Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujarat

અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ

દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ

શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩ માર્ચ ૨૦૨૬ — ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના ધજાગરા અમદાવાદના શાહપુર વિસ્તારમાં હોળીના તહેવાર દરમિયાન ઉડતા જોવા મળ્યા છે. શાહપુર પોલીસની કથિત નિષ્ક્રિયતા અને રહેમનજર હેઠળ ધમધમતા દારૂના અડ્ડાઓથી કંટાળીને આખરે સ્થાનિક રહીશોએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી હતી. લોકોએ એકઠા થઈને બુટલેગરોના અડ્ડા પર ’જનતા રેડ’ પાડી હતી, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અનેકવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. ઉલટાનું, પોલીસની આંખ આડા કાન કરવાની નીતિને કારણે બુટલેગરો વધુ બેખોફ બન્યા હતા. તહેવારના સમયે દારૂડિયાઓના ત્રાસથી કંટાળીને મહિલાઓ અને યુવાનોએ જાતે જ અડ્ડા પર હલ્લો બોલાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જનતા રેડના વીડિયોમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સ્થાનિક લોકોએ દારૂ પીવા આવેલા તત્વોને ઝડપી પાડ્યા હતા. કેટલાક શખ્સોને લોકોએ ટીંગાટોળી કરીને રિક્ષામાં બેસાડી રવાના કર્યા હતા. બુટલેગરો રહેણાંક મકાનોની વચ્ચે જ દારૂનો વેચાણ કરતા હોવાનું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોકોનો પ્રશ્ન છે કે શું પોલીસને આ અડ્ડાઓ વિશે જાણ નહોતી કે પછી જાણીજોઈને આંખઆડા કાન થઇ રહ્યા હતા?

સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી ઘટના અને વીડિયો વાયરલ થયા બાદ પણ શાહપુર પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ગુનો કે કાર્યવાહી કરવામાં આવી નથી. આ મૌન અનેક શંકા-કુશંકાઓને જન્મ આપી રહ્યું છે. સ્થાનિકોમાં હવે એવો ભય પણ વ્યાપી રહ્યો છે કે પોલીસ અસલી ગુનેગારોને પકડવાને બદલે જનતા રેડ કરનારા જાગૃત નાગરિકોને જ હેરાન ન કરે. હવે જોવાનું એ રહે છે કે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારમાં ચાલતી બુટલેગિંગ પ્રવૃત્તિ અને સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે કેવા પગલાં લે છે.

Related posts

વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા

Master Admin

દારૂના દૂષણે એક જ મહિનામાં ત્રણ યુવાનોના જીવ લીધા

Master Admin

સાતમાં ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી

Master Admin

Leave a Comment

Translate »