વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલવાને બદલે ઘરને જ વૃદ્ધાશ્રમ બનાવો.
જે ગુરુગૃહ જાય છે એનો વિષાદ પ્રસાદમાં બદલી જાય છે.
સંપન્ન અને પ્રપન્ન બંનેનો હાથ પકડીને વચમાં રહે એ પ્રસન્ન રહેશે.
ગુરુગૃહ જવાથી ધીમે-ધીમે વૈરાગ્યમાં વૃદ્ધિ આવે છે.
ગુરુગૃહ જવાથી બાહ્ય વિકાસ અને અંદરથી વિશ્રામ થવા લાગે છે.
ખૂબ જ વિશાળ માત્રામાં બેઠેલા શ્રોતાઓની સાથે સાથે મહાપુરુષો,સાધુઓ,સર્જકો અને સાહિત્યકારો સાથે આ ભૂમિના વીર અને ધીર પુરુષોની વંદના કરીને પાંચમા દિવસની રામકથાનો યવતમાલથી આરંભ કરતા બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં નવ પ્રકારના ગૃહનું વર્ણન છે.
નવ ગ્રહ છે પણ એ અલગ વાત છે,પણ અહીં નવ ગૃહ બતાવેલા છે.જેમાં પ્રથમ ગૃહ માતૃગૃહ છે. આપણો જન્મ જયાં થયો હોય એ માતૃગૃહ કહેવાય આજે તો દવાખાનાઓમાં પ્રસુતિગૃહમાં જન્મ થાય છે,પણ જુના જમાનામાં પોતાની ઘરે જ કોઈ એક ખૂણામાં આપણો જન્મ થતો એ આપણું માતૃગૃહ છે અને આખું ઘર એ પિતૃગૃહ છે.
ચાર મંદિર વિશે વાત કરતા બાપુએ કહ્યું કે ઘરમાં જ ચારે ચાર મંદિર બનવા જોઈએ.જ્યાં બાળકોની સેવા થતી હોય,રમત હોય એવું બાલમંદિર,યુવાનોને પ્રેરણા મળે એવું યુવા મંદિર અને ખાસ અનુરોધ કરતા કહ્યું કે વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મોકલવાને બદલે ઘરને જ વૃદ્ધાશ્રમ બનાવો.તમામ સુવિધાઓ વૃદ્ધો માટે ઘરમાં રાખો એ વૃદ્ધમંદિર છે.અને જ્યારે સમય પાકે ત્યારે એ જ વૃદ્ધ સન્યાસ તરફ જાય એ માટે જેમ ચાર આશ્રમ છે એમ વૃદ્ધ માટે એ સન્યાસ આશ્રમ પણ ઘરમાં જ હોવો જોઈએ.ઘરને જ વૃદ્ધાશ્રમ પણ બનાવવું જોઈએ,ઘરને જ સન્યાશ્રમ બનાવવો જોઇએ.
જેનું શરીર ઘરમાં છે અને દ્રષ્ટિ વનમાં છે એવા ગૃહસ્થી માટે એ વાનપ્રસ્થ આશ્રમ કહી શકાય.
ત્રીજું ગૃહ એ ગુરુગૃહ છે.
ગુરુ ગૃહ ગયે પઢન રઘુરાઈ;
અલપકાલ વિદ્યા સબ આઈ.
જે ગુરુગૃહ જાય છે એનો વિષાદ પ્રસાદમાં બદલી જાય છે.
કોઈએ પૂછેલું કે આપણને કયા ચિત્ર અને કયા-કયા ચરિત્ર પસંદ છે એની વાત કરતા બાપુએ પોતાને પસંદ હોય એવા અલગ-અલગ ચિત્રો વિશેની વ્યવસ્થિત વાત કરી અને સુદામા ચરિત્રનું સજળ નેત્રે ગાયન કરી અને કહ્યું કે ઘણા ચરિત્રમાં સુદામાચરિત્ર પણ ખૂબ જ પસંદ છે.
શ્રોતાઓને પણ આગ્રહ કર્યો કે સંપન્ન અને પ્રપન્ન બંનેનો હાથ પકડીને વચમાં રહે એ પ્રસન્ન રહેશે.એ જ બુદ્ધનો મધ્યમ માર્ગ છે.અમીર તરફ કોઈ વિરોધ નહીં અને ગરીબને નફરત નહીં એવો મધ્યમ માર્ગ લેવો જોઈએ.
અસ્મિતા પર્વ-૨ નાં સમયની વાત કરતા બાપુએ કહ્યું કે એ વખતે એક સાહિત્ય જગતના મહાપુરુષ જયંત પાઠકે પૂછેલું કે એક તરફ તમે વિનોબાજીની પણ વાત કરો છો અને બીજી બાજુ ઓશો વિશેની પણ વાત કરો છો!
બાપુએ કહ્યું કે આજે એનો હું જવાબ આપું છું કે સાધુ બંનેની વચ્ચે હોય છે.પ્રપન્નતા અને સંપન્નતાની વચ્ચે સાધુએ રહેતી વખતે સંપન્ન લોકોનો ડાબો હાથ અને ગરીબ હોય એનો જમણો હાથ પકડવો જોઈએ.
ચોથું સસુર ગૃહ માતાઓ માટે ખૂબ મહત્વનું હોય છે એ જ રીતે બંદીગૃહ કે જ્યાં સીતાને રાખવામાં આવેલા.એક ગૃહ કાલનેમીનું ગૃહ પણ હતું અને સૂષેણનું ઘર એ વૈદગૃહ હતું.રાજાઓનું ઘર એ નુપગ્રહ કહેવાય અને તુલસીદાસે ઉર એટલે કે હૃદયના ગૃહ વિશેની વાત પણ કરેલી છે.
ઘણા જ ચરિત્રોમાં રામચરિત્ર,સીતા ચરિત્ર,શિવ ચરિત્ર,ઉમાચરિત્ર,ભરત ચરિત્ર,ભૂશુંડી ચરિત્ર અને સાધુનું ચરિત્ર મને ખૂબ પસંદ છે એમ કહેતા બાપુએ વીજળીવાળાની વાત કરતા એક ડોક્ટર વિશેનું ઉદાહરણ આપ્યું કે જે પોતાના બાળકનો અકસ્માત થવા છતાં કોઈ બીજાના બાળકનું ઓપરેશન કરવા માટે દોડે છે,અને એ વખતે એ બાળકની માતા તરફથી મળતી ગાળોને પણ અવગણે છે.
કોઈ એક સાધુ તરફથી પ્રશ્ન પણ આવેલો કે કથાને માવલી એટલે કે માતા કહે છે.તુકારામજી કથાને માવલી કહે છે એ બાબતનો સંવાદ આગળ ઉપર કરવાની વાત કરી આજની કથાને વિરામ આપવામાં આવ્યો.
ગરુગૃહ શું પ્રદાન કરે છે?
ગુરુ ગ્રહથી પણ વધારે મહત્વનું ગુરુગૃહ છે.જ્યાં સમ્રાટ દશરથ પણ ગયા અને સાક્ષાત બ્રહ્મ-રામ પણ જ્યાં ગયા છે.
ગુરુ આપણા મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે.
ગુરુગૃહ જવાથી ધીમે-ધીમે વૈરાગ્યમાં વૃદ્ધિ આવે છે.ગુરુગૃહ જવાથી બાહ્ય વિકાસ અને અંદરથી વિશ્રામ થવા લાગે છે.ગુરુ ગૃહ જવાથી વિશ્વાસ વધતો જાય છે.ગુરુગૃહમાં જવાથી આપણા ધર્મમાં વિકાસ થાય છે,અર્થમાં વિકાસ થાય છે,આપણી કામનાઓના વિવેકમાં વિકાસ થાય છે અને મોક્ષ તરફ પણ આપણો વિકાસ થાય છે.ગુરુગૃહ આપણને વિચાર શૂન્ય કરી દે છે.ગુરુગૃહ વિસ્મય પેદા કરે છે.ગુરુગૃહ જ આંસુઓનું નિદાન પણ કરે છે એટલા માટે ગુરુગૃહ ખૂબ મહત્વનું છે.