Nirmal Metro Gujarati News
City NewsCrime

અમદાવાદના જ્વેલર્સના કર્મીનું કારસ્તાન સામે આવ્યું

વટવા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી

જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી અન્ય સાગરીતો સાથે મળીને ભેળસેળવાળી સોનાની ચેઇન ગીરવે મૂકીને રોકડી કરતો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – ગુજરાતીમાં એક કહેવત છે ખાય એનું ખોદે. આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો શહેરના વટવા વિસ્તારમાં બન્યો છે. જ્વેલર્સમાં કામ કરતો કર્મચારી અન્ય સાગરીતો સાથે મળીને ભેળસેળવાળી સોનાની ચેઇન ગીરવે મૂકીને રોકડી કરતો હતો. જોકે જ્વેલર્સ માલિકને આ અંગેની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ સંકજામાં રહેલા આરોપીઓના નામ જગદીશ માળી અને સંજય ઠાકોર છે. આ બંને આરોપીઓની વટવા પોલીસે ધરપકડ કરી છે. આરોપી જગદીશ માળી વટવામાં આવેલા ઝાંઝર જ્વેલર્સમાં નોકરી કરે છે. જગદીશ બનાવટી ગ્રાહકો ઊભા કરીને તેમને ભેળસેળવાળી સોનાના ચેઇન આપતો હતો. જે ચેઇન આ ગ્રાહકો મારફતે જ્વેલર્સમાં ગીરવે મૂકીને રૂપિયા મેળવતો હતો. બાદમાં વ્યાજ પણ ચૂકવતા નહીં અને રૂપિયા પરત આપીને ચેઇન પણ લેવા માટે આવતા નહીં. જોકે જ્વેલર્સના માલિકને શંકા જતા તેણે વધુ એક ચેઇન ગીરવે મૂકવા માટે આવતા સંજય ઠાકોર અને જગદીશને ઝડપી પોલીસ હવાલે કર્યા છે. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આરોપી જગદીશ માળીએ અત્યાર સુધીમાં જુદા જુદા ગ્રાહકો મોકલીને ત્રણેક વખત ચેઇન ગીરવે મૂકીને રૂપિયા ૭ લાખ જેટલી રોકડ રકમ મેળવી છે. જેના બદલામાં ઊભા કરેલા બનાવટી ગ્રાહકને કમિશન ચૂકવતો હતો. આરોપી જગદીશ પહેલા ગ્રાહકને વિશ્વાસમાં લેતો હતો. તે ગ્રાહકને જણાવતો હતો કે, તે જ્વેલર્સમાં ચેઇન મૂકવા જશે તો જ્વેલર્સના માલિક તેના પરિવારને જાણ કરી દેશે. તેને રૂપિયાની જરૂર હોવાથી મદદ કરવાના બહાને લોકોને વિશ્વાસમાં લઈ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સમાં મોકલતો હતો.

આરોપીની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે. જે આ ગુનાનો માસ્ટર માઇન્ડ છે. ફરાર આરોપી આ રીતે ચેઇનની વ્યવસ્થા કરી આપતો હતો. જોકે તે ભેળસેળવાળી સોનાની ચેઇન ક્યાંથી લાવતો હતો અને અત્યાર સુધીમાં તેણે આ રીતે અન્ય કોઈ જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગુનાના મુખ્ય આરોપીની ધરપકડ બાદ હજી પણ અન્ય ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.

Related posts

તમારું બેન્ક એકાઉન્ટ ભાડે આપતા પહેલાં સો વાર વિચારજો

Master Admin

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો

Master Admin

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં ૩ની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »