Nirmal Metro Gujarati News
article

હું અહીં ભાઈચારો,મહોબ્બત,શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું.”

 

ભવસાગર પાર કરવા માટે રામકથા દ્રઢ નૌકા છે.

હાસ્ય હયાતિનું ભાષ્ય છે

શ્રધ્ધા ગુરુ પર,વિશ્વાસ ગુરુ વચન પર,ભરોસો ગુરુ ચરણ પર હોવો જોઇએ.

સાધક ચાર પ્રકારના હોય:તોફાની,બર્ફાની,કુરબાની અને શર્માની.

 

આગલી રાતની બરફ વર્ષા પછી વધુ ખુશનુમા બનેલી સવારે,અફાટ વેરાયેલા મનોહર બરફાચ્છાદિત વૃક્ષો વચ્ચે દલ લેકનાં કાંઠે શ્રીનગરમાં ચાલતી રામકથાનો બીજો દિવસ, કહ્યું કે કાશ્મીરની આ પૌરાણિક ભૂમિ મનિષી લોકોની મહાભૂમિ અનેક રૂપમાં મહિમાવંત ભૂમિ.

વ્યાસપીઠને મળતા અવનવા પત્રો,પ્રશ્નો, જિજ્ઞાસાઓને ન્યાય આપવા બાપુએ પૂછાયેલા એક પ્રશ્નથી વાત માંડી.પૂછાયેલું કે કાશ્મીર વિશે તમે કંઈક કહો.કહ્યું કે ગઈકાલે અરૂણભાઇએ અને ઉપરાજ્યપાલે ઘણું જ કહ્યું.પણ એક પુસ્તક ‘કાશ્મીરનામા'(અશોક પાંડેએ લખેલું)-જેમાં ૫૦૦૦ વર્ષ પહેલાથી ઇતિહાસ આધારિત પોતાનું અવલોકન છે.એમાં મીથ પણ છે.એનો જ સંક્ષિપ્ત સારાંશ લઇને નાનકડું પુસ્તક(કશ્મીરકા ઇતિહાસ) ગુજરાતીમાં,દંતાલીવાળા સ્વામિ સચ્ચિદાનંદજીએ લખ્યું છે.પહેલેથી ચાલુ કરીને કોણ આવ્યા,પછી શું થયું,આજ સુધીનો ઇતિહાસ;જેમાં તથ્ય પણ છે અને સત્ય પણ છે-આ બે ગ્રંથો જોઈ જવા.

હું અહીં ભાઈચારો,મહોબ્બત,શાંતિ અને અહિંસાનો સંદેશ દેવા આવ્યો છું,તો પણ જે સત્ય છે એ સત્ય જ છે.

વિષય પ્રવેશ:

આપણું ગોત્ર ઋષિમુનિઓના નામ પરથી-પહેલા બ્રાહ્મણ અને ક્ષત્રિયોનાં ગોત્ર માનવામાં આવતા. પહેલા નામ નહિ પણ ગોત્ર બોલાતું અને એ હતું કશ્યપ ગોત્ર.કાશ્મીરના મૂળમાં કશ્યપ છે.

પણ શંકરાચાર્ય કહે છે એમ દ્વેત અને અદ્વૈતને છોડીને માત્ર રસ પીવો છે,સમરસ થઈને મૌનનો ઘૂંટ પીવો.આ અનુષ્ઠાન છે,કોઈ તમાશો નથી.પરમ તત્વનો જલવો છે.

અહીં અનેક પ્રકારની સુરક્ષામાં સુરક્ષા કર્મીઓ સિવિલ ડ્રેસમાં પણ આપણી રક્ષા કરી રહ્યા છે. આપણા ધામ(ઘર)માં સુખ હોય છે પણ આપણે સુખધામ નથી.આ સુખધામ-રામની કથા છે. ભવસાગર પાર કરવા માટે રામકથા દ્રઢ નૌકા છે.પણ એની હવા સાથે ચાલવા દેવી જોઈએ.નાની નૌકા ડૂબતી નથી માણસ જેટલો નાનો એમ જલ્દી તરી જશે.

