ફરીથી સ્કૂલમાં હાજર શિક્ષકો પર કાર્ય ભાર વધી રહ્યો છે
બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની કામગીરીમાં જોડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ સ્તરને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. બીજી તરફ શિક્ષકોની ઘટ હોવાના કારણે બાળકોના શિક્ષણ બગડી રહ્યું છે આ ઓછું હોય તેમ થોડા સમય પહેલાં મોટા ભાગના શિક્ષકો મતદાર સુધારણા કાર્યક્રમ SIR માં જોડાયા હતા. તે માંડ પુરું થયું ત્યારે હવે સમિતિના અનેક શિક્ષકો આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની કામગીરીમાં જોડાયા છે તેથી ફરીથી સ્કૂલમાં હાજર શિક્ષકો પર કાર્ય ભાર વધી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા સત્ર શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શિક્ષકોને ફરીથી ઈતર પ્રવૃત્તિ સાથે જોડી દેવામાં આવ્યા છે. જેના કારણે ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષકો પૂરતું શિક્ષણ આપી શકતા ન હોવાથી વિદ્યાર્થીઓનો પાયો કાચો રહે તેવી ફરિયાદ થઈ રહી છે.
શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે પુસ્તકો લેવા જવું, પુસ્તકો સાથે સાથે બુટ મોજા અને ગણવેશ વિતરણ કરવા જેવી અનેક પ્રવૃત્તિનો ભાર આપી દેવામાં આવ્યો છે. જેના કારણે સત્ર શરૂ થયાના ચારેક દિવસ થયા છતાં વિદ્યાર્થીઓને શિક્ષકો અભ્યાસ કરાવી શકતા નથી. શિક્ષકોને પટાવાળા અને પટાવાળા કેટેગરીની કામગીરી કરવાની હોવાથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
થોડા સમય પહેલાં જ મોટા ભાગના શિક્ષકો BLO કામગીરીમાં જોડાયેલા હતા અને તેના કારણે વર્ગખંડમાં શિક્ષકોની અછત જોવા મળી હતી. એક શિક્ષક બે કે તેથી વધુ વર્ગ સંભાળી રહ્યા છે શિક્ષકો ફિલ્ડમાં છે અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શિક્ષકોની રાહ જોઈ રહ્યાં છે. આમ મતદાર યાદી સુધારણા માટેના કાર્યક્રમના કારણે પાલિકા અને શિક્ષણ સમિતિનો વહિવટ ખોરવાઈ રહ્યો છે.
આવી જ સ્થિતિ ફરી એક વખત ઉભી થઈ છે આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. તેમાં શિક્ષણ સમિતિની શાળાના અનેક શિક્ષકોને સુપરવાઈઝર-ઝોન પ્રતિનિધિની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે. આ ઓછું હોય તેમ આગામી દિવસોમાં વસ્તી ગણતરી માટે કવાયત થઈ રહી છે તેથી તેમાં પણ શિક્ષકોને જોડી દેવામાં આવશે. આમ શિક્ષક શૈક્ષણિક પ્રવૃત્તિના બદલે બિન શૈક્ષણિક પ્રવૃત્તિમાં વધુ જોડી દેવામાં આવતા હોવાથી શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર નીચું જઈ રહ્યું છે. તેથી શિક્ષકોને આવી પ્રવૃત્તિઓમાં જોડાવાના બદલે વર્ગખંડમાં વધુ રહે તે મુજબની કામગીરી થાય તેવી માગણી થઈ રહી છે.

