Nirmal Metro Gujarati News
article

મને સૌથી વધુ ત્યાં ગમે છે, જ્યાં કથા હોય.”

 

હું જ્યાં છું, ત્યાં સુધી મારા શ્રોતાઓને ઉપર ઉઠાવવા ઈચ્છું છું.

 

તમારી હસ્તીની પળેપળને પ્રભુનાં નામમાં ડૂબાડી દો – આસ્થિની ચિંતામાં ન પડો

 

આજના રામકથાના આઠમા ચરણમાં પ્રવેશતા, પૂજ્ય બાપુએ  બિહાર રાજ્યના મુખ્ય સચિવ શ્રી અમૃતલાલજી મીણા, વ્યાસપીઠનું અભિવાદન કરવા પધાર્યા, એની પ્રસન્નતા વ્યક્ત કરી. બાપુએ એમને સંબોધીને કહ્યું કે “રામચરિત માનસ પ્રત્યેનો તમારો પ્રેમ જ તમને અહીં ખેંચી લાવ્યો છે.” બાપુએ શ્રી હનુમાનના ચરણોમાં પ્રાર્થના કરી કે બિહાર રાજ્ય માટે જે યોજનાઓ તૈયાર કરી છે, તે તેનાં મૂળ સ્વરૂપમાં જલ્દી પૂર્ણ થાય.

બાપુએ કહ્યું કે – “મેં મારી જીભ રામકથાને આપી છે. હું ક્યારેય કોઈની પ્રશંસા કરતો નથી. પરંતુ જ્યાં પણ મને કંઈક શુભ દેખાય છે, ત્યાં હું સાધુ તરીકે પ્રસન્નતા વ્યક્ત કરું છું.”

 

કથાના ચિંતનમાં પ્રવેશતા, બાપુએ કહ્યું કે માનસમાં ચાર પ્રકારની મંથન પ્રક્રિયાઓ છે – જેમાંથી કથા રૂપી અમૃત અને રામના નામનું માધુર્ય મળે છે.

 

બાપુએ કહ્યું કે “શ્રી રામ જય રામ જય જય રામ” મંત્રમાં “શ્રી” નો અર્થ માતા સીતા જ છે પરંતુ આપણે લક્ષ્મીજીની “શ્રી” કહીએ છીએ. પરંતુ સીતાજીની સુંદરતાની તુલના લક્ષ્મી સાથે થઇ શકે નહીં. સીતાજી સહુથી ઉપર છે.

સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા છે પરંતુ આ મંથન માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો શુદ્ધ નથી. પહેલું તો – જે સમુદ્રનું મંથન થયું હતું, તે ખારો છે. મંદરાચલ પર્વતથી મંથન થયું તે પહાડ કઠોર છે, મંથન માટે સાપનું નેતરું છે અને સમુદ્ર મંથનમાં સામેલ બંને પક્ષો સ્વાર્થી છે. આવા વાતાવરણમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા છે. પરંતુ સીતાજીને પ્રગટ કરવા માટે તો તમામ ઉપકરણ શુદ્ધ હોવા જોઈએ.

 

પૂજ્ય બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં સચિવને ઘણું મહત્વ અપાયું છે. માનસમાં ઘણી જગ્યાએ સચિવનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. બિહારમાં વિક્રમશિલા વિદ્યાપીઠ નવી બનશે, પછી આપણે હું કથા ગાન કરવા આવીશ. આપણે જુદી જુદી યુનિવર્સિટીમાં જઈને “આનંદા યુનિવર્સિટી” ની સ્થાપના કરવી પડશે.

માનસનો સંદર્ભ આપતા પૂજ્ય બાપુએ કહ્યું કે “જો સચિવ, વૈદ્ય અને ગુરુ, ભય કે પ્રલોભનને  કારણે સત્ય ન કહે, તો નુકસાન થાય છે. જો સચિવ રાજાને સત્ય ન કહે, તો રાજ્યનો નાશ થાય છે.  વૈદ્ય દર્દીને સત્ય ન કહે, તો દર્દીનું મૃત્યુ થાય છે અને જો ધર્મ ગુરુ  સત્ય ન કહે, તો ધર્મની ગ્લાનિ થાય છે. ભય અને પ્રલોભનને લીધે આપણે ક્યારેક આપણી સભ્યતા, સંસ્કૃતિ અને મૂલ્યોનો ત્યાગ કરીએ છીએ!