૧૯ ઊંટવાળી પ્રચલિત કથાને જુદી રીતે બાપુએ કહી એક વૃદ્ધ મરવાનો હતો.એની પાસે ૧૯ ઊંટ હતા.તેને એક દીકરી અને બે દીકરા હતા.બધાને બોલાવીને કહ્યું કે મારા અડધા ઊંટ મારી દીકરીને,ચોથા ભાગના ઉંટ નાના દીકરાને,મોટા દીકરાને પાંચમા ભાગના ઊંટ આપવા.હવે ૧૯નાં અડધા,ચોથા કે પાંચ ભાગ પડી શકે નહીં.એ જ વખતે એક માર્ગી સાધુ ઊંટ લઈને આવ્યો.એણે પોતાનું ઊંટ મેળવીને ૨૦ કરીને એનાં અડધા-૧૦ વૃદ્ધની દીકરીને,ચોથો ભાગ-પાંચ નાના દીકરાને અને પાંચમો ભાગ-ચાર ઊંટ મોટા દીકરાને આપ્યા.અહીં પંચતત્વનું શરીર,પાંચ જ્ઞાનેન્દ્રિય,પાંચ કર્મેન્દ્રિય,મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર-મળીને ૧૯ થાય છે પણ એને ઠીક અને સંતુલિત કોઈ ગુરુ જ કરી શકે છે.

શ્રી સંપ્રદાય વાળા શ્રીનો અર્થ સીતા કરે છે.શ્રી ગુરુ એટલે સીતા જ ગુરુ છે.

હાસ્ય હયાતિનું ભાષ્ય છે એવું પણ મેં હમણાં જ કહેલું.જેમ ઉંબરો મધ્ય છે.રામનામ રૂપી દીવો એ જીભ રૂપી ઉંબરા પર રાખે એટલે અંદર અને બહાર બંને તરફ અજવાળું થાય.

વંદના પ્રકરણમાં પણ ગુરુવંદના મધ્યમાં છે,ચાર વંદના ઉપર અને ચાર વંદના નીચે આપેલી છે.

શ્રદ્ધા વિશ્વાસ અને ભરોસો-આ ત્રણ વાતો હું કહું છું જેના ઉપર વિદ્વાન,સાક્ષર,ભાવિક અને ભાવક, ભાવુક બધા જ ચર્ચાઓ કરે છે.ગુરુકૃપાથી અનુભવ છે એ કહું તો શ્રદ્ધા ગુરુમાં હોવી જોઈએ.પણ આપણી શ્રદ્ધા વ્યભિચારિણી છે.આપણું કોઈ સાચું ઠેકાણું કે સાચું ઘરાનું નથી.ગુરુના સમગ્ર અસ્તિત્વ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ.વિશ્વાસ ગુરુનાં વચન ઉપર હોવો જોઈએ,ગુરુના શરીર ઉપર નહીં.પછી અષ્ટાવક્ર હોય,ધ્રુવ હોય કે શુકદેવ હોય.અને ભરોસો ગુરુના ચરણ ઉપર હોવો જોઈએ.એટલે શ્રદ્ધા સમગ્ર પર,વિશ્વાસ વચન પર અને ભરોસો ચરણ પર હોવો જોઈએ.

