રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર
સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો લાઠીચાર્જ, કેસ અને જેલ લગભગ નક્કી : રાહુલ ગાંધીના કેન્દ્ર પર આક્ષેપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિય એક્સ પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે લખ્યું છે કે, ભારતમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની બાબતને સૌથી મોટો ગુનો બનાવી દીધો છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધીમે ધીમે તે રસ્તે જઈ રહી છે, જેમાં અસંમત થનારને દેશદ્રોહ ગણવામાં આવે છે અને સવાલ પૂછીએ તો ષડયંત્ર નામ આપવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, ભલે ગમે તે મુદ્દો હોય, જો કોઈ બંધારણ રીતે સત્તા વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેઓ પર લાઠીચાર્જ, કેસ અને જેલ લગભગ નક્કી થઈ જાય છે. આ મામલે રાહુલે અનેક ઉદાહરણો પણ આપ્યા છે.
રાહુલ ગાંધીએ કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે. તેમણે પેપર લીક, મહિલા પહેલવાનોએ ભાજપ નેતા પર લગાવેલા ગંભીર આક્ષેપ, ઈન્ડિયા ગેટ પર દુષ્કર્મ પીડિતાના સમર્થનમાં દેખાવો, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ, ઝહેરીલી હવા, ખેડૂત આંદોલન સહિત અનેક મુદ્દાનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ એક્સ પર શું લખ્યું ?
પેપર લીકથી ત્રસ્ત થયેલા યુવાઓએ પોતાના ભવિષ્ય માટે અવાજ ઉઠાવ્યો તો, જવાબ મળ્યો લાઠીથી.
દેશની ગૌરવશાળી મહિલા પહેલવાનોએ ભાજપના પ્રભાવશાળી નેતા પરના ગંભીર આરોપોની નિષ્ફળ તપાસની માંગ કરી, જેમાં તેમના અવાજને બદનામ કરાયો, આંદોલનને કચડી નાખવામાં આવ્યું અને બળજબરી કરીને તેમને રસ્તાઓ પરથી હટાવાયા.
એક દુષ્કર્મ પીડિતાના સમર્થનમાં ઈન્ડિયા ગેટ પર શાંતિપૂર્વક દેખાવો થયા, ત્યારે ન્યાયની માંગને વ્યવસ્થાના નામે અસુવિધા માનીને હટાવી દેવાયા.
યુવા કોંગ્રેસે દેશના હિતો વિરુદ્ધના ભારત-અમેરિકા ટ્રેડ ડીલનો શાંતિપૂર્ણ વિરોધ કર્યો તો તેમને દેશવિરોધી ગણાવી ધરપકડ કરવામાં આવી.
જ્યારે સામાન્ય લોકોએ ઝેરી હવા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો, ત્યારે પર્યાવરણની ચિંતાને રાજકારણ કહી દબાવી દેવાયો.
જ્યારે ખેડૂતોએ પોતાના અધિકાર માટે આંદોલન કર્યું તો તેમને દેશવિરોધી ગણાવાયા. ટીયર ગેસ, રબ્બરની ગોળી, પાણીમારો અને લાઠીચાર્જ કરાયો,
જ્યારે આદિવાસીઓ પોતાના જળ, જંગલ અને જમીનના હક માટે ઊભા થયા, ત્યારે તેમના પર પણ શંકાની નજર નાખવામાં આવી – જાણે પોતાના અધિકારો માંગવા એ ગુનો હોય.
આ કેવી લોકશાહી છે, જ્યાં Compromised PM સવાલોથી ડરે છે? જ્યાં અસંમતિને કચડી નાખવી એ શાસનનો સ્વભાવ બનતો જઈ રહ્યો છે?
શાંતિપૂર્વક વિરોધ કરવો તે અપરાધ નથી, પરંતુ લોકશાહીની આત્મા છે. સવાલ પૂછવો એ લોકશાહીની કમજોરી નથી, તેની તાકાત છે. લોકશાહી ત્યારે મજબૂત થાય છે, જ્યારે સરકાર ટીકાઓ સાંભળે છે, જવાબ આપે છે અને જવાબદાર રહે છે.
મોદી જી, આ ઉત્તર કોરિયા નથી, ભારત છે. જ્યારે સત્તા પોતાની જાતને રાષ્ટ્ર સમજવા લાગે અને અસંમતિને દુશ્મન – ત્યારે લોકશાહી મરી જાય છે.

