Nirmal Metro Gujarati News
article

કંઈક થવા માટે કથા નહિ,પણ જે છો એ સમજવા માટે કથા સાંભળો

 

સાધુ મહામંત્ર છે.

બેરખો સાધુનું આભૂષણ છે.

બીજાની પૂર્ણતા જોઈને જે ખુશીથી ઉછળે છે એવી વ્યક્તિને સાધુ કહેવું એ મહામંત્ર છે.

સત્ય,પ્રેમ અને કરુણા જેનામાં દેખાય એને સાધુ કહેવું-એ મહામંત્ર છે.

ત્રિભુવને,મને ઊંચકીને ત્રિભુવનને જ આપી દીધો!

 

રામકથા અને અન્ય ગ્રંથો દ્વારા,જ્યારે અંદરથી વીજળી થઈ ગયા હોય અને માનસિક તણાવ ખૂબ જ વધી ગયો હોય ત્યારે,માનસ મહામંત્ર કેવી રીતે શાંતિ આપી શકશે?આવો એક પ્રશ્ન ઉઠાવીને આઠમા દિવસની રામકથાનો રમણીય નગર દાવોસથી આરંભ કરતા બાપુએ કહ્યું કે અર્જુને ભીષ્મને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી,કારણ કે કૃષ્ણ જેવા બુદ્ધપુરુષ પાસે ૭૦૦ શ્લોક એણે સાંભળેલા છે.

કંઈક થવા માટે કથા ન સાંભળો,પણ જે છો એ સમજવા માટે કથા સાંભળો.પ્રશ્ન મનમાં ઊઠે છે પરંતુ પહેલાં ત્રણ અલગ-અલગ વિષયની ભગવદ કથા સાંભળો.જ્યારે પણ અનુકૂળતા મળે,સમય મળે,સ્વ માટે કે સર્વ માટે પ્રશ્ન થાય એ તમામનો જવાબ,એ સમસ્યાનું સમાધાન શાસ્ત્ર પ્રદાન કરશે. પ્રશ્ન લઈને નહીં સાંભળો,પણ ખાલી બનીને સાંભળો કારણકે શ્રવણ મહાન રસ છે.શાસ્ત્ર ખુદ જવાબ આપશે.

રામચરિત માનસમાં માત્ર એક જ વખત લખેલું છે: સંતત સૂનિઅ રામગુન ગ્રામહી… જે સાંભળતા નથી એના ભાગ્ય ફૂટી ગયા છે.શ્રવણ ભક્તિના ભોગે વક્તા થવાની જરૂર નથી.આથી પહેલા સાંભળો. રિયાઝ કર્યા વગર કાર્યક્રમ દેવો નિષ્ફળ જાય છે. વ્યવસ્થા માટે સાધુપુરુષ આવ્યા,એણે ખૂબ અભ્યાસ અને તપ કર્યું છે.

આજનો મહામંત્ર કહેતા જણાવ્યું કે સાધુ મહામંત્ર છે.મોઢામાંથી કોઈને જોઈને સાધુ શબ્દ નીકળે તો આપણી પેઢીઓના પાપ ધોવાઈ જાય.

પણ પ્રશ્ન એ ઊઠે કે કોણ સાધુ છે?રામચરિત માનસમાં વિસ્તૃત રૂપમાં અરણ્ય કાંડના અંતમાં નારદની સામે સાધુનું વર્ણન થયું છે.ઉત્તરકાંડમાં ભરતની સામે ભગવાને સાધુઓના લક્ષણોની વિષદ ચર્ચા કરી છે અને વંદના પ્રકરણમાં તુલસીદાસજીએ પણ ઘણું જ લખ્યું છે.

બેરખો સાધુનું આભૂષણ છે .રામ સાધુનાં ગુણ ઉપર કહે છે કે હું સાધુનો ગુણ સાંભળીને એને વશ થઈ જાઉં છું.સાધુ મહામંત્ર છે.રામચરિત માનસમાં સાધુ શબ્દ લગભગ ૭૫ વખત આવ્યો છે.

શાંતિ પણ મહામંત્ર છે-જે છ વખત દેખાય છે. તુલસીજી લખે છે:

સાધુ ચરિત સુભ ચરિત કપાસૂ;

નીરસ બિસદ ગુનમય ફલ જાસૂ.

જે સાધુનું જીવન કપાસના ફૂલ જેવું-સફેદ હોય છે, તેમાં કંઈક રેસા એટલે કે ગુણ હોય છે.હનુમાનજી કપાસનું ફૂલ છે.એટલે જ લખ્યું છે:જય હનુમાન જ્ઞાન ગુન સાગર.. આ ગુણ હનુમાનમાં ક્યાંથી આવ્યા?મા જાનકીએ વરદાન દીધું છે.મા ના આશીર્વાદથી માણસ ગુણસાગર બની શકે છે. માનસમાં ત્રણ વખત સજ્જનની વ્યાખ્યા મળે છે. હનુમાન,રામ અને તુલસીજી આ વ્યાખ્યા આપે છે. જેનું વર્ણન કરવામાં કવિઓ,પંડિતો,બ્રહ્મા,વિષ્ણુ અને મહેશની વાણી પણ સંકોચાય છે એવા સાધુનું નામ લેવું એ મહામંત્ર છે.સુધા(અમૃત),સુધાકર (ચંદ્ર) સૂરસરી (ગંગા) સમાન વ્યક્તિને સાધુ કહીને પોકારવું એ મહામંત્ર છે.

