the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

પાકિસ્તાનના ગોળીબાર વચ્ચે મુગલે તેની 2 બહેન સહિત પરિવારને બચાવ્યો, આદિત્યએ સળગતી બસનો કાચ હથોડાથી તોડીને 42 લોકોને બહાર કાઢ્યા

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 10 બાળા સહિત 22 બાળકોને રાષ્ટ્રપતિભવનમાં સન્માનિત કર્યા

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિભવનમાં આયોજિત સમારોહમાં દેશનાં 22 બાળકોને રાષ્ટ્રીય વીરતા પુરસ્કારથી સન્માનિત કર્યા. સ્વૈચ્છિક સંસ્થા ભારતીય બાલ કલ્યાણ પરિષદે આ પુરસ્કારોની જાહેરાત કરી હતી. પુરસ્કાર મેળવનારાં બાળકોમાં 10 બાળા પણ સામેલ છે. એક બાળકને મરણોત્તર પુરસ્કાર અપાયો. દરેકની કહાણી પ્રેરણાદાયી છે. કોઇએ મિત્રોને બચાવવા પોતાનો જીવ ગુમાવ્યો તો કોઇએ દુર્ઘટનામાં પૂરા પરિવારને બચાવી લીધો. વાંચો તેમની વીરતાના કિસ્સા…
હિમાચલની અલાઇકા: ખીણમાં પડતાં પહેલાં પરિવારજનોને બચાવી લીધા
હિમાચલ પ્રદેશની 13 વર્ષની અલાઇકા તે સમયે તેના માતા-પિતા અને દાદા માટે દેવદૂત બની ગઇ કે જ્યારે તેમની કાર રોડ પરથી ખીણમાં પડવા લાગી. તેની માતા સવિતાએ જણાવ્યું- અમે બર્થડે પાર્ટીમાં જતા હતા. પાલમપુર નજીક અમારી કાર અચાનક ખીણમાં ધસવા લાગી. નસીબ સારા કે એક ઝાડ સાથે ટકરાઇને કાર થંભી ગઇ. દુર્ઘટના બાદ અલાઇકા સૌથી પહેલા ભાનમાં આવી અને તેણે લોકોને મદદ માટે બોલાવ્યા. તે ન હોત તો આજે અમે બધા જીવતા ન હોત.
કેરળનો આદિત્ય: ડીઝલ ટેન્ક ફાટતા પહેલાં લોકોને બસની બહાર કાઢ્યા
15 વર્ષીય આદિત્ય ગત વર્ષે પહેલી મેએ કેરળના 42 પર્યટક સાથે નેપાળના પ્રવાસેથી પરત આવી રહ્યો હતો. ભારતીય બોર્ડરથી અંદાજે 50 કિ.મી. પહેલા બસમાં આગ લાગી ગઇ. આગ લાગતાં જ ડ્રાઇવર ફરાર થઇ ગયો. 5 બાળક અને કેટલાક વૃદ્ધો સહિતના પર્યટકો બસમાં ફસાઇ ગયા હતા. આ દરમિયાન આદિત્યએ હથોડાથી બસનો પાછળનો કાચ તોડ્યો. પછી બસની ડીઝલ ટેન્ક ફાટે તે પહેલા બધા જ પર્યટકોને હેમખેમ બચાવી લીધા. આ દરમિયાન આદિત્યને ગંભીર ઇજાઓ થઇ હતી.
કાશ્મીરનો મુગલ: આતંકી હુમલામાં 2 બહેનો સહિત પરિવારને બચાવ્યો
ઘટના ગત 24 ઓક્ટોબરની છે. કાશ્મીરના કુપવાડામાં ચૌકીબલ અને તુમિનામાં પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી દીધું. 16 વર્ષનો સરતાજ મોહીદીન મુગલ ત્યારે ઘરમાં જ હતો. તેના ઘરના પહેલા માળે પાક.નો એક ગોળો આવીને પડ્યો. તે બહાર દોડી ગયો પણ અચાનક તેને યાદ આવ્યું કે તેના માતા-પિતા અને 2 બહેનો અંદર છે. પછી તે તરત અંદર દોડ્યો અને બહેનોને હેમખેમ બહાર કાઢી. પછી મકાન પડે તે પહેલા માતા-પિતાને પણ બહાર કાઢી લીધા.
કેરળનો મોહસિન: દરિયામાં તણાતા મિત્રોને બચાવ્યા, પોતે જીવ ગુમાવ્યો
કેરળના કોઝીકોડના રહેવાસી મોહમ્મદ મોહસિને દરિયામાં તણાતા તેના મિત્રોને બચાવવા જીવ આપી દીધો. તેને મરણોત્તર વીરતા પુરસ્કાર અપાયો. દરમિયાન, આસામના માસ્ટર કમલ કૃષ્ણ દાસ, છત્તીસગઢના કાંતિ પૈકરા અને વર્ણેશ્વરી નિર્મલકર, કર્ણાટકની આરતી કિરણ સેઠ અને વેંકટેશ, કેરળના ફતહ પીકે, મહારાષ્ટ્રની જેન સદાવર્તે અને આકાશ મછીન્દ્ર ખિલ્લારેને પણ વીરતા પુરસ્કાર અપાયા. મિઝોરમના 3 બાળક અને મણિપુર-મેઘાલયના 1-1 બાળકને વીરતા પુરસ્કારથી નવાજાયા.