the best newspaper in Gujarat Nirmal Metro daily Gujarati newspaper, Gujarati news IPO analysis, IPO analysis in gujarati, IPO analysis by dilip davda in gujarati, Ahmedabad leading newspaper nirmal metro visit.www.nirmalmetro.com

સ્વદેશી ભૂલ્યાં માટે આપણે સ્વામી મટીને ગુલામ બન્યાં આવું સૌપ્રથમ વખત કહેવાયું ત્યારે ગાંધીજીની ઉંમર 3 વર્ષ હતી, કોણે આ વિચાર વહેતો મૂક્યો હતો?

  • વેદકાલીન સમાજ વ્યવસ્થા અને ગ્રામ્ય આધારિત અર્થતંત્રની પરંપરાના કારણે વિદેશી આક્રમણો છતાં 15મી સદી સુધી ભારતની સમૃદ્ધિ ટકી રહી હતી

અમદાવાદ. કોરોના મહામારીની આફતને અવસરમાં બદલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો છે. સ્થાનિક ઉત્પાદનોના વપરાશ અને વખાણ માટે Vocal for Localનું સુચન પણ કર્યું. સ્વદેશી એક એવો શબ્દ છે જે હરહંમેશ સૂતેલા ભારતને જગાડવા માટેનો શંખનાદ બન્યો છે. એક એવી અહાલેક છે જેણે ભારતની સુષુપ્ત શક્તિઓમાં પ્રાણ ફૂંક્યો છે. મહાશક્તિશાળી ગણાતા બ્રિટિશ સામ્રાજ્ય સામે સમગ્ર દેશને એકજૂટ કરવામાં પણ સ્વદેશી વિચારની ભૂમિકા હતી અને વૈશ્વિકીકરણના દૌરમાં ભારતને આર્થિક સમૃધ્ધિની દિશા આપવામાં પણ સ્વદેશી જ પ્રથમ પગથિયું છે. કોઈ તેને ભારતીય શક્તિ કહે છે, કોઈ તેને મેક ઈન ઈન્ડિયા નામ આપે છે. નામરૂપ ભલે જૂજવાં હોય, પણ અંતે તો એમાં આત્મનિર્ભરતા અને સ્વાભિમાન થકી સમૃદ્ધિની જ વાત છે.સ્વદેશીની વાત આવે એટલે મહાત્મા ગાંધીનો ઉલ્લેખ અચૂક થાય, અને એ ખોટો પણ નથી. અત્યંત મજબૂત બ્રિટિશ સામ્રાજ્ય સામે લડવા માટે મહાત્મા ગાંધીએ સ્વદેશીનો મંત્ર આપ્યો હતો અને તેમનું શસ્ત્ર હતું ચરખો. દેશભરમાં સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગની સભાનતા લાવવા માટે ગાંધીજીનું યોગદાન બેશક અમૂલ્ય છે પરંતુ સ્વદેશીની વિભાવના (Concept) આપનાર ગાંધીજી પ્રથમ ન હતા. ગાંધીજીની ઉંમર માત્ર 3 વર્ષની હતી ત્યારે બંગાળી સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ઈસ. 1872માં બંગદર્શન નામે સામયિકમાં સૌ પ્રથમ વખત સ્વદેશીનો વિચાર વહેતો કર્યો હતો.

બંગાળમાં વિજ્ઞાનસભા નામે સંસ્થા સ્થાપવાનો પ્રસ્તાવ મૂકતી વખતે તેમણે આર્યભટ્ટ, વરાહમિહિર, ચરક, સુશ્રુત, નાગાર્જુન અને કણાદ જેવા પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિકોનો ઉલ્લેખ કરીને બહુ જ આક્રમક ભાષામાં કહ્યું હતું, ‘જો આપણે આ સાચવ્યું હતો તો જગત આજે ભારતના ચરણોમાં હોત, આપણું દાસ હોત. પરંતુ સ્વદેશી ભૂલ્યાં માટે આપણે સ્વામી મટીને ગુલામ બની ગયા છીએ. આપણાં ઘરઆંગણાના કૌવતને, કૌશલ્યને ઓળખો. એ કૌશલ્યને ધારદાર બનાવો. ઘરઆંગણે બનેલી ચીજો સ્વીકારો. સ્વદેશી જ્ઞાન અને સ્વદેશી વિજ્ઞાનને પાછું લાવો. ગુલામીની ધૂંસરીમાંથી મુક્ત થવાનો આ એકમાત્ર માર્ગ અત્યારે મને દેખાય છે.’

બંકિમચંદ્રની આ વેદના સાવ અકારણ ન હતી. તુર્કોએ રોમના તાબાનું કોન્સ્ટેન્ટિનોપોલ (આજનું ઈસ્તંબુલ) જીતી લીધું અને યુરોપિયનોને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી એ જાણીતી બાબત છે. યુરોપિયનોના બજાર ભારતથી આવતાં મરી-મસાલા અને અનાજ, કઠોળ પર નિર્ભર હતા. એથી ય પૂર્વે માર્કો પોલોએ (ઈસ. 1275) પણ પોતાના પ્રવાસવર્ણનોમાં કાપડ (Textiles), વણાટકામ (Handloom), ઓજારો બનાવવાની કારીગરી (Forging and Fabrication) અને ઔષધીઓ (Pharmaceuticals) અંગે ભારતીયોની કાબેલિયતના વખાણ કર્યા છે.

