Nirmal Metro Gujarati News
article

જ-જમીન,ગ-ગગન,ત-તલ:ત્રિભુવનથી દશેરાની વધાઇ અપાઇ

.
અસંગતા સૌથી મોટું શસ્ત્ર છે.
સાવધાનીમાં જીવે એ સંન્યાસી,અસાવધાનીમાં જીવે એ સંસારી.
રામચરિત માનસ પણ કાલિકા છે,કામદુર્ગા છે, કામધેનુ છે.
રમણીય કર્ણાટકની પવિત્ર ભૂમિ ગોકર્ણ ખાતેની રામકથાનો આઠમો દિવસ,શરૂઆતમાં સમગ્ર જગતને વિજયાદશમીની વધાઈ સાથે કથાનો આરંભ કરતા કહ્યું કે જગતનો અર્થ છે-ત્રિભુવન. ત્રિભુવન એટલે:સ્વર્ગ,પૃથ્વી અને પાતાળ.જ-જમીન, ગ-ગગન,ત-તલ.જગત એ ત્રિભુવનનો પર્યાય છે. માલકૌંસના સૂરથી કથાનો આરંભ કરી બાપુએ કહ્યું કે રાવણને સર નહીં પણ સૂરથી મારવો છે,કારણ કે સરથી જેટલી વખત માર્યો છે એ ફરી પાછો ઊભો થયો છે,સૂરથી મારીશું તો નિર્વાણ થઈ જાશે. ભગવાન વ્યાસ મહાભારતમાં સપ્તલક્ષણા ભીખ્ખુઓની ચર્ચા કરતા એક શ્લોક લખે છે.જોકે ભગવાન બુદ્ધે ભીખ્ખુઓની ઘણી જ વ્યાખ્યા કરી છે.ગીતામાં,ભાગવતમાં,માનસમાં,અન્ય ગ્રંથોમાં પણ સમાન વ્યાખ્યા દેખાય.મહાભારતના આ મંત્રમાં આપણે સંસારમાં રહેવા છતાં પણ ભીખ્ખુ કઈ રીતે રહી શકીએ કહેવાયું છે.સંસાર છોડવો એ જબરજસ્ત ત્યાગ છે.
બાપુએ કહ્યું હું તો એવું કહું કે:સાવધાનીમાં જીવે એ સંન્યાસી અને અસાવધાનીમાં જીવે એ સંસારી. વારંવાર અસાવધાનીમાં હોય તો ભીખ્ખુ હોવા છતાં પણ એ સંસારી છે.
લાઓત્સેએ તેનાં આખા જીવન દર્શનમાં ત્રણ ખજાનાઓ કહ્યા:એક પ્રેમ,બીજું અતિથી મુક્તિ,ન અતિ ભોગ,ન અતિ ત્યાગ.અને આવું કઈ રીતે આવે હરિથી,હરિકથાથી અને હરિનામથી સંબંધ જોડાઈ જાય તો આ ભિક્ષુકપણું સાધકમાં આવી શકે છે.
રામકથા કાલિકા છે.આજે દશેરાનાં દિવસે મહિષાસુર,મોહ અને મહામોહના રૂપમાં હતો એને મારવામાં આવેલો.
માનસમાં કાલિકા શબ્દ જ્યાં-જ્યાં છે એ પંક્તિ અને તુલસીના અન્ય સાહિત્યમાં કાલિકા શબ્દ આવ્યો છે એ પંક્તિઓ પણ બાપુએ બતાવી.
કાલિકાના હાથમાં જે ખડક છે એ શું છે?શબ્દકોશમાં ખડગનો એક અર્થ કીરપાણ છે,અસિ-તલવાર પણ કહેવાય છે.ખડકને શક્તિ કહ્યું છે.શૂલ પણ કહેલું છે.મા ના હાથમાં શસ્ત્ર અને અસ્ત્ર બંને છે.શસ્ત્ર અને અસ્ત્રમાં ભેદ છે.શસ્ત્ર એને કહે છે જે ખૂબ નજીકથી પ્રહાર કરી શકાય.જેમ કે ખડક,તલવાર,સમશેર,ગદા વગેરે.અને અસ્ત્ર એ છે જે દૂર ફેંકી શકાય.ધનુષ્ય,બાણ વગેરે.ત્રિશૂળ અસ્ત્ર પણ છે અને શસ્ત્ર પણ છે.રાવણનું પ્રસિદ્ધ શસ્ત્ર ચંદ્રહાસ તલવાર છે.લંકાકાંડમાં દાનને ફરસો,બુદ્ધિને શક્તિ અને શ્રેષ્ઠ વિજ્ઞાનને કઠિન કોદંડ કહેલું છે. અસંગતા સૌથી મોટું શસ્ત્ર છે.મા નાં હાથમાં પણ શસ્ત્ર છે જે કોઈકને કોઈક પ્રેરણા આપણને આપે છે મા નાં હાથમાં ખપ્પર છે એ અક્ષયપાત્ર છે. રામચરિત માનસ પણ કાલિકા છે,કામદુર્ગા છે, કામધેનુ છે.સાધુનો સંગ સૌથી મોટું સ્વર્ગ છે અને કામદુર્ગા ત્યાં રહે છે.સાધુના સંગમાં બધી જ મનોકામનાઓ સમાપ્ત થઈ જશે અથવા તો સાધુ બધી જ મનોકામના પૂરી કરી દેશે.