the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

જ્હોન મોર્લેએ બ્રિટિશ સંસદને કહ્યું હતું, ‘ગમે તેમ કરીને બંગાળનું આંદોલન રોકો, સ્વદેશીને લીધે બ્રિટનને ગંજાવર નુકસાન જઈ રહ્યું છે’

  • નામધારી ફિરકાના ધર્મગુરુએ ઈસ. 1871માં બ્રિટિશ ચીજવસ્તુ, બ્રિટિશ નોકરી, બ્રિટિશ શિક્ષણનો ત્યાગ કરવા આદેશ કર્યો હતો, જેને 50 વર્ષ પછી ગાંધીજી અનુસર્યા

અમદાવાદ. સ્વયંભૂ લોકક્રાંતિ કોને કહેવાય? ઈસ. પૂર્વે ચોથી સદીમાં થઈ ગયેલાં મહાન ગ્રીક દાર્શનિક એરિસ્ટોટલે માનવમનની સંકુલતાનો અભ્યાસ કરીને બહુ જ રસપ્રદ જવાબ આપ્યો છે. તે કહે છે, ‘ક્રાંતિનો વિચાર ગમે તેટલો તેજસ્વી હોય, પરંતુ પોતાનું વ્યક્તિગત કે પારીવારિક અહિત ન દેખાય ત્યાં સુધી લોકો ક્રાંતિમાં સહભાગી બનતાં નથી. ‘

તો પછી ક્યા સંજોગોમાં સ્વયંભૂ લોકક્રાંતિ થાય?

એરિસ્ટોટલનું દર્શન કહે છે, ‘પરિવર્તનનો તણખો છેવાડાના ઝુંપડા સુધી પહોંચે ત્યારે તે ક્રાંતિનો ભડકો બની જાય છે.’ ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકન ક્રાંતિ, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, ચીનની ક્રાંતિ સહિત દુનિયાના દરેક નોંધપાત્ર પરિવર્તનોનો ઈતિહાસ તપાસો, દરેકમાં એરિસ્ટોટલનું આ નિદાન સાચું ઠરશે. ભારતની સ્વદેશી ક્રાંતિ પણ એમાંથી બાકાત નથી.

ક્રાંતિનો વિચાર ગમે તેટલો તેજસ્વી હોય, પરંતુ જનમાનસ સુધી પહોંચવા માટે તેને યોગ્ય તક, યોગ્ય સમય અને યોગ્ય ભાષાની જરૂર પડે છે. સ્વદેશીના વિચારને એવી તક આપવામાં નિમિત્ત બની હતી એક કવિતા, જે કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ કંઈ મહાન કવિતાની વ્યાખ્યામાં આવી શકે તેમ નથી. શબ્દો ય સાધારણ જ છે, પણ તેમાંથી ઊઠતી સ્વદેશીની, સ્વરાજ્યની અહાલેકને જનતાએ ખભા પર ઊંચકી લીધી.

‘સરસ્વતિ પત્રિકા’ નામે બનારસથી પ્રસિદ્ધ થતું એ સામયિક પણ ખાસ જાણીતું ન હતું, પરંતુ તેનાં તંત્રીલેખમાં રજૂ થયેલો તણખો દૂર છેક બંગાળમાં ભડકો બની ગયો. તંત્રીલેખમાં લખાયું હતું, ‘બ્રિટિશરોની શક્તિશાળી ફોજ સામે આપણે લડી શકીએ એમ નથી. તેમની અખૂટ સંપત્તિ સામે આપણે ગરીબ છીએ. પણ એમ છતાં આપણે એમને પરાસ્ત કરી શકીએ એમ છીએ. એમની ચીજવસ્તુને જાકારો આપો. વિદેશી સામાનને સળગતી આગમાં નાંખો અને ગૌરવભેર સ્વદેશી અપનાવો’.

એ જ અંકમાં છપાયેલી કવિતા તો ઘણી લાંબી છે, પણ તેણે ભડકાવેલો માહોલ સમજવા માટે કેટલીક પંક્તિઓ ઉપયોગી રહેશે.

વિદેશી વસ્ત્ર હમ ક્યૂં લે રહે હૈ/ વૃથા ધન દેશ કા ક્યૂં દે રહે હૈ/ મહાન દેશ સે બના ભારત ભિખારી/ ગઈ હૈ હાય તેરી બુદ્ધિ મારી/ હજારોં દેશવાસી ભૂખે મરે હૈ/ હાથસાલોં મેં કૌશલ્ય સડતા હૈ/ ઔર ઈધર તુ વિદેશી વસ્ત્ર ઢૂંઢતા હૈ/ ન ઈસસે બઢકર ઓર કોઈ મૂઢતા હૈ/ મહા અન્યાય હો રહા હૈ/ દેશી પર વિદેશી છાયે જા રહા હૈ/ મરે અસગાર, બિસેસર ઔર કાલી/ ભરે ઘર ગ્રાન્ટ, ગ્રેહામ ઔર રાલી/ સ્વદેશી સ્વદેશી યહી એક નારા/ દેશ કે ચરણોં મેં જીવન હમારા/ હિન્દુ મુસલમાઁ સભી કા યે નારા/ આઝાદ બનેગા હિન્દોસ્તાઁ હમારા

