the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

વિશ્વમાં 80000 દર્દીએ કોરોનાને હરાવ્યો, ભારતમાં રેન્ડમ સેમ્પલિંગનો રિપોર્ટ નેગેટિવ એટલે કે ફેલાવો બેકાબૂ નથી

 • ભારત કોરોનાને હરાવવા તાકાતથી કામે લાગ્યું 

 • 1 લાખ તપાસ કિટ છતાં બીજી 20 લાખ મંગાવાઈ

 • ભારતમાં દર્દીઓની સંખ્યા 154 થઇ, 17 નવા કેસ મળ્યા, 14 સાજા પણ થયા

 • વિશ્વમાં વુહાનમાં માત્ર એક જ પોઝિટિવ કેસ, પણ પાકિસ્તાનમાં 237 કેસ, 1 મોત

નવી દિલ્હી: વિશ્વમાં કોરોનાના કેર વચ્ચે તેની રસી બનાવવા 50 કંપનીઓ વ્યસ્ત બની ગઈ છે. એટલું જ નહીં સારા સમાચાર એ છે કે વિશ્વમાં 80 હજાર દર્દીઓ સાજા થઈ ગયા છે. ભારતમાં પણ 14 દર્દી સાજા થયા હોવાના અહેવાલ છે. દરમિયાન કોરોના વાઈરસથી સંક્રમિત 64 વર્ષીય વૃદ્ધનું મંગળવારે મુંબઈમાં મોત થયું હતું. દેશમાં કોરોનાના દર્દીના મોતનો આ ત્રીજો કેસ છે. તેઓ હાલમાં જ દુબઈથી પરત ફરત ફર્યા હતા. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું છે કે, ભારતમાં કોરોના વાઈરસ હવે બીજા તબક્કામાં પહોંચી ગયો છે. બીજીબાજુ સરકારે સામૂહિક સ્તરે વાઈરસ ફેલાવવાની તપાસની તૈયારી પણ શરૂ કરી છે. 20 લાખ તપાસ કિટ મંગાવાઈ છે. 10 લાખ કિટ જર્મની અને 10 લાખ WHO પાસેથી મંગાવાઈ છે. દેશમાં કુલ 1 લાખ તપાસ કિટ છે. તેમાંથી 40 હજાર કિટ રાજ્યોને આપી દેવાઈ છે. બીમારીના ફેલાવાની તપાસ માટે સરકારે દરેક રાજ્યમાં રેન્ડમ સેમ્પલિંગ કર્યું હતું. આવા 1000માંથી 500 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