કામદુર્ગા કૃષ્ણની વિભૂતિ છે.કામદુર્ગાના લક્ષણોમાં એને દોહવી પડતી નથી,એને પડછાયો હોતો નથી,સદા નિરોગી,જપ, તપ,યજ્ઞ જેવો લીલો ચારો ચરે છે,વસુકતી નથી. વિશ્વાસ રૂપી પાત્રને રામકથા રૂપી કામદુર્ગા ભરી દે છે ત્રણ મંત્રોથી અયોધ્યાકાંડનું મંગળા ચરણ થયું. જ્યારથી રામ વિવાહ કરીને ઘરે આવ્યા છે અયોધ્યાની સમૃદ્ધિ વધવા માંડી.પછી રામ વનવાસનો પ્રસંગ,કેવટના અનુરાગની કથા,પ્રયાગથી વાલ્મિકીના આશ્રમમાં અને ત્યાંથી ચિત્રકૂટમાં નિવાસની કથા અને ભરત મિલાપ બાદ પાદુકાને રાજ્ય સિંહાસન સોપીને ભરત નંદીગ્રામમાં નિવાસ કરે છે એ કથા કરીને અયોધ્યાકાંડનું સમાપન થયું. અરણ્યકાંડના આરંભમાં રામ ચિત્રકૂટમાંથી સ્થાનાંતર કરીને અત્રિ પાસે આવ્યા,અનસુયા ગીતાની વાત અને વનયાત્રામાં સુતિક્ષ્ણ મળ્યા ત્યાંથી પંચવટીમાં આવીને લક્ષ્મણ પાંચ પ્રશ્ન પૂછે છે એ પછી સૂર્પણખા આવે છે જે એવી વૃત્તિ છે જે જાગૃતિ પછી જ આવે છે.જ્યાં સૂર્પણખાને દંડ આપતા જ રાવણ પાસે જાય છે.પછી યોજના બનાવીને સીતા હરણ અને જટાયુની શહીદીનો પ્રસંગ,સિતાને શોધતા રામ શબરીનાં આશ્રમમાં આવે છે,જ્યાં અરણ્યકાંડનું સમાપન થાય છે.
સુગ્રીવ અને રામની મિત્રતા હનુમાનજી કરાવે છે અને પ્રવર્ષણ ઉપર ચાતુર્માસ કરતા રામ સિતાશોધની યોજના બનાવે છે.દક્ષિણમાં અંગદ નાયક અને જામવંતના માર્ગદર્શન નીચે ટૂકડી ખોજ કરે છે, સ્વયંપ્રભાનું પ્રકરણ આવે છે અને સંપાતિ દ્વારા જાણવા મળે છે કે સીતાજી અશોક વાટિકામાં છે. હનુમાનજી પર્વતાકાર બનીને ઉડાન ભરી લંકામાં જાય છે,કિષ્કિંધાકાંડ સમાપન પછી સુંદરકાંડના આરંભમાં સમુદ્રને લાંઘી,વિભીષણને મળી,માં પાસેથી ચૂડામણી લઇને હનુમાન પાછા આવે છે અને યુદ્ધ અનિવાર્ય થાય છે,ત્રણ દિવસ સુધી સમુદ્ર તટ ઉપર રામ બેસે છે,એ પછી સેતુબંધ બનાવે છે, સુંદરકાંડનું સમાપન થાય છે.લંકાકાંડના આરંભમાં દિવ્ય જ્યોતિર્લિંગ સેતુબંધ રામેશ્વરની સ્થાપના થાય છે અને રામ-રાવણનું વિનાશક યુદ્ધ કરી,રાવણને ૩૧ બાણ દ્વારા નિર્વાણ ગતિ આપીને સીતાજીને લઈ પુષ્પક વિમાન દ્વારા રામ અયોધ્યામાં પ્રવેશ કરે છે. રામ રાજ્યાભિષેક થાય છે,રામરાજ્યની શરૂઆત થાય છે.આ રીતે લંકાકાંડની સમાપ્તિ પછી ઉત્તરકાંડ ની કથામાં પ્રવેશ કરવામાં આવે છે.
આવતિકાલે આ કથાયજ્ઞનો પૂર્ણાહૂતિ દિવસ હોઇ કથા સવારે ૮ વાગ્યે શરુ થશે.

કથા વિશેષ:
ભિખ્ખુઓનાં સાત લક્ષણો ક્યા છે.
વ્યાસ રચિત શ્લોકમાં સપ્તલક્ષણા ભિખ્ખુઓની વાત કહેવાઇ છે.
કોઈ પણ સ્થિતિમાં જેના ચહેરા પર ક્રોધ ન આવે એ ભીખ્ખુ છે.
ક્રોધ આવતા જ એક વાત તત્ક્ષણ બને છે-બોધ ચાલ્યો જાય છે.
લોઢું,માટી અને સોનુ-ત્રણેય જેને સમ દેખાય એ ભીખ્ખુ છે.
કારણ કે આ ત્રણેય જમીનમાંથી નીકળ્યા છે,ત્રણેય સગોત્રી છે.
જે વાત પતી ગઈ છે એના ઉપર શોક ન કરે એ ભીખ્ખુ છે.
અતