Nirmal Metro Gujarati News
article

કબીર વૈરાગનો વડ છે. અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે. ધર્મ એનું થડ છે. પરંપરા પવિત્ર,પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ. ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે

 

રેવા કાંઠે મંગલેશ્વર મુકામે ચાલી રહેલી રામકથાનાં પાંચમા દિવસનાં આરંભે નિત્ય ક્રમ મુજબ કબીર વિચારોની પ્રસ્તુતિમાં યુવા સાધુ-કમલેશ સાહેબે (અંકલેશ્વર)પોતાનો વાણી ભાવ રજૂ કર્યો.

કબીર એ વૈરાગ્યનો વડલો પણ છે એ સમજવા માટે થોડા પૌરાણિક સંદર્ભો જોવા પડશે એમ કહીને બાપુએ જનક વિશેની પૌરાણિક વાત માંડતા કહ્યું: એકવાર જનકે યાજ્ઞવલ્કયને વૈરાગ વિશે પૂછ્યું.

જનક નામ નહીં પણ વંશ છે.જનક રાજા એ ૧૮માં વંશજ છે.જનક વંશ ૨૫ પેઢી સુધી ચાલ્યો.વિદેહ રાજ જનકની પહેલા સૌથી પ્રથમ નિમી-જે યજ્ઞ કરાવવા માટે વશિષ્ઠ પાસે ગયા.વશિષ્ઠ દેવરાજ ઇન્દ્રના યજ્ઞમાં રોકાયેલા હતા.નિમી રજોગુણી,એને ખોટું લાગ્યું આથી ગૌતમ પાસે યજ્ઞ કરાવ્યો.વશિષ્ઠને ખબર પડતા શ્રાપ આપ્યો.

બાપુએ અહીં ઉમેર્યું કે આ જરા ન સમજાય એવી વાત છે.સાધુ શ્રાપ આપે!અને એ પણ ગુણાતિત! વશિષ્ઠે એવો શ્રાપ આપ્યો કે તું મૃતક થઈ જા! ચાલુ યજ્ઞએ નિમીનો દેહ પડી ગયો.બધા ઋષિમુનિઓએ પ્રાર્થના કરીને દેવતાઓને કહ્યું કે નિમિનો વંશ અટકી જશે ઉપાય કરો.આથી મૃતક શરીરનું મંથન થયું અને એમાંથી પુરુષ પેદા થયો.એ વિદેહ કહેવાયો.એ સ્થાનનું નામ મિથિલા પડ્યું.મૃતકમાંથી જન્મ્યા,જેને મા નથી એ વિદેહ રાજ-એના ૧૭માં જનક જેનું અસલી નામ શિરધ્વજ.બે ભાઈઓમાં કુશધ્વજ અને શિરધ્વજ.જાનકીના પિતા એ શિરધ્વજ.જેના એક મંત્રી હતા-મૈત્રક.એક બ્રાહ્મણ વિદ્વાન બંદી વિશેની વાત પણ કહી કે જેણે શાસ્ત્રાર્થમાં અનેક પુરોહિતોને હરાવી અને દરિયામાં ડુબાડી દીધા.

બંદીનો એક અર્થ ભાષ્યકારોએ શ્રેષ્ઠ બોલનાર બ્રાહ્મણ એવો કરેલો.મૈત્રકની એક દીકરી-મૈત્રીયી,જે યાજ્ઞવલ્કયની સેવામાં આવી. સુંદર,વિદૂષી,પ્રભાવ-સ્વભાવ અદ્ભૂત.ચિંતન સ્વાધ્યાયમાં પારંગત.એક વખત અથર્વવેદનું ગાયન કરતી હતી,જોઇને યાજ્ઞવલ્કયને થયું કે આ કોઈ સેવિકા નથી.જનકને પૂછે છે આ કોણ છે?ત્યારે કહે મારા મંત્રી મૈત્રયની પુત્રી છે.યાજ્ઞવલ્કય પરણેલા હતા જેની પત્નીનું નામ કાત્યાયની હતું,તેણે જનકને કહ્યું કે આ દીકરીની સાથે મારે પરણવું છે.ઉપનિષદ કાળ પહેલા બધા જ ઋષિઓ ગૃહસ્થી છે,પછી ત્યાગીઓ આવ્યા.એના લગ્ન થયા.બે પત્ની થઈ.એક સભામાં જનક,મૈત્રેય,મૈત્રયી,વિદ્વાન બંદી,કાત્યાયની તેમજ તમામ ઉપસ્થિત હતા અને જનક પૂછે છે કે:વૈરાગ શું કહેવાય?અને માત્ર વ્યાખ્યા કે શાબ્દિક ભૂમિ પર નહીં મને પ્રત્યક્ષ દર્શન કરાવો,સાક્ષાત દર્શન કરાવો! સભામાં સોપો પડી ગયો.એ વખતે યાજ્ઞવલ્ક્ય ઉભા થયા અને કહ્યું કે મને ૨૪ કલાક આપો, હાજરાહજૂર દર્શન કરાવીશ.ઘરે ગયા.બંને પત્નીઓએ યાજ્ઞવલ્કના ચહેરા ઉપર ચિંતા જોઇ.એ વખતે એણે કહ્યું કે મારે સન્યાસ લેવો છે.અહીંથી સન્યાસ શરૂ થાય છે.વચ્ચે થોડો કાળ આમ-તેમ ચાલ્યું ફરી શંકરાચાર્યએ પરંપરા શરૂ કરી.યાજ્ઞવલ્કય બંને પત્નીને કહે છે કે આ બધી જ સંપત્તિ તમને આપી દઈશ ત્યારે મૈત્રેયી પૂછે છે કે આ સંપત્તિ શું છે?કહે એ મિથ્યા છે.તો મિથ્યા શું કામ આપો છો?પ્રિયને શ્રેષ્ઠ અપાય.બૃહદારણ્યક ઉપનિષદમાં ખૂબ લાંબો સંવાદ છે.આત્મસુખ પણ ભોગ છે,થોડોક રૂપાળો ભોગ છે.યાજ્ઞવલ્કયમાં જે વૈરાગ ઉતર્યો એની પહેલા મૈત્રેયીમાં ઉતરી ગયો.આગળ મૈત્રેયી અને પાછળ યાજ્ઞવલ્ક્ય સભામાં આવે છે અને કહે છે,મૈત્રેયીનો હાથ પકડીને,કે આ વૈરાગ્ય!હું એની પાછળ છું.બોધ અને વૈરાગ બે પાંખ છે,બોધ વગરનો વૈરાગ નકામો.તો આવા વૈરાગ્યનો વડલો કબીર સાહેબ છે.