દેશમાં અત્યાર સુધી 14 દર્દી સાજા થયા
દેશમાં સોમવારે કોરોનાના સંક્રમણના 17 નવા કેસ સામે આવ્યા, જેથી તેના દર્દીઓની કુલ સંખ્યા 154 થઈ છે. આ પૈકી અત્યાર સુધી ફક્ત 14 સાજા થયા છે, જ્યારે ત્રણના મૃત્યુ થયા છે. કોરોનાના સૌથી વધુ 36 દર્દી મહારાષ્ટ્રમાં છે. આ સ્થિતિ જોતા મહારાષ્ટ્ર સરકારે લોકોને ઓછામાં ઓછો પ્રવાસ કરવાની સલાહ આપી છે. આ સાથે સરકારી ઓફિસો સાત દિવસ બંધ રાખવાનો પણ વિચાર કરાઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ તમામ મંત્રાલયોના એન્ટ્રી પોઈન્ટ્સ પર થર્મલ સ્કેનર લગાવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત વિઝિટર પાસ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવાયા છે. સરકારે અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ થકી બેઠકો યોજવાનો અને ફાઈલો ઈ-મેઈલ કરવાનો પણ આદેશ કર્યો છે.
બીજી તરફ, રેલવે સ્ટેશનો પર ભીડ ઓછી કરવા મધ્ય અને પશ્ચિમ રેલવેના 250 સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ રૂ. 10થી વધારીને રૂ. 50 કરી દેવાઈ છે. આ સ્થિતિમાં પ્રવાસીઓની સંખ્યા ઘટતા રેલવેએ રાજધાની સહિતની લાંબા અંતરની 23 ટ્રેન રદ કરવી પડી છે.
દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારા પહેલા દર્દીની સારવાર કરનારા ડૉક્ટર પણ પોઝિટિવ
કોરોના વાઈરસના કારણે કર્ણાટકના કલબુર્ગીમાં 11 માર્ચે દેશમાં પહેલું મૃત્યુ થયું. એ દર્દીની સારવાર કરનારા 63 વર્ષીય ડૉક્ટર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. 6થી 9 માર્ચ દરમિયાન આ દર્દીની સારવાર કરનારા ડૉક્ટર તેના સંપર્કમાં હતા. હાલ તેમને ઘરમાં જુદા રખાયા છે, પરંતુ ટૂંક સમયમાં તેમને આઈસોલેશન વૉર્ડમાં શિફ્ટ કરાશે.
કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરનનો રિપોર્ટ નેગેટિવ, છતાં ઘરમાં અલગ રહે છે
કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન હાલમાં જ કેરળમાં એક મેડિકલ સંસ્થામાં ગયા હતા. ત્યાં તેઓ સ્પેનથી પરત આવેલા એક ડૉક્ટરના સંપર્કમાં આવ્યા હતા, જે 15 માર્ચે કોરોના સંક્રમિત હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, મુરલીધરનનો કોરોના સંક્રમણનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછીયે તેઓ ઘરમાં અલગ રહી રહ્યા છે. આ અંગે તેમણે ટ્વિટ કરી છે કે, ગભરાવવાની જરૂર નથી, મેં ફક્ત સાવચેતી માટે આ પગલું લીધું છે.
કોરોના અપડેટ્સ

 • ગુજરાત કુલ 96 શંકાસ્પદ કેસ, 90 નેગેટિવ, 6ના રિપોર્ટ બાકી
 • પાલિતાણામાં મલેશિયાથી આવેલી એક મહિલા અને સુરતમાં લંડનથી આવેલી યુવતી શંકાસ્પદ , રાજકોટમાં વિદેશથી પરત ફરેલા 110 લોકો ઘરની બહાર નહીં જઈ શકે.
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાણકી વાવ સહિતના રાજ્યના તમામ દર્શનીય સ્થળ 25 માર્ચ સુધી બંધ રહેશે
 • છેલ્લા 7 દિવસમાં વેસ્ટર્ન રેલવેની આવકમાં 37 ટકાનો ઘટાડો.
 • શ્રીનાથજી-કાંકરોલીમાં દર્શન બંધ
 • મુંબઈમાં 64 વર્ષીય 1 વૃદ્ધનું મોત, દેશમાં કુલ મૃત્યુ 3.
 • દેશમાં 17 નવા કેસ, કુલ દર્દીની સંખ્યા 154 જેમાંથી 14 સાજા થઈ ગયા.
 • ભીડ ઓછી કરવા પ્લેટફોર્મ ટિકિટનો ભાવ રૂ. 50 કરી દેવાયો છે.
 • બ્રિટન અને યુરોપ જનારી તમામ ફ્લાઈટ રદ કરવા આદેશ.
 • કેન્દ્રીય વિદ્યાલય ઇમેઇલ અને વોટ્સએપ પર રિઝલ્ટ આપશે.
 • ઉદયપુર નજીકના શ્રીનાથજી અને કાંકરોલી ધામમાં પણ દર્શન બંધ
 • પાકિસ્તાનમાં કોરોના પોઝિટિવની સંખ્યા 24 કલાકમાં 50થી 237 થઈ ગઈ, 1નું મોત
 • ઇટાલીમાં મૃતકોની સંખ્યા 2000ને પાર થઈ ગઈ