- ગુજરાતમાં બ્લાઈન્ડિંગ લાઈટ્સ સામે સ્પેશિયલ ડ્રાઈવ
- રાત્રે સામેવાળાની આંખો અંજાઈ જાય તેવી સફેદ લાઈટનો ત્રાસ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — જો તમે પણ તમારી કારની હેડલાઈટ્સ બદલાવીને તેમાં વ્હાઈટ લાઈટો નંખાવી છે, તો ચેતી જજો. ગુજરાત વાહનવ્યવહાર વિભાગ હવે આવા વાહનચાલકો સામે લાલ આંખ કરી રહ્યું છે. ટ્રાફિક સુરક્ષાને ધ્યાને રાખીને રાજ્યભરમાં આવી ગેરકાયદે લાઈટો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે, જેમાં ભારે દંડ અને જેલ સુધીની સજાની જોગવાઈ છે. જાગૃત નાગરિકોની વ્યાપક ફરિયાદો બાદ કમિશનર કચેરીએ તમામ RTO ને આદેશ આપ્યા છે કે ગેરકાયદે મોડિફાઈડ લાઈટો ધરાવતા વાહનોને ડિટેઈન કરવા. વાહન માલિકો પાસેથી તોતિંગ દંડ વસૂલવો અને વારંવાર નિયમ ભંગ કરનારનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવી. આજકાલ વાહનચાલકોમાં કંપની ફિટેડ હેલોજન (પીળી) લાઈટ્સ હટાવીને આફ્ટર-માર્કેટ તેજ સફેદ લાઈટો લગાવવાનો ક્રેઝ વધ્યો છે. આ લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખોને ક્ષણિકભરમાં અંધ કરી દે છે. જેના કારણે સામેથી આવતા ચાલકને રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. ક્ષણિક અંધાપો આવતા ગંભીર અકસ્માતો સર્જાય છે. અમદાવાદના એસ.જી. હાઈવે અને સિંધુ ભવન રોડ જેવા વિસ્તારોમાં લક્ઝુરિયસ ગાડીઓમાં બ્લેક ફિલ્મ અને આવી ડેઝલિંગ લાઈટોનો ત્રાસ વધ્યો છે.
ઓટોમોબાઈલ એક્સપર્ટ્સ જણાવે છે કે સફેદ લાઈટ જોવામાં સ્ટાઈલિશ લાગે છે, પરંતુ તે સુરક્ષાની દ્રષ્ટિએ નકામી છે. સફેદ લાઈટ વરસાદ કે ધુમ્મસમાં રિફ્લેક્ટ થાય છે, જેનાથી ડ્રાઈવરને પોતાને પણ રસ્તો સ્પષ્ટ દેખાતો નથી. જ્યારે પીળી લાઈટની વેવલેન્થ એવી હોય છે જે ધુમ્મસ અને વરસાદને ભેદી શકે છે, જેનાથી વિઝિબિલિટી સારી રહે છે.
રોડ સેફ્ટી નિષ્ણાતોના મતે, ભારતમાં થતા કુલ અકસ્માતોમાંથી આશરે ૪૦% અકસ્માતો રાત્રિના સમયે થાય છે. તેના પાછળ અનેક વૈજ્ઞાનિક કારાણો જવાબદાર હોય છે. જ્યારે તમારી આંખ પર સીધી તેજ સફેદ લાઈટ પડે છે, ત્યારે આંખની કીકીને ફરીથી સામાન્ય સ્થિતિમાં આવતા ૩ થી ૯ સેકન્ડ જેટલો સમય લાગે છે. જો તમારી ગાડી ફૂલ સ્પીડમાં હોય, તો આ ૭-૮ સેકન્ડમાં ગાડી અંદાજે ૫૦ મીટર કે તેથી વધુ અંતર કાપી નાખે છે. આટલા સમયમાં ચાલક સંપૂર્ણપણે બ્લાઈન્ડ હોય છે, જે અકસ્માત માટે પૂરતું છે.

