીને કહ્યું છે કે, હું તમારી વ્હાલી પત્નીના આકસ્મિક નિધન વિશે જાણીને સ્તબ્ધ અને બહુ જ દુ:ખી છું. સુષમાજી એક નૈસર્ગિક પ્રતિભા હતા. તેઓ જે કોઈ હોદ્દે રહ્યા, એ તમામ પર તેમણે પોતાના સાહસ, પ્રતિબદ્ધતા, સમર્પણ અને યોગ્યતાનો પરિચય કરાવ્યો. તેઓ મિલનસાર હતા અને સમાજના તમામ વર્ગ સાથે તેમનું વલણ ગર્મજોશીભર્યું રહેતું. લોકસભામાં અમે વર્ષો સુધી સાથે કામ કર્યું અને અમારા વચ્ચે પણ એવો જ સંબંધ હતો. આજે મને અંગત ખોટ પડ્યાનો અનુભવ થઈ રહ્યો છે. તેઓ નાની ઉંમરમાં આપણને છોડીને જતા રહ્યા. હજુ તેઓ જાહેર જીવનમાં ઘણું યોગદાન આપી શકે એમ હતા. દુ:ખની આ ક્ષણોમાં તમારા પુત્ર કૌશલ અને પુત્રી બાંસુરી પ્રત્યે મારી સંવેદના છે. ઈશ્વર તમને આ ખોટ સહન કરવાની શક્તિ આપે.

મને કોઈ મુશ્કેલી પડે ત્યારે હું હંમેશા તેમની પાસે જતો હતો : હરીશ સાલ્વે
સુષમા સ્વરાજે હૃદયરોગના હુમલાની દસ મિનિટ પહેલા દેશના સૌથી મોટા વકીલ હરીશ સાલ્વે સાથે વાત કરી હતી. તેમણે સાલ્વેને મળવા બોલાવ્યા હતા. આ અંગે સાલ્વેએ કહ્યું કે, સુષમાજીએ મારા પિતા સાથે કામ કર્યું હતું. તેઓ મારા મોટા બહેન જેવા હતા. મને કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે હું સલાહ સૂચન લેવા તેમની પાસે જતો. કાલે પણ પોણા નવ લાગ્યે તેમણે મને ફોન કરીને કહ્યું કે, ‘તમે દિલ્હી આવ્યા છો, અને મળવા ના આવ્યા?’ મેં કહ્યું કે, ‘તમને કાળે મળવા આવીશ.’ એ સાંભળીને તેઓ ખુશ થયા. ત્યાર પછીની દસ જ મિનિટમાં મને સમાચાર મળ્યા કે, સુષમાજીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. આ ઘટનાથી મને ભારે આઘાત લાગ્યો છે.

જેમને મદદ કરી તેમના માટે સુષમાની વિદાય શોકજનક છે, તેઓ રાતભર ઊંઘી શક્યા નહીં

ગીતાએ રડતાં રડતાં કહ્યું- મેં મારી માતાને ગુમાવી છે, તેઓ હંમેશાં મારી ચિંતા કરતાં હતાં
ચાર વર્ષ પહેલાં ભારત પરત આવેલી મુકબધિર યુવતી ગીતાએ ઇશારામાં કહ્યું કે સુષમા સ્વરાજના મૃત્યુથી તેણે તેના એક શુભચિંતકને ગુમાવ્યા છે. તેઓ મારા માટે હંમેશાં એક માતાની જેમ ચિંતા કરતા હતા. ભૂલથી સરહદ પાર જવાથી ગીતા લગભગ 20 વર્ષ પહેલા પાકિસ્તાન પહોંચી ગઈ હતી. સ્વરાજના પ્રયાસને કારણે જ 2015માં વતન આવી શકી.

