the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

હત્યારો મહિનામાં બે વખત ઘર નજીક ગયો, પણ ભાભી ઘરમાં ઘૂસી જતાં બચી ગયા, ત્રીજી વખત તો પતાવી જ દીધા!

  • દેવપરા વિસ્તારમાં દિયરે ભાભીની હત્યા કરી

  • ભાભીનું ઢીમ ઢાળી દેવાનું અગાઉથી જ નક્કી કર્યું હતું

રાજકોટ: કોઠારિયા રોડ પર દેવપરામાં ભરબપોરે સરાજાહેર સગી ભાભીની હત્યા કરનાર આરોપીએ છેલ્લા એક મહિનાથી ભાભીની હત્યા કરવાનું નક્કી કરી લીધું હતું અને અગાઉ બે વખત ભાભીના ઘર પાસે આંટા માર્યા હતા, પરંતુ ઝનૂની દિયરને જોઇ ભાભી ઘરમાં ઘૂસી જતાં તે સમયે તેનો બચાવ થઇ ગયો હતો. કોઠારિયા રોડ પર રહેતા ભારતીબેન ઉમેશભાઇ સરધારા(ઉ.વ.45) સોમવારે બપોરે તેના બે પરિચિત મહિલા સાથે સ્વાધ્યાય પૂરું કરી પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા ત્યારે દિયર ચમન કડવા સરધારા ત્યાં ધસી ગયો હતો અને ભારતીબેનને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ભાભીની હત્યા કરી ચમન સરધારા નાસી ગયો હતો, પરંતુ પોલીસે ચમનને ઝડપી લીધો હતો.

ભાભી પર હુમલો કરી હુમલાખોર નાસી ગયો હતો
કોઠારિયા રોડ પરના વિવેકાનંદનગરમાં રહેતા ભારતીબેન ઉમેશભાઇ સરધારા (ઉ.વ.45) પાડોશમાં રહેતા બે મહિલાઓ સાથે સોમવારે બપોરે દેવપરામાં આવેલા તેમના જૂના ઘર નજીક સ્વાધ્યાયમાં ગયા હતા. સ્વાધ્યાય પૂરું કરીને ભારતીબેન અન્ય બે મહિલા સાથે ચાલીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા અને દેવપરા શેરી નં.3માં પહોંચ્યા હતા ત્યારે સામેથી તેનો દિયર ચમન સરધારા ધસી આવ્યો હતો, અને ભારતીબેન સાથે ઝઘડો કરી છરીના 3 ઘા ઝીંકી દીધા હતા. મહિલાને સરાજાહેર સમીસાંજે છરીના ઘા ઝીંકાયા હતા. ભાભી પર હુમલો કરી હુમલાખોર નાસી ગયો હતો.

સ્વાધ્યાયમાંથી પરત આવી રહેલા ભાભીને છરીના ઘા ઝીંકી દિયરે પતાવી દીધા
ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જેબલિયા સહિતનો કાફલો દોડી ગયો હતો. છરીના ઘા ઝીંકાતા ભારતીબેન લોહિયાળ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. અને થોડી જ મિનિટોમાં આરોપીને ઝડપી લીધો હતો. આરોપી ચમન સરધારાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પોતે ત્રણ ભાઇમાં વચેટ હતો, તેનાથી નાનાભાઇના લગ્ન થઇ ગયા હતા, પરંતુ પરિવારજનોએ તેના લગ્ન કરાવ્યા નહોતા અને તેમાં તેના વિકલાંગ મોટાભાઇ ઉમેશ સરધારા અને ભાભી ભારતીની વરવી ભૂમિકા હતી, એટલું જ નહી વડીલોપાર્જિત મકાનમાં અનેક વખત ભાગ માગવા છતાં ભાઇ ભાભીએ ભાગ આપ્યો નહોતો અને મકાન પચાવી પાડ્યું હોવાથી ઉશ્કેરાટમાં ભાભીને પતાવી દીધા હતા. પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, ભારતીબેનના પતિ ઉમેશભાઇ વિકલાંગ છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે.

20 વર્ષથી ભાઇ ભાભી સામે અરજીઓ કરતો હતો
ચમન સરધારા કોઠારિયા રોડ વિસ્તારમાં તેના પરિવારથી અલગ રહેતો હતો અને અપરિણીત હતો. ત્રણ ભાઇમાં વચેટ ચમન પોતાના લગ્ન નહીં થવા માટે તેના ભાઇ ભાભીને જવાબદાર ગણતો હતો, અને વડીલોપાર્જિત મકાન મુદ્દે પણ વિવાદ ચાલતો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્ષ 1999થી તેના ભાઇ ઉમેશ અને ભાભી ભારતીબેન સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વારંવાર અરજી કરતો હતો. તાજેતરમાં પણ ચમને અરજી કરી હતી.

છેલ્લા એક મહિનાથી ઘડ્યું હતું કાવતરું
પોલીસે પૂછપરછ કરતાં ચમન સરધારાએ કેફિયત આપી હતી કે, પોતે ત્રણ ભાઇમાં વચેટ હતો અને તેના મોટા તથા નાનાભાઇના લગ્ન થઇ ગયા હતા, પરંતુ ભાઇ ઉમેશ અને ભાભી ભારતીબેને પોતાના લગ્ન થવા દીધા નહોતા, તેમજ વડીલોપાર્જિત મકાનમાં પણ ભાગ દીધો નહોતો, આરોપીએ એવું પણ રટણ રટ્યું હતું કે, પોતે અગાઉ વેલ્ડિંગનું કામ કરતો હતો ત્યારે બંને ભાઇઓ કંઇ કામકાજ કરતા ન હોવાથી ઘરનું ગુજરાન પોતે ચલાવતો હતો તેના રૂ.10 લાખની અનેક વખત ઉઘરાણી કરવા છતાં પૈસા નહીં આપતા પોતે ઉશ્કેરાયો હતો. તેની માતા અગાઉ હયાત હતા ત્યારે ભાભી ભારતીબેન તેની સાથે સતત ઝઘડો કરતા અને મારકૂટ કરતા હોય ભાભીની હત્યા કરવાનું છેલ્લા એક મહિનાથી નક્કી કરી લીધું હતું. એક મહિનામાં બે વખત છરી સાથે વિવેકાનંદનગરમાં ગયો હતો ભાભી બચી ગયા હતા.