શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવા આ નિર્ણય લેવાયો
મેળાના સુચારુ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમોએ રવેડી રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬ – જૂનાગઢની ભવનાથ તળેટીમાં આગામી ૧૧ ફેબ્રુઆરીથી યોજાનારા મહાશિવરાત્રીના મેળામાં ટ્રાફિક અને ભીડના નિયંત્રણ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. સાધુ સંતો અને વહીવટી તંત્રની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આ વખતે મેળા દરમિયાન અધિકારીઓ કે મંત્રીઓના વાહનોને પ્રવેશ આપવામાં નહીં આવે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપવા આ નિર્ણય લેવાયો છે. વરિષ્ઠ નાગરિકો અને અશક્ત સાધુ સંતોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર દ્વારા ખાસ ઇલેક્ટ્રિક રિક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું.મેળાના સુચારુ સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસની ટીમોએ રવેડી રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું હતું. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દર વર્ષે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં થતું બસોનું પાર્કિંગ હવે ગિરનાર દરવાજા પાસે ખસેડવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત મેદાનનો ઉપયોગ હવે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક રહેવાસીઓને દૂધ, ગેસ સિલિન્ડર અને રેશનિંગ જેવી આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે રાત્રિના સમયે સામાનની હેરફેરની મંજૂરી આપવામાં આવી છે.

