Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crime

જૂનાગઢમાં ૩૦૫ કરોડના સાયબર ફ્રોડમાં ભાજપ કોર્પોરેટર સહિત ૪નું સરઘસ નીકળ્યું

ગુજસીટોક હેઠળ ધરપકડ કરાયેલા ગેંગના સભ્યોને ઘટનાસ્થળે લવાયા

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ દ્વારા ૧૯૨ જેટલા ભાડાના બેંક ખાતાઓ ઓપરેટ કરવામાં આવતા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
જૂનાગઢ, તા.૨૮ જાન્યુઆરી ૨૦૨૬ — જૂનાગઢ શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સાયબર કૌભાંડ અને સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત ગેમ્બલર ગેંગ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ૩૦૫ કરોડના આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા ભાજપના ચાલુ કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર સહિત ચાર આરોપીઓને આજે પોલીસ સુખનાથ ચોક વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી. તપાસ દરમિયાન આરોપીઓ લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા અને જાહેરમાં હાથ જોડી માફી માંગતા નજરે પડ્યા હતા. સત્તાધારી પક્ષના ચાલુ કોર્પોરેટર સામે ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે.પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ દ્વારા ૧૯૨ જેટલા ભાડાના બેંક ખાતાઓ ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાંથી બાવન ખાતા માત્ર જૂનાગઢના હતા. ઓનલાઈન ગેમિંગ અને સાયબર છેતરપિંડી દ્વારા મેળવાયેલા નાણાં આંગડિયા મારફતે ભાવનગર મોકલાતા અને ત્યાંથી ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી દુબઈ મોકલવામાં આવતા હતા. પોલીસની ટીમે રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન કરી પાસપોર્ટ, ચેકબુક અને મહત્વના ડિજિટલ દસ્તાવેજો જપ્ત કર્યા છે.ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે સ્થાનિક મીડિયાને જણાવ્યા અનુસાર આ ગેંગ સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતના ૧૪થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી સામે ૧૨ ગુનાઓ નોંધાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે.પોલીસે જનતાને અપીલ કરી છે કે જો આ ગેંગ દ્વારા કોઈને પણ શારીરિક કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય અથવા મિલકત પચાવી પાડવામાં આવી હોય, તો તેઓ નિર્ભય બનીને પોલીસનો સંપર્ક કરે. હાલ પોલીસ આ આખા કૌભાંડના દુબઈ કનેક્શન અને અન્ય આરોપીઓ અંગે ઊંડી તપાસ ચલાવી રહી છે.

Related posts

પોલીસે દરોડો પાડતા પતિ ફરાર, પત્ની દારૂના જથ્થા સાથે ઝડપાઈ

Master Admin

ગુજરાત બનશે વધુ સુરક્ષિત, ગૃહ વિભાગ માટે કરી ઐતિહાસિક ફાળવણી

Master Admin

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

Master Admin

Leave a Comment

Translate »