સરદાર પટેલને સૌ પ્રથમ નેક નામદાર  મહારાજા કૃષ્ણ કુમારસિંહજીએ તેમનું રાજ્ય આપી દીધું હતું. પછી નક્કી થયું કે મહારાજા તેમની બધી સંપત્તિ રાષ્ટ્રને સમર્પિત કરશે. પરંતુ મહારાણી, પોતાને દાયજામાં મળેલ સંપત્તિ પોતાની પાસે રાખી શકે છે. ભાવનગર રાજ્યના દિવાન સર પ્રભાશંકર પટ્ટણીને એ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે “જ્યારે આખો હાથી આપી દીધો છે, પછી અંબાડી શું કામ પકડી રાખવી?”

તેથી જ રામાયણના સચિવને સત્ય અને વૈરાગ્ય સ્વરૂપ માનવામાં આવ્યા છે.

લંકાના યુદ્ધમાં, જ્યારે લક્ષ્મણજી  મૂર્છિત થઈ જાય છે, ત્યારે ભગવાન રામ લંકાના વૈદ્ય સુષેણને તેડાવે છે. રામને દુશ્મન દેશના વૈદ્યમાં શ્રદ્ધા છે અને સુષેણને રામમાં શ્રદ્ધા છે. અહીં, પરસ્પર પ્રેમ છે.

બાપુએ માનસના બીજા ગુરુમુખ રહસ્યને ખોલતાં જણાવ્યું કે

“જે ઔષધિ લેવા માટે શ્રી હનુમાનજીને મોકલવામાં આવ્યા હતા, તે ચાર ઔષધિઓ તો લંકાનાં વન- ઉપવનમાં પણ હતી – વિષલ્યકર્ણી, સંધિનિ, સૌંવર્ણકર્ણી અને સંજીવની એ ઔષધિઓ ઘણાં દિવસોથી ચાલતાં ભયંકર યુદ્ધને કારણે વપરાઇ ચૂકી હતી. તેથી શ્રી હનુમાનજીને ઔષધિ માટે મોકલવા પડ્યા છે.

હનુમાનજી ઔષધિઓના પર્વતમાં પ્રવેશતાની સાથે જ પર્વત પરની જ્યોતિ બુઝાઈ ગઇ અને અંધકાર છવાઈ ગયો.

બાપુએ કહ્યું કે બધા છોડ જીવંત છે. છોડના દેવતા હોય છે. છોડ બોલે છે. એવો કોઈ છોડ નથી જે ઉપયોગી ન હોય.

શ્રી હનુમાન ઔષધિના દેવને પ્રાર્થના કરે છે પછી ઔષધિઓ શોધીને લઇ જઇ શક્યા હોત.  પરંતુ તેમણે આખો પર્વત ઉપાડી લીધો. હનુમાનજીને લાગ્યું કે જો રામની સેનામાં કે રાવણની સેનામાં કોઈ ઘાયલ થાય છે, તો તેની સારવાર થઇ શકે, તેથી ઔષધિને બદલે તેઓ આખું ઔષધાલય લાવ્યા છે.

બાપુએ કહ્યું કે વિષલ્યકર્ણી દવા ઘાયલના શરીરના ભાગને ખોટો પાડી દે છે. આ ઔષધિનો ઉપયોગ એનેસ્થેસિયા તરીકે થાય છે. સંધિનિ ઔષધિ તૂટેલાં હાડકાંઓને જોડે છે. સૌવર્ણકર્ણી દવા માનવ રક્તનો રંગ, જે ફીક્કો થઈ ગયો હોય તેને  પુન: લાલ બનાવી દે છે – રક્તશુદ્ધિ કરે છે. સંજીવનીના ઉપયોગથી દર્દી મૂર્છાથી બહાર આવી જાય છે.

માનસમાં ગુરુ વૈદ્ય છે. ગુરુ શરણાગતને  વિષલ્યલકર્ણી દવા પીવડાવે છે અને આશ્રિત નાં મન અને બુદ્ધિની વ્યભિચારિતાને હટાવે છે, ચિત્તના વિકારોને શૂન્ય કરે છે. આપણી જડતાને કારણે આપણા સામાજિક સંબંધો તૂટયા હોય, તો ગુરુ સંધિનિ ઔષધિથી સંબંધોને પુન: જોડે છે – સંબંધોનો સેતુ રચી દે છે.