સિલ્કરૂટ તરીકે ઓળખાતા વેપારના એ જમીનમાર્ગેથી ભારતમાં ઉત્પાદિત થતાં માલસામાનની પેઠ પૂર્વમાં ચીન અને પશ્ચિમે છેક ઈટાલી સુધી પહોંચતી હતી. જીનિવા અને વેનિસમાં ભારતીય માલસામાનના મોટા બજારો હતા, જે સમગ્ર યુરોપમાં ભારતીય ચીજો પહોંચાડતા. સમુદ્રમાર્ગે ભારતનો વેપાર ઝાંઝીબાર, જીબુટી, માડાગાસ્કરના રસ્તે આફ્રિકા સાથે જોડાયેલો હતો. રશિયા ખંડ ત્યારે બરફના રેગિસ્તાન તરીકે લગભગ નિર્જન ગણાતો અને અમેરિકા ખંડની શોધ હજુ થઈ ન હતી. એવા વૈશ્વિક માનચિત્ર વચ્ચે ભારતનો દુનિયાભરમાં ડંકો વાગતો હતો, જેનું ઠાલું ગૌરવ હજુ પણ આપણે સોને કી ચિડિયા લલકારીને લઈએ છીએ.

ઈસ.ની આઠમી સદીમાં મુહમ્મદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું અને ભારત પર વિદેશી પ્રહારની શરૂઆત થઈ. એ પછી ગઝની, ઘોરીના આક્રમણોએ તુર્કી સલ્તનતનો પાયો નાંખ્યો. એમ છતાં હજારો વર્ષની ભારતની પરંપરા એ આક્રમણો સામે ઝીંક ઝીલી શકી હતી. ગુલામ, તુઘલક, ખીલજી અને લોદી શાસનની અરાજકતા વચ્ચે પણ ભારત અકબંધ રહી શક્યું હતું કારણ કે ભારતીય અર્થતંત્રનો મુખ્ય આધાર એવી ગ્રામિણ વ્યવસ્થા હજુ ય અડીખમ હતી.

વેદકાલીન સમયથી ગોઠવાયેલી ભારતની સમાજ વ્યવસ્થા સ્વાવલંબી ગ્રામને પ્રાધાન્ય આપતી હતી. દરેક ગામ પોતે જ પોતાની જરૂરિયાત મુજબનું ઉત્પાદન કરે અને વધારાનું ઉત્પાદન વેપારીઓ મારફત મોટા બજારોમાં વેચે. ભારતીય પ્રજાની આ વિશિષ્ટતાનો બાહ્ય વિશ્વને પ્રથમ પરિચય થોમસ રો મારફત થયો. બાદશાહ જહાંગીરના દરબારમાં આવેલા બ્રિટિશ કંપનીના પ્રતિનિધિ થોમસ રોએ ગુજરાત, વિદર્ભ, દખ્ખણ, બંગાળ અને દક્ષિણમાં છેક કાલિકટ સુધી પ્રવાસ કર્યો હતો.

પ્રવાસ દરમિયાન થોમસ રોએ ભારતીય ગ્રામ્ય વ્યવસ્થાની ઉત્પાદકતાનો બારીક અભ્યાસ કર્યો. ગ્રામ્યસમાજમાં કુટુંબ વ્યવસ્થાનું અવલોકન કર્યું. કૃષિની પદ્ધતિની સમજણ મેળવી. તેણે જોયું કે, ભારતીયો બે પ્રકારની પ્રવૃત્તિમાં વ્યસ્ત હોય છેઃ એક પોતાની જરૂરિયાત માટે અને બીજી ગ્રામ્ય જરૂરિયાત માટે. એ સિવાયનું જે કંઈ ઉત્પાદન થાય એ વધારાનું ગણીને વેચવા મોકલે છે. આવી સંતુષ્ટ જિંદગી, સંગ્રહખોરી કરવાની કે ધનિક થવાની લાલસાવિહિન સમાજરચના થોમસ રો માટે તદ્દન નિરાળી હતી. તેણે પોતાની સત્તાવાર નોંધમાં લખ્યું કે, ‘સમગ્ર વિશ્વ પરિવર્તનશીલ હશે, પણ ભારતીય ગ્રામ્ય વ્યવસ્થા કદી બદલાય એમ નથી’

અને એ નોંધ જ છેવટે ભારતની બદહાલીનું કારણ બની

  • થોમસ રોની એ નોંધ પછી બ્રિટન સહિત સમગ્ર યુરોપિય પ્રજાએ ભારત તરફ દોટ મૂકી અને એનાંથી ભારતનું તકદીર બદલાઈ ગયું. હજારો વર્ષની પરંપરા બદલાઈ ગઈ. એટલી હદે બદલાઈ ગઈ કે આજે પણ આપણે એમાંથી બહાર નીકળીને પૂરાતન ગૌરવ પ્રાપ્ત કરવા મથી રહ્યા છીએ.
  • જોકે આજે પણ આપણને એમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો દેખાય છે, જે 1872માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને યોગ્ય લાગ્યો હતો, 1905માં લોકમાન્ય તિલકને જેમાં સમૃદ્ધ ભારતની ગુરુચાવી દેખાઈ હતી, 1930માં મહાત્મા ગાંધીને જેમાં સ્વતંત્ર ભારતનો રસ્તો દેખાયો હતો અને 2020માં નરેન્દ્ર મોદી જે રસ્તે ભારતને મહાસત્તા બનાવવા આહ્વાન કરી રહ્યા છે.

એ રસ્તો એટલે આત્મનિર્ભરતા….