Nirmal Metro Gujarati News
Politics

મમતા બેનર્જી બળજબરીપૂર્વક દસ્તાવેજો અને પુરાવા લઈ ગયા

  • બંગાળના મુખ્યમંત્રી પર ઈડ્ઢનો આરોપ
  • ED એ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACના દફતર અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
કોલકાતા, તા.૦૮ જાન્યુઆરી ૨૦૨૬: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોલકાતામાં જાણીતી પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACના દફતર અને તેના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે સ્થળ પર પહોંચતા ભારે હોબાળો મચી ગયો હતો.

હવે આ મામલે EDએ સત્તાવાર નિવેદન જાહેર કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તપાસમાં અવરોધ ઊભો કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. તપાસ એજન્સીએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, ’જ્યારે દરોડાની કાર્યવાહી ચાલુ હતી ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી વિશાળ પોલીસ કાફલા સાથે અચાનક જ IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. મુખ્યમંત્રી ત્યાંથી તપાસ માટે અત્યંત જરૂરી એવા મહત્ત્વના દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે લઈ ગયા છે. એટલું જ નહીં, ત્યારબાદ મમતા બેનર્જીએ IPACના દફતરમાં પણ જબરદસ્તી પ્રવેશ કર્યો હતો, જ્યાં પણ પુરાવાઓ સાથે છેડછાડ કરવામાં આવી છે.’

ઈડ્ઢની તપાસ મુજબ, આ દરોડા કોલસાની હેરાફેરી અને તેના દ્વારા થયેલા હવાલા ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા છે. તપાસમાં એવું સામે આવ્યું છે કે કોલસા કૌભાંડનો મોટો હિસ્સો ’શાકંભરી ગ્રૂપ ઑફ કંપનીઝ’ને વેચવામાં આવ્યો હતો અને તેમાંથી મળેલી રકમ હવાલા માર્ગે ફેરવવામાં આવી હતી. એજન્સીના રિપોર્ટ મુજબ, આ કૌભાંડમાં સામેલ એક શંકાસ્પદ વ્યક્તિએ પોલિટિકલ કન્સલ્ટન્ટ કંપની IPACને કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાના પુરાવા મળ્યા છે. આ મની ટ્રેલ અને હવાલા કનેક્શનના કથિત જોડાણની ઊંડી તપાસ કરવા માટે જ ઈડ્ઢએ પશ્ચિમ બંગાળના ૬ મહત્ત્વના શહેરો અને દિલ્હીના ૪ સ્થળોએ એકસાથે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

દરોડા દરમિયાન કોલકાતા પોલીસ અને ઈડ્ઢના અધિકારીઓ વચ્ચે પણ તણાવ જોવા મળ્યો હતો. સાઉથ કોલકાતાના ડેપ્યુટી કમિશ્નર અને ખુદ પોલીસ કમિશ્નર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને EDના અધિકારીઓ પાસે તેમની ઓળખ અને સર્ચ વોરન્ટની માંગણી કરી હતી.

તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી માટે IPACને હાયર કરી છે, ત્યારે ચૂંટણી પહેલા જ આ કાર્યવાહીને કારણે બંગાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. EDએ આ મામલે કોર્ટ અથવા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારી પણ દર્શાવી છે.

પશ્ચિમ બંગાળમાં આ અગાઉ પણ ED અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી ચુકી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) દ્વારા અવારનવાર એવો આક્ષેપ કરવામાં આવે છે કે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ રાજકીય બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યો છે. પ્રતીક જૈન IPACના પ્રમુખ હોવાથી, જે સંસ્થા TMCની ચૂંટણી રણનીતિ ઘડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, આ દરોડાની અસર આગામી સમયમાં રાજ્યના રાજકારણ પર વધુ ઘેરી બને તેવી શક્યતા છે.

Related posts

બાંગ્લાદેશની ઘટના પર બધા મૌન છે, હિન્દુઓના ભાગલા વિનાશનું કારણ બનશે

Master Admin

હાલારના ક્ષત્રિય સમાજનો નિર્ણય – કોંગ્રેસને તો મત નહીં જ આપીએ

Reporter1

લેન્ડ ફોર જોબ્સ કૌભાંડમાં લાલુ યાદવ સામે આરોપો નક્કી થયા

Master Admin
Translate »