the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પાવરપટ્ટીમાં એકથી દોઢ ઇંચ મેઘમહેર, ભુજમાં મેઘાડંબર વચ્ચે માત્ર ઝરમરીયા

  • આહિરપટ્ટી-લખપત તાલુકામાંય ધોધમાર ઝાપટાં: અંજારમાં 3 મીમી

ભુજઃ નવરાત્રીની ચાલી રહેલી ઉજવણી સમયે કચ્છમાં છવાયેલો વરસાદી માહોલ રવિવારે સતત ચોથા દિવસે જારી રહ્યો હતો. રવિવારે પશ્ચિમ કચ્છમાં ભારે ગાજવીજ અને પવન સાથે સામાન્ય ઝાપટાંથી લઇ દોઢ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ભુજ, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં અલગ અલગ સ્થળે વરસાદની હાજરી જોવા મળી હતી. અંજારમાં સાંજે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અડધો કલાકમાં માત્ર 3 એમ.એમ. જેટલો વરસાદ જ પડ્યો હોવાનું મામલતદાર કચેરીએ નોંધાયું હતું.

નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારમાં બપોર બાદ વાતાવરણ પલટાયું હતું. નિરોણા, હરિપર, ડાડોર, વંગ સહિતના ગામોમાં એકાદ કલાક સુધી ધોધમાર વરસાદ વરસતાં જોતજોતામાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી પડયો હતો. આ વરસાદથી કપાસ એરંડા સહિતના પાકોને ફાયદો થશે તેવું કેટલાક ખેડુતોએ જણાવ્યું હતું. તાલુકાના વડવા કાંયા વિસ્તારમાં બપોર 3 વાગ્યે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વડવા (કાંયા) તેમજ દુજાપર, વડવાભોપા, મંગવાણા ,જિયાપરમાં ગાજવીજ સાથે પોણા કલાકમાં અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

વરસાદ થી વાડીઓ માં ઉભા મોલ માં કયારા ભરાઈ ગયા હતા.વાડીઓમાં મગફળી ઉખડવા ની શરૂઆત થઈ હોવાથી મગફળી ના પથારા માં પાણી ભરાતા ખેડુતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તાલુકા મથક નખત્રાણામાં પણ ચાર વાગ્યા પછી જોરદાર વરસાદી ઝાપટું વરસતાં 8 મી.મી એટલે કે લગભગ અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ઉપરાંત તેરા, દદામાપર સહિતના આસપાસના ગામોમાં બપોરે અઢીથી 3 વાગ્યાના અરસામાં જોરદાર ઝાપટાં વરસતાં પાણી રેલાયા હતા. અબડાસામાં 9 મી.મી જયારે તાલુકાના ગામોમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

જિલ્લા મથક ભુજમાં બપોરે 4 વાગ્યા પછી મેઘાડંબરની સ્થિતી સર્જાઇ હતી. જોરદાર ગાજવીજ સાથે પવન ફુંકાવવાની શરૂઆત થઇ હતી. શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર તો કેટલાક વિસ્તારમાં જોરદાર ઝાપટાં વરસ્યાં હતા. હવામાન વિભાગે 1 મિલીમીટર વરસાદની નોંધ કરી હતી.ભુજ તાલુકાની આહિરપટ્ટીના કાળીતલાવડી અને અટલનગરમાં સવારના ભાગમાં મેઘરાજાએ ધોધમાર હેત વરસાવ્યું હતું. કેટલાય દિવસો બાદ ફરી અહીંની નદીઓ વહી નીકળી હતી.
​​​​​​​

આ વિસ્તારમાં મગફળી ઉખેડવાનું કામ ચાલુ હોતા પાકને મધ્યમ નુકસાન થયું હતું. જો કે આ સિવાય નજીકના જ હબાય,વરનોરા કે લાખોંદમાં ઝાપટા સિવાય ખાસ વરસાદ નોંધાયો ન હતો.ભુજના દેશલપર વાંઢાયમાં બપોરના ભાગે ગાજવીજ સાથે જોરદાર ઝાપટું વરસ્યું હતું. લખપતના દયાપર, ઘડુલી, ઉમરસર સહીતના ગામોમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસયો હતો. ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા રવાપરમાં સતત ત્રીજા દિવસે વરસાદી ઝાપટું પડયું હતું.