એમનું નામ મહાવીરપ્રસાદ દ્વિવેદી, હિન્દી ભાષાના ખ્યાતનામ વિદ્વાન. બ્રિટિશ વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કરવાનો નિર્ણય કર્યો ત્યારે લોકમાન્ય તિલકે કલકત્તામાં વિશાળ સભા યોજી અને આ કવિતાનું જાહેર પઠન કર્યું એ સાથે સમગ્ર બંગાળમાં આગની માફક આ કવિતા અને તેનો સંદેશ પ્રસરી ગયા. લોકોએ જાતે તેના ચોપાનિયાઓ છપાવીને દિવાલો પર લગાવવા માંડ્યા. ‘સ્વદેશી સ્વદેશી યહી એક નારા’ના સૂત્રોચ્ચાર સાથે લોકોએ રસ્તાઓ ગજાવી દીધા. આ સ્વયંભૂ આંદોલન હતું. કોઈનું નેતૃત્વ ન હતું અને એમ બંગભંગ ચળવળનો આરંભ થયો, જેના પાયામાં સ્વદેશી શબ્દ હતો.

પછી બંગભંગ ચળવળે કેવો ઈતિહાસ સર્જ્યો એ તો જાણીતી વાત છે. એ આંદોલનમાંથી જ વિદેશી ચીજવસ્તુના બહિષ્કારના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો નીકળ્યા. જાહેરમાં વિદેશી માલની હોળીઓ પ્રગટવા લાગી. એ આંદોલનમાંથી જ સશસ્ત્ર ક્રાંતિની હિમાયતી અનુશીલન સમિતિ અને યુગાન્તર, વન્દેમાતરમ જેવા રાષ્ટ્રવાદી અખબારો, સામયિકોનો ઉદભવ થયો. એ આંદોલને જ તિલક, સાવરકર ઉપરાંત બારિન્દ્ર ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી જેવા ક્રાંતિવીરોની પરાક્રમી હારમાળા સર્જી દીધી અને અત્યાર સુધી પોતાને અજેય માનતી બ્રિટિશ સત્તાના પાયા હચમચી ગયા. આ સઘળા ઘટનાક્રમના પાયામાં હતી એક કવિતા અને તેમાંથી સ્ફૂટ થતી સ્વદેશીની ભાવના.

સ્વદેશી શબ્દમાંથી ઊભી થયેલી આત્મગૌરવ, સ્વાભિમાન અને એકજૂટ ભારતની ભાવના પારખીને કોંગ્રેસે પણ પોતાના કાર્યક્રમમાં સ્થાન આપ્યું. મહાત્મા ગાંધીનું નેતૃત્વ સ્થિર થયું અને એમણે જે કાર્યક્રમોને રાષ્ટ્રવ્યાપી બનાવ્યા તેમાં સ્વદેશી આંદોલન મુખ્ય હતું. ગાંધીજી માત્ર સ્વદેશી અપનાવો એવું કોરું સૂત્ર આપીને બેઠા ન રહ્યા, પરંતુ ચરખાના પ્રતીક સ્વરૂપે તેમણે હાથવણાટ, કાંતણ અને ખાદીનો એવો મજબૂત વિકલ્પ આપ્યો કે સમગ્ર દેશે તેનો સ્વીકાર કર્યો.

અત્યાર સુધી સ્વદેશીનો પ્રચાર મર્યાદિત હતો. ગાંધીજીનું સૌથી મોટું પ્રદાન એ કે તેમણે સ્વદેશીના વિચારને દેશભરમાં ગામડાંઓ સુધી પહોંચાડ્યો. પરંપરાગત રીતે ઘરની ચાર દિવાલો વચ્ચે રહેવા ટેવાયેલી ભારતીય મહિલાઓને નેતૃત્વના સ્તરે પહોંચાડી અને વિદેશી કાપડની હોળી વડે બ્રિટિશ સામ્રાજ્યને તંગ કરી દીધું. બ્રિટિશ સામ્રાજ્યની શક્તિ સામે સ્વદેશી એક એવું હથિયાર હતું જેણે નિઃશસ્ત્ર, દુબળા, કમજોર અને ગરીબ ભારતીયોના હાથમાં તાકાત અને હૈયામાં હામ ભરી દીધી હતી.

મહાત્મા ગાંધીએ સ્વદેશી, સવિનય કાનૂન ભંગ અને અસહકાર જેવા નોંખી ભાતના અને છતાં બેહદ અસરકારક કાર્યક્રમો આપ્યા એ દરેકના મૂળ ખરેખર તો બીજે ક્યાંક નીકળે છે. આ દરેક કાર્યક્રમો એક શીખ ધર્મગુરુ મર્યાદિત સ્તરે, પણ ભારે સફળતાપૂર્વક આપી ચૂક્યા હતા. એમનું નામ બાબા રામધારીસિંઘ કુકા. શીખોના નામધારી ફિરકાના આ ધર્મગુરુએ પોતાના અનુયાયીઓને હાથે કાંતેલા સૂતરના વસ્ત્રો જ પહેરવા આદેશ કર્યો હતો અને એ સાલ હતી ઈસ. 1871, જ્યારે કે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો ઈસ. 1869માં.