ચરણ ભરોસાનો મતલબ એ આપણાથી દૂર જાય કે પાસે રહે.સંસારને સમુદ્ર કહ્યો છે,સરોવર નહીં. કારણ કે સંસાર અને સાગરમાં ચાર-પાંચ વસ્તુ સરખી દેખાય છે.સમુદ્રમાં ઉથલ-પાથલ બહુ થાય છે દૂરથી લાગે તો સમુદ્ર પાણી સભર,પણ તરસ્યો પણ ખૂબ હોય છે,પીએ તો ખારો લાગે છે.શંકર સમુદ્ર છે પણ એક ઘડા પાસે કથા સાંભળવા જાય છે,તૃપ્તિ ઘડાના પાણીથી જ મળી શકે છે.સમુદ્રનો એક કિનારો દેખાય બીજો નથી દેખાતો,પણ છે.આપણે જન્મ જોઈ શકીએ છીએ,મૃત્યુ પણ છે જ.સમુદ્ર ઊંડો પણ બહુ હોય છે.સમુદ્ર અને ચંદ્ર મા ને ઘણો સંબંધ હોય છે,સંસારને પણ મન સાથે ઘણો જ સંબંધ હોય છે.મનના જેટલા દોષ છે એ સમુદ્રમાં પણ છે.સમુદ્રને જીતવો નહીં પણ પાર કરવો,તરવો અને મોજ કરવી હોય તો ચોપાઈની નૌકા ઉપર સવાર થઈ જવું જોઈએ.

કથા પ્રવેશ:

ગઇકાલે હનુમંત વંદના ઊતાવળમાં કરી પણ

હનુમાન તત્વ શું છે?વાલ્મિકી રામાયણમાં હનુમાન ખુદને ઈશ્વર કહે છે.શિવ ઈશ્વર છે તો હનુમાન પણ ઈશ્વર છે.લોકો મોટા ભાગે કહે છે હનુમાન ૧૧મો રુદ્ર છે(ગઈ કથામાં ભાગવતનાં શ્લોકનો આશ્રય લઈને કહેલું કે ૧૧મો નહિ પણ ૧૧ રૂદ્રનું સંમિલન એ હનુમાન છે).હનુમાનજીનો પહેલો પરિચય કિષ્કિંધા કાંડમાં થાય છે.આખી દુનિયા સુંદરકાંડનો પાઠ કરે છે માત્ર ૩૦ દોહાનો કિષ્કિંધાકાંડ-નાનકડો કારણકે એ હૃદય છે.ત્યાં હનુમાનજી સુગ્રીવનાં મુખ્ય સચિવ છે એ પહેલું દર્શન છે.રામના દૂત છે.કોઈના દૂત બનવું પડે તો હરામના નહીં પણ રામના બનજો.જાનકીનાં સુપુત્ર છે,ભરતના ભાઈ અને માનસના પંચપ્રાણનાં રક્ષક હનુમાન છે.સેવકના રૂપમાં પણ છે.

વંદના પ્રકરણમાં બધાની વંદના-સુર,નર,મુનિ,અસુર એ બધાની વંદના કરીને કહ્યું કે ઈશ્વરે બનાવેલી પ્રકૃતિને ન માનનારા નાસ્તિક છે.રામચરિત માનસે પ્રકૃતિના તત્વોને ખૂબ શ્રદ્ધાથી સન્માન આપ્યું છે. રામનામની વંદના-નામ મહિમાનો ખૂબ વિસ્તાર થયો છે.રામનામ મહામંત્ર,પરમમંત્ર,મંત્રરાજ,બીજમંત્ર છે. તુલસીજી કહે છે શિવે માનસની રચના કરી અને માનસમાં છુપાવ્યું અને મેં એને અયોધ્યામાં છપાવ્યું! સાધક ચાર પ્રકારના હોય:તોફાની-ઈન્દ્રિયો ઉપર દમન કરે એવા.બરફાની-ખૂબ શાંત.કુરબાની-સમર્પિત હોય એવા અને શર્માની-સાધના ગુપ્ત રાખે એવા.

Related posts

World Water Day: QNET India Advocates Need for Healthier Hydration With KENT-QNET RO Purifier

Reporter1

રાજકોટમાં પૂજ્ય મોરારી બાપૂની રામકથામાં રૂ. 60 કરોડનું જંગી દાન પ્રાપ્ત થયું

Reporter1

DEFENDER JOURNEYS: TO EMBARK ON ITS THIRD EDITION FROM NOVEMBER 2024

Reporter1
Translate »