તંત્રીની કલમે….
ભારત અને જર્મની વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો આજે એક એવી ઐતિહાસિક મંજિલ પર પહોંચ્યા છે જ્યાં વિશ્વાસ, ટેકનોલોજી અને ભવિષ્યલક્ષી વિઝનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ વચ્ચે અમદાવાદના આંગણે મળેલી બેઠક માત્ર રાજદ્વારી શિષ્ટાચાર પૂરતી સીમિત ન રહેતા, બંને રાષ્ટ્રો વચ્ચેના ૨૫ વર્ષના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જનારી સાબિત થઈ છે. સંરક્ષણ, અર્થતંત્ર અને ઉભરતી ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં જે ૧૯ જેટલા મહત્વપૂર્ણ સમજૂતી કરારો (ર્સ્ેંજ) કરવામાં આવ્યા છે, તે દર્શાવે છે કે જર્મની હવે ભારતને માત્ર એક બજાર તરીકે નહીં, પરંતુ એક સમાન કક્ષાના વૈશ્વિક ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે. આ ભાગીદારીનો સૌથી મહત્વનો પક્ષ એ છે કે તે ‘મેક ઇન ઇન્ડિયા’ થી આગળ વધીને ‘કો-ડેવલપમેન્ટ’ અને ‘કો-પ્રોડક્શન’ તરફ પ્રયાણ કરી રહી છે.
સંરક્ષણ ક્ષેત્રે થયેલા કરારો ભારતની આત્મનિર્ભરતાના અભિયાનમાં પ્રાણ ફૂંકશે. ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને મજબૂત કરવા માટે થયેલું સંયુક્ત ઘોષણાપત્ર એ વાતની સાક્ષી છે કે હવે બંને દેશો લશ્કરી હાર્ડવેરના ઉત્પાદનમાં સાથે મળીને કામ કરશે. ખાસ કરીને સબમરીન નિર્માણ જેવી જટિલ ટેકનોલોજીમાં જર્મનીનો સહયોગ ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષાને વધુ લોખંડી બનાવશે. આ ઉપરાંત, સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભાગીદારી અને ક્રિટિકલ મિનરલ્સ ક્ષેત્રે થયેલા કરારો ભારતને વૈશ્વિક સપ્લાય ચેઈનનું મહત્વનું કેન્દ્ર બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે. જર્મન ચિપમેકર ઇન્ફીનિયન ટેકનોલોજીસ દ્વારા ગિફ્ટ સિટીમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ખોલવાનો નિર્ણય ભારતના ડિજિટલ અર્થતંત્ર માટે એક મોટી જીત છે.
ભારતીય નાગરિકો માટે જર્મનીએ કરેલી વિઝા-મુક્ત ટ્રાન્ઝિટ સુવિધાની જાહેરાત એ એક લાંબા સમયથી પ્રતીક્ષિત અને સ્વાગતપાત્ર પગલું છે. અત્યાર સુધી ભારતીય પાસપોર્ટ ધારકોએ જર્મનીના એરપોર્ટ પરથી માત્ર પસાર થવા માટે પણ શેંગેન ટ્રાન્ઝિટ વિઝા લેવા પડતા હતા, જે પ્રક્રિયા સમય અને નાણાં બંનેનો વ્યય કરતી હતી. હવે આ સુવિધા મળવાથી આંતરરાષ્ટ્રીય મુસાફરી વધુ સરળ, ઝડપી અને અવરોધ રહિત બનશે. આ જાહેરાત માત્ર પ્રવાસન માટે જ નહીં, પરંતુ બંને દેશો વચ્ચેના પીપલ-ટુ-પીપલ’ કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે અત્યંત મહત્વની છે. જ્યારે બે દેશો વચ્ચેનો વિશ્વાસ વધે છે ત્યારે જ આવા છૂટછાટના નિર્ણયો લેવામાં આવતા હોય છે, જે ભારતની વધતી જતી વૈશ્વિક શાખનું પણ પરિણામ છે.
ભારત માટે આ કરારોના અનેક હકારાત્મક પાસાઓ છે. પ્રથમ તો, જર્મની જેવી અદ્યતન ટેકનોલોજી ધરાવતા દેશ સાથેના સંબંધોથી ભારતના યુવા કૌશલ્યને નવી દિશા મળશે. ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ૧.૨૪ અબજ યુરોના જર્મન રોકાણની પ્રતિબદ્ધતા ભારતને ક્લાઈમેટ ચેન્જ સામેની લડાઈમાં અગ્રેસર બનાવશે. બીજું, ઉચ્ચ શિક્ષણ માટેનો ઇન્ડો-જર્મન રોડમેપ ભારતીય વિદ્યાર્થીઓ માટે જર્મનીની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના દ્વાર ખોલશે અને જર્મન યુનિવર્સિટીઓને ભારતમાં કેમ્પસ સ્થાપવા પ્રોત્સાહિત કરશે. આનાથી ભારતમાં જ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ ઉપલબ્ધ થશે અને બ્રેઈન ડ્રેઈનની સમસ્યામાં પણ ઘટાડો થઈ શકે છે.
જોકે, આ ભવ્ય સફળતાની સાથે કેન્દ્રની મોદી સરકાર માટે કેટલાક સાવચેતીના મુદ્દાઓ પણ એટલા જ મહત્વના છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય કરાર જ્યારે જમીન પર ઉતરે છે ત્યારે તેની અમલવારીમાં આવતા અવરોધો પર ધ્યાન આપવું અનિવાર્ય છે. ભારત સરકારે એ વાતની કાળજી લેવી પડશે કે ટેકનોલોજી ટ્રાન્સફરની પ્રક્રિયા માત્ર કાગળ પર ન રહી જાય, પરંતુ સ્થાનિક ઉદ્યોગો ખરેખર તે ટેકનોલોજીને આત્મસાત કરી શકે તેવું વાતાવરણ નિર્માણ થાય. ખાસ કરીને સેમીકન્ડક્ટર અને સંરક્ષણ ઉત્પાદનમાં અમલશાહીના વિલંબને દૂર કરીને ’ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ ને વધુ સક્રિય બનાવવો પડશે. વધુમાં, જ્યારે જર્મની વિઝા નિયમોમાં છૂટછાટ આપી રહ્યું હોય, ત્યારે ભારતે પણ એ સુનિશ્ચિત કરવું પડશે કે આ સુવિધાનો કોઈ દુરુપયોગ ન થાય અને સુરક્ષાના માપદંડો જળવાઈ રહે.
નરેન્દ્ર જોષી.

