પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર પ્રહાર
હતાશા તો કદાચ સમજી શકાય છે, પણ શું આ દેશના પવિત્ર લોકતંત્રના મંદિરને તમાશો બનાવી દેવો તે ઠીક નથી : મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ ફેબ્રુઆરી ૨૦૨૬: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આજે દુનિયા પડકારો સામે ઝઝૂમી રહી છે. નવા વર્લ્ડ ઓર્ડર બની રહ્યા છે અને નવા વર્લ્ડમાં દુનિયાનો ઝુકાવ ભારત તરફ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ચોરી કરવી તેમનો ખાનદાની ધંધો છે. પીએમે કહ્યું કે, સત્તા મેળવવા માટે તેમણે મહાત્મા ગાંધીની સરનેમ પણ ચોરી લીધી, જેથી તેઓ પોતાની ખામીઓ છુપાવી શકે અને દેશની જનતાને ગુમરાહ કરી શકે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના નેતા રવનીત સિંહ બિટ્ટુને ગદ્દાર કહેવા પર રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કાલે એક શાંત મગજવાળા યુવરાજે એક સાંસદને ગદ્દાર કહી દીધા. તેમનો અહંકાર તો જુઓ, યુવરાજે શીખ સાંસદને ગદ્દાર કહ્યા. એટલા માટે ગદ્દાર કહ્યા કેમ કે તે શીખ છે અને તેમને કોઈ પસ્તાવો પણ નથી.
રાજ્યસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, હતાશા તો કદાચ સમજી શકાય છે, પણ શું આ દેશના પવિત્ર લોકતંત્રના મંદિરને આવો તમાશો બનાવી દેવો તે ઠીક નથી. તે સમયે, આસામના અમારા એક સન્માનિત સભ્ય સદનની અધ્યક્ષતા કરી રહ્યા હતા અને ટેબલ પર કાગળ ફેંકવામાં આવ્યા. શું આ પૂર્વોત્તરનું અપમાન નથી, કાલે તેમણે ફરી એવું જ કર્યું. તે સમયે આંધ્ર પ્રદેશના એક દલિત પરિવારનો દીકરો સદનની અધ્યક્ષતા કરી રહ્યા હતા અને તેમનું પણ અપમાન કર્યું. આવી જ રીતનો વ્યવહાર કરીને તમે પૂર્વોત્તરનું અપમાન કર્યું છે અને આંધ્ર પ્રદેશના એક દલિત પરિવારના દીકરાનું અપમાન કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, મને ખૂબ જ દુઃખ થયું જ્યારે આ દેશના સૌથી સન્માનિત હસ્તીઓમાંથી એક, ભારત રત્ન ભૂપેન હજારિકાજી, જેમને આજે પણ ઘરોમાં યાદ કરવામાં આવે છે, તેમના વિશે આવી વાતો કરી, લોકો તેમના પ્રત્યે જે શ્રદ્ધા ધરાવે છે, તેની કલ્પના પણ ન કરી શકાય. તેમ છતાં વિપક્ષે તેમનું કોઈ માન ન રાખ્યું. પ્રધાનમંત્રીએ વિપક્ષ પર ટાર્ગેટ સાધતા કહ્યું કે, કાલે હું જોઈ રહ્યો હતો, જે ખુદને રાજા માને છે, તે આર્થિક અસમાનતાની વાતો કરી રહ્યા હતા. ઘુસણખોરોની વકાલત કરનારાઓને યુવાનો કેવી રીતે માફ કરશે. ઘુસણખોર તેમની આઝાદી છીનવી રહ્યા છે. તેમની રોજી રોટીનો હક છીનવી રહ્યા છે. આવા લોકો માટે આ લોકો કવચ બનેલા છે.