બીજાની પૂર્ણતા જોઈને જે ખુશીથી ઉછળે છે એવી વ્યક્તિને સાધુ કહેવું એ મહામંત્ર છે.

પરમાર્થની જાણકાર,શંભુનો સાધક પરંતુ વિષ્ણુની ક્યારેય નિંદા ન કરતા હોય એવી વ્યક્તિને સાધુ કહેવો એ મહામંત્ર છે.વેદ,પુરાણ,શાસ્ત્ર અને દર્શનોના સમુદ્રમાંથી પાણી લઈને જરૂર હોય ત્યાં વાદળ બની અને વરસે એવી વ્યક્તિને સાધુ કહેવું એ મહામંત્ર છે.ગૂઢથી ગૂઢ તત્વ રહસ્યને છુપાવે નહીં એવા માણસને સાધુ કહેવો મહામંત્ર છે.સત્ય,પ્રેમ અને કરુણા જેનામાં દેખાય એને પણ સાધુ કહેવું એ મહામંત્ર છે.સ્વાભાવિક સરલ,સબલ અને સહજ હોય એ સાધુ,એ પણ મહામંત્ર છે.આવા સાધુના ૧૬ લક્ષણો કહીને કથા પ્રવાહમાં સંક્ષિપ્ત રૂપમાં વિહંગાવલોકન કરતા ધનુષ્ય ભંગ અને સિય રઘુવીર વિવાહનું ગાન કરીને બાલકાંડનું સમાપન કરતા જણાવ્યું કે જગતની તમામ સમસ્યાઓનાં ઉત્તર,ઉત્તરકાંડમાં છે.

આવતિકાલે કથાની પૂર્ણાહૂતિ છે.

 

મનકી બાત:

આ છે ભજન પંચક અને તલગાજરડા (વ્યાસપીઠ)ની દેન

બાપુએ આજે ભજનપંચક વિશે કહ્યું.શ્વાસે-શ્વાસે, ડગલે-ડગલે,આંખના પલક-પલક અને હૃદયનાં ધડકન-ધડકન તેમજ બેરખો રાખતા હોય કે માળા, એના મણકે-મણકે હરિનાં નામનું સ્મરણ એ ભજન છે,જેને હું ભજન પંચક કહું છું.

ભજન અને જપ કરવા માળા જરૂરી છે કે નહીં? કહ્યું કે કોઈના વિવાહ થાય ત્યારે આપણે અગ્નિને સાક્ષી રાખીએ છીએ.સાધુની સાક્ષી,વેદ,પુરાણ,સંત દેવતા સાક્ષી બને છે.કોઈ સિદ્ધાંત રાખવો હોય તો વેદ અથવા તો શંકર સાખી-શંકરની સાક્ષી હોય છે. માળા આપણા ભજનની સાક્ષી છે.બેરખો સાક્ષી છે. એ સાખ પુરે છે કે મારા મણકા ઉપર આંગળી રાખીને તને બહુ જ યાદ કર્યો છે.એ ગવાહ છે,દ્રષ્ટા છે,સાક્ષી છે.

આ બેરખો,માળા અને રામનામી તલગાજરડાની દેન છે.હાથમાં ‘ભરોસો’ કે ‘રામ’ કે અન્ય કંઈ લખવું, તમારી ઝોળીમાં રામાયણ અને ગીતા રખાવવી-એ પણ તલગાજરડાની દેન છે.

ત્રિભુવન દાદા જેવા અકીંચન સાધુ શું આપી શકે? એણે ઉઠાવીને મને જ તમને બધાને આપી દીધો! ત્રિભુવને,મને ત્રિભુવનને આપી દીધો! મને તમને સોંપી દીધો છે.તમે કદાચ ભૂલી શકશો,હું ક્યારેય નહીં ભૂલી શકું.

Related posts

બુદ્ધપુરુષ હાલતું ચાલતું રામચરિતમાનસ છે. રામચરિતમાન બુદ્ધપુરુષ છે. બુદ્ધપુરુષ નિદાન જરૂર કરશે,પણ નિંદા નહીં કરે. સદગુરુ સદગ્રંથ છે.

Reporter1

Snakebite Awareness, Treatment and Management is the Need of the Hour

Reporter1

Amit Shah, Morari Bapu unveil Deendayal Upadhyaya’s statue in Chitrakoot

Reporter1
Translate »