વૈરાગ્યનું મૂળ એ સીતારામ ચરણમાં પ્રેમ.પ્રેમ દ્વારા વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.અનુરાગ જનિત વિરાગ એ વૈરાગ્યનું મૂળ છે.ધર્મ એ એનું થડ છે.પરંપરા પવિત્ર પ્રવાહી અને પરોપકારી હોવી જોઈએ.વૈરાગ્યનાં વડની ત્રણ ડાળી-શાખાઓ:કાયિક(માત્ર વસ્ત્ર બદલે),વાચિક(વાતચીત વાણીથી)અને માનસિક (આત્મા રંગાઈ ગયો હોય).

વૈરાગ્યના પાંદડાઓમાં તુલસીપત્ર(પ્રસાદ). બીલીપત્ર(અર્પણ કરી દીધું એ).ભોજપત્ર (લખી આપ્યું એ).કદલી-કેળાનું પાન (ધાતુનો ત્યાગ).

આનંદશંકર બાપાલાલ ધૃવ કહેતા:ધર્મ વસ્ત્ર નથી,ચામડી છે.

અભય વૈરાગ્યનું ફળ છે.વાયુવેગે ફેલાતી સુવાસ એના ફૂલની ફોરમ છે.અભયનો અહંકાર ન થવો જોઈએ.ત્યાગ એ વૈરાગ્યનું અમૃત-રસ છે.

આજે રાસ કરાવતા બાપુએ પણ  વ્યાસપીઠ પરથી ઊતરીને પોતે પણ રાસ રમી આખા મંડપને રાસ રમાડીને ડોલાવ્યા.

 

શેષ-વિશેષ:

શબદ એટલે…

શબ્દ એ જ સાચો જે બોલાયો,લખાયો અને વંચાયો નથી.બોલાયો એ તો એની ચિનગારી છે.શબ્દ આકાશ નથી,આકાશનું સંતાન છે.આકાશનો એક ગુણ છે.આકાશ જ વણ બોલાયેલો શબ્દ છે.વણ બોલાયેલી કવિતા છે.શબ્દમાં આવે એ તો તણખલું છે,તણખો છે.હું ને તમે ભાષ્ય કરીએ એ તો રાખ છે, ઠીક છે!કોઈ મહાત્માઓએ શરીરે ચોળી એટલે આપણું ચાલે છે.

તુલસી કહે છે:

કવિત વિવેક એક નહીં મોરે;

સત્ય કહઉ લખી કાગજ કોરે.

કોરો કાગળ તુલસી ધરી આપે છે,આમાં હું લખીશ એ સત્ય નહીં હોય.મૂળ શબ્દ તો પંચાંગ્નિ છે. આકાશનો રંગ રાખ જેવો રાખોડી છે,એ જાણે કહે છે કે આને બહુ ચોંટીસ તો રાખ અને ખાખ જ હાથમાં આવશે.શબ્દમાં કહેવું પડે છે,બોલવું પડે છે.

Related posts

સમૂહ કીર્તનની ફળશ્રુતિ છે-આંસુ. રૂદનથી કૃષ્ણ પ્રાગટ્ય થાય છે. આંસુથી હરિ પ્રગટે છે. રામકથાનું શ્રવણ નવગ્રંથિથી મુક્ત કરાવે છે

Reporter1

૯૪૮મી કથાનું ભાવભીનું સમાપન;૯૪૯મી કથા ૪ જાન્યુઆરીથી કબીરવડ-ભરૂચથી મંડાશે

Reporter1

RummyCulture is Pioneering Responsible Gaming and Skill Development in India’s Thriving Online Gaming Sector

Reporter1
Translate »