સુષમાજીએ બધાની મદદ કરી, હમિદ અન્સારી હોય, સરબજીત હોય કે જાધવ: દલબીર
સરબજીતની બહેન દલબીર કૌરે કહ્યું કે મને વિશ્વાસ જ થઈ રહ્યો નથી કે સુષમાજી આટલા જલ્દી અમને છોડીને જતા રહેશે. આ સમગ્ર દેશ માટે બહુ મોટી ક્ષતિ છે. તેમને હંમેશાં લોકોને મદદ કરી. પછી તે હમીદ અન્સારી હોય, સરબજીત હોય કે ગીતા કે જાધવ. તેમણે બધાની મદદ કરી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

સુષમા આજીવન મારા દિલમાં જીવંત રહેશે, તે મારા માટે એક માતા જેવાં હતાં: હમીદ અન્સારી
હમીદ અન્સારીએ કહ્યું કે મારા મનમાં તેમના માટે ઊંડી શ્રદ્ધા હતી. તેઓ હંમેશાં મારા દિલમાં જીવંત રહેશે. તેઓ મારા માટે એક માતા જેવા હતા. પાકિસ્તાનથી પરત ફર્યા પછી તેમણે મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો. મારા માટે આ બહુ મોટી ક્ષતિ છે. હમીદ એક મહિલા મિત્રને મળવા પાકિસ્તાન ગયો હતો. તે 6 વર્ષની સજા કાપી ગયા વર્ષે જ ભારત પરત ફર્યો હતો.

સાઉદીથી આવેલી જૈનબે રડતાં-રડતાં કહ્યું- મને તો આશા જ નહોતી કે ક્યારેક વતન આવી શકીશ
હૈદરાબાદની જૈનબ બી સુષમા સ્વરાજના નિધનના સમાચાર મળતાં જ રડી પડી. સુષમાજીની વિદાયથી તે આખી રાત સૂઈ શકી નહીં. કંઈ ખાઈ શકી નહીં. આ મને હેરાન કરનારા સમાચાર છે. તેમણે મને બહુ મદદ કરી. મને ક્યારેય આશા નહોતી કે હું ક્યારેક વતન પણ આવી શકીશ પણ તેમના પ્રયાસોને કારણે આજે મારા પોતાના ઘરે છું.

દુનિયાએ આવી રીતે યાદ કર્યા

અમેરિકા: અમે હંમેશા સુષમાજીને પોતાના મિત્ર માનીશું
અમેરિકી દૂતાવાસે નિવેદનમાં કહ્યું કે સુષમાજીની અમેરિકા-ભારત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી. ખાસ કરીને સપ્ટેમ્બર 2018માં 2 પ્લસ2 મંત્રીસ્તરીય સંવાદ દરમિયાન તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમે હંમેશા તેમને અમેરિકાના મિત્ર માનીશું.

ઈઝરાયલ: સુષમાના સમર્પણ, કરુણાને અમે નહીં ભૂલી શકીએ
ભારતમાં ઈઝરાયલના રાજદૂત રોન મલ્કાએ સુષમાજીને શ્રદ્ધાંજલિ આપી. ભારત અને ઈઝરાયલના સંબંધો પ્રત્યે તેમના સમર્પણ, કરુણા અને યોગદાનને ભુલાવી નહીં શકાય.

રશિયા: ભારતે શ્રેષ્ઠ નેતા અને શ્રેષ્ઠ ડિપ્લોમેટ ગુમાવી દીધા છે 
રશિયાના રાજદૂત નિકોલે આર.કુદાશેવે સુષમા સ્વરાજને યાદ કરતાં કહ્યું કે આ અપૂર્ણીય ક્ષતિ છે. ભારતે શ્રેષ્ઠ નેતા અને ડિપ્લોમેટ ગુમાવ્યાં. જાપાની રાજદૂત કેન્જી હીરામાત્સુએ કહ્યું કે જાપાનના લોકો તેમને ભારતમાં જાપાનના સાચા મિત્ર તરીકે યાદ કરશે.

ચીન: ભારત અને ચીનની મિત્રતામાં તેમનું વિશેષ યોગદાન 
ભારતમાં ચીનના રાજદૂત સન વડોંગે કહ્યું કે અમે સુષમાજીના નિધનના સમાચારથી દુ:ખી છીએ. અમે ચીન અને ભારતના સંબંધોમાં તેમના યોગદાનની પ્રશંસા કરીએ છીએ. અફઘાનિસ્તાનના વિદેશમંત્રી એસ.રબ્બાનીએ કહ્યું કે ભારતના પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના નિધન વિશે સાંભળી દુ:ખી છું.