બાબા રામધારીસિંહના આદેશ મુજબ હજારો નામધારીઓએ બ્રિટિશ મિલમાં વણાયેલા કાપડનો ત્યાગ કર્યો હતો. ગુરુદ્વારાઓમાં ચાલતી હાથસાળો પર સામુહિક વસ્ત્ર ઉત્પાદન થતું અને એ જ વસ્ત્ર અનુયાયીઓ ઉપયોગમાં લેતાં. બાબાનો બીજો આદેશ હતો, બ્રિટિશ શાસન જેનાં પર લાગુ થતું હોય એવી દરેક વ્યવસ્થાનો ત્યાગ કરો. બ્રિટિશ અદાલત, બ્રિટિશ નોકરી, બ્રિટિશ કરવેરા, બ્રિટિશ શિક્ષણ દરેકનો ત્યાગ કરવાના આદેશનો એવો ચુસ્ત અમલ થયો કે 1870થી 1890ના વીશ વર્ષ દરમિયાન પંજાબના બ્રિટિશ સામ્રાજ્યની આવકમાં 25 ટકાનો ઘટાડો થઈ ગયો.

એક નાનકડો સમાજ જો મક્કમ થાય તો જોરાવર સામ્રાજ્યને આટલી અસર પહોંચાડી શકે. તો પછી આખો દેશ એકજૂટ થાય તો કેવી હાલત થાય?
ઠાલી કલ્પના કરવાની જરૂર નથી. આ રહ્યા કેટલાંક સત્તાવાર આંકડા, જે 1908, 1910માં બ્રિટિશ સંસદ સમક્ષ હિન્દી વજીર (સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ડિયા) જ્હોન મોર્લે દ્વારા અપાયા છે. મોર્લેના વિધાન મુજબ, ભારતીયોએ વિદેશી કાપડનો બહિષ્કાર કર્યો હોવાથી બ્રિટનના માન્ચેસ્ટરીની કાપડની મિલોને 7 કરોડ વાર (Yard)ની ખોટ ખમવી પડી હતી. જેમાં 3.10 કરોડ વાર કાપડનો બંગાળ સિવાયના પ્રાંતોએ પણ બહિષ્કાર કર્યો હતો.

મોર્લેએ આ અહેવાલમાં જ થનારા નુકસાનનો આંકડો માંડીને તાકિદ કરી હતી કે, બ્રિટિશ તંત્રે કોઈપણ રીતે ભારતીયોના આ આંદોલનને તોડી પાડવું જોઈએ અન્યથા બ્રિટનને ભારે નુકસાન થાય તેમ છે. એ જ રીતે ગાંધીજી પ્રેરિત સ્વદેશી આંદોલન વખતે બ્રિટનને કાપડ ઉપરાંત બીજી તમામ નિકાસ ચીજોમાં આશરે 30 લાખ પાઉન્ડનું નુકસાન ગયાનો અંદાજ મૂકાયો હતો.

આ એક દેશ સામેનો આક્રોશ હતો. એક દેશના જુલ્મી શાસન સામેનો પ્રતિકાર હતો. ત્યારે એક ઈસ્ટ ઈન્ડિયા કંપની હતી. હવે દુનિયાભરની મલ્ટિનેશનલ કંપનીઓ ભારતમાં આવી ચૂકી છે. સોયથી માંડીને કમ્પ્યૂટર અને પગલૂંછણિયાથી લઈને ચશ્મા સુધીના ઉત્પાદનોમાં વિદેશી કંપનીઓ ઘરઆંગણે કાર્યરત છે.

એવે વખતે સ્વદેશીનો વિચાર કેટલેક અંશે કારગત નીવડી શકે? વૈશ્વિકીકરણના આ દૌરમાં એ શક્ય છે ખરું?

કહેવાય છે કે, Where there is a will, there is a way.

મન હોય તો માળવે જવાય તેનું એક સચોટ ઉદાહરણ છે, આપણે તેને જરૂર અનુસરી શકીએ.

(વાંચો આવતીકાલે)

સંદર્ભઃ

1. પોલિટિક્સ ભાગ 5, લેખકઃ એરિસ્ટોટલ, સમજુતીઃ ક્રિસ રિવ

2. સરસ્વતિ પત્રિકા, જુલાઈ-1903, સંપાદકઃ મહાવીરપ્રસાદ દ્વિવેદી

3. સતગુરુ રામધારીસિંહ એન્ડ કુકા મૂવમેન્ટ, લે. તારાસિંઘ અન્જાન

4. જ્હોન મોર્લેઃ લિબરલ ઈન્ટલેક્ચ્યુઅલ ઈન પોલિટિક્સ, લે. ડેવિડ હેમર