the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

મર્જરના કારણે ગુજરાતમાં 10 સરકારી બેન્કોની અંદાજે 300 બ્રાંચ બંધ થવાની સંભાવના

  • સરકાર જે 10 બેન્કોનું મર્જર કરવાની છે તેનું ગુજરાતમાં રૂ. 8973.11 કરોડનું NPA

  • બેંક કર્મચારી યુનિયનના મતે લોકોનું ધ્યાન NPAમાંથી હટાવવાનો સરકારનો હેતુ 

  • કર્મચારી યુનિયનના મતે મોટી બેન્કથી લોકોને કોઈ ફાયદો નહી થાય

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: થોડા દિવસો પૂર્વે નાણામંત્રી નિર્મલા સીતારામને 10 સરકારી બેન્કોને મર્જ કરીને ચાર મોટી બેંકો બનાવવાની જાહેરાત કરી હતી. સરકારના આ નિર્ણય સામે હવે બેન્કના કર્મચારી યુનિયનો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. ગુજરાતમાંથી પણ મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી એસોસિએશને જણાવ્યું હતું કે, હાલમાં આ બેન્કોની 1230 બ્રાંચ કાર્યરત છે અને આ દસ સરકારી બેન્કોના મર્જર થશે ત્યારબાદ રાજ્યમાં આ બેન્કોની આશરે 300 જેટલી શાખાઓ બંધ થઇ જવાની સંભાવના છે. ગુજરાતમાં આ બેન્કોનું કુલ NPA (નોન પરફોર્મિંગ એસેટ) રૂ. 8973.11 કરોડ જેટલું છે અને સરકારના આ નિર્ણયથી NPAમાં કોઈ ફરક નહિ પડે અને આ માત્ર લોકોનું ધ્યાન હટાવવા માટે લેવાયેલો નિર્ણય લાગી રહ્યો છે. આના લીધે ક્લાઈન્ટ સર્વિસ અને બિઝનેસને પણ અસર થશે. પંજાબ નેશનલ બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, કેનરા બેન્ક, સિન્ડિકેટ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્ર બેન્ક, કોર્પોરેશન બેન્ક, ઈન્ડિયન બેન્ક અને  અલ્હાબાદ બેન્કનું મર્જર કરી તેમાંથી ચાર મોટી બેન્ક બનાવવાની સરકારની યોજના છે.

બેન્ક અને એનપીએ

બેંક બ્રાન્ચ NPA કરોડમાં
અલ્હાબાદ બેન્ક 62 2153.84
આંધ્રા બેન્ક 67 234.21
કેનરા બેન્ક 159 519.14
કોર્પોરેશન બેન્ક 166 1128.94
ઇન્ડિયન બેન્ક 97 180.83
પંજાબ નેશનલ બેન્ક 192 2139.76
ઓરિયન્ટ બેન્ક 72 632.54
સિન્ડીકેટ બેન્ક 103 457.93
યુનિયન બેન્ક 280 1511.27
યુનાઇટેડ બેન્ક 32 14.65
ટોટલ 1230 8973.11

ગામડાઓમાં બેન્કોની બ્રાંચ ધીમે ધીમે બંધ થઇ જશે

મહાગુજરાત બેન્ક એમ્પ્લોયીઝના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, સરકારનો હેતુ બેન્કોનો વ્યાપ વધારવાનો હોવો જોઈએ પરંતુ આ નિર્ણય તો બેન્કોનો વ્યાપ ઘટાડવા જેવો છે. આની અસર, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ થશે. મર્જર બાદ ગામડાઓમાં બેન્કોની શાખાઓમાં ધીમે ધીમે ઘટાડો થવાની પૂરી સંભાવના છે.

2. SBI અને એસોસિએટ બેન્કોના મર્જર પછી દેશભરમાં 6,950 બ્રાંચ બંધ થઇ હતી

મર્જર બાદની પરિસ્થિતિ અંગે જનક રાવલ જણાવે છે કે, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં તેની એસોસિએટ બેન્કોના મર્જર પછી દેશભરમાં 6950 જેટલી બ્રાન્ચો બંધ થઇ હતી. તેવી જ રીતે અત્યારે જેની મર્જર પ્રક્રિયા ચાલી રહી છે તેવી બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કની અમુક શાખાઓ પણ બંધ થવાની છે તેમજ સ્થાનાંતરિત પણ કરવામાં આવશે. આના કારણે ગ્રાહકોની મુશ્કેલી વધશે.

3. જોડાણ કરી દેવાથી બેન્કોની મુશ્કેલી ઘટશે નહીં

એમ્પ્લોયી યુનિયનના મતે, બેડ લોનના ભારણને કારણે બેન્કો આજે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે તેવા સમયે આ મર્જરથી કોઈ ફાયદો થશે નહીં. SBIનું ઉદાહરણ આપતા મહાગુજરાત બેન્ક એમ્પ્લોયીઝ એસોસિએશ જણાવે છે કે, SBIના મર્જર પછી તેની બેડ લોનમાં વધારો થયો હતો. આવું જ જોખમ અન્ય બેન્કોના મર્જરમાં પણ રહેલું છે.