વ્યક્તિના વિકારોને કારણે, તેના લોહીનો રંગ બદલાય જાય છે. ગુરુ સૌંવર્ણકર્ણીથી આશ્રિતના રક્તનો રંગ બદલી નાખે છે અને તેને વિરક્ત બનાવે છે – ગુરુ આપણાં રક્તચાપને બદલી નાખે છે. રક્તનો એક અર્થ આસક્તિ છે. ગુરુ આસક્તને વૈરાગી બનાવે છે!

રામ મંત્ર સંજીવની છે. ગુરુ આશ્રિતના કાનમાં રામ મંત્ર ઘોળે છે, પછી કાળની પણ મૂર્છા તૂટે છે!

બાપુએ કહ્યું કે “જ્યારે પણ અવસર મળે ત્યારે તમારા પદ, તમારી વીદ્યા, તમારા અધિકારનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરો” – આ સનાતન ધર્મનો ઉપદેશ છે.

મહારાજા દશરથજીના સચિવ સુમંતજીનો ઉલ્લેખ કરતા બાપુએ કહ્યું કે સચિવનો ખૂબ મહિમા છે. સુમંતજી સચિવની સાથે સાથે સારથી પણ છે.

 

ચાર પ્રકારના સમુદ્ર મંથન વિશે વાત કરતા બાપુએ કહ્યું કે સૌંદર્યનાં સાગર મંથનથી  રુપામૃત પ્રાપ્ત થાય છે. બીજું, દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, જેમાંથી સુધામૃત મળ્યું છે.

ત્રીજું, વંદના પ્રકરણમાં, બ્રહ્માજીએ સાધુને અમૃત કહ્યા છે – જેની દરેક ક્રિયા અમૃતમય છે! શીતળ સ્વભાવ ધરાવતો સાધુ ચંદ્ર છે, સાધુ કલ્પતરુ છે. જે શરણાગતિ સ્વીકારે છે તેને અનુભવ થાય છે કે સદગુરુ કલ્પતરુ છે.

સાધુને ધનથી મથી શકાતો નથી, પદથી તેનું સ્થાન હલાવી શકાતું નથી, પ્રતિષ્ઠા તેને ચળાવી શકતી નથી – સાધુ ફક્ત પોતાના ઈષ્ટના વિયોગમાં- ભગવાન શ્રી કૃષ્ણના વિયોગમાં મથાય છે. ભરત જેવો સાધુ પયોધિ છે, આવા સાધુના મંથનમાંથી પ્રેમામૃત અમૃત નીકળે છે.

ચોથું – બ્રહ્મ પણ એક સમુદ્ર છે. તેનું જ્ઞાન રુપી મંદાર પર્વત દ્વારા મંથન થાય છે. જેમાંથી કથામૃત પ્રાપ્ત થાય છે.

 

કથાના ક્રમમાં પ્રવેશતા બાપુએ કહ્યું કે રામને જાનકીજી જ્યાં રહે છે, એ સુંદર સદનમાં નિવાસ અપાયો છે. એનો અર્થ એ, કે  જ્યાં ભક્તિ હોય ત્યાં જ ભગવાન વસે છે!

રામ લક્ષામણની નગર ચર્યા, પુષ્પ વાટિકામાં રામ અને સીતાનું મર્યાદાપૂર્ણ મિલન, સીતાજી દ્વારા મા ભવાનીની સ્તુતિ, ભવાની માતાનું વરદાન, ધનુષ્ય ભંગનો પ્રસંગ, રામ સીતાના વિવાહ, ભગવાન પરશુરામનું આગમન અને પરમાત્મા રામની પ

ઓળખ પામીને થયેલી વિદાય, આયોધ્યાથી દશરથજીનું આગમન,  ચારે ભાઈઓનાં લગ્ન, કન્યા વિદાયનાં કારુણ્ય ભર્યા વર્ણન પછી અયોધ્યા તરફ પ્રસ્થાન અને ઋષિ વિશ્વામિત્રજીના આયોધ્યાથી શુભાશ્રમ પ્રતિ પ્રસ્થાન સુધીના ભાવાત્મક સંવાદ સાથે બાલકાંડને પૂર્ણ કરીને પૂજ્ય બાપુએ આજની કથાને વિરામ આપ્યો

Related posts

City to host Aabra Ka Dabra Kids Carnival: A unique blend of fun and social impact

Reporter1

Indian professionals embrace human-centric roles as AI takes on repetitive tasks: LinkedIn

Reporter1

BASIC Home Loan Raises $10.6 Mn in Series B Funding Led by Bertelsmann India Investments       

Reporter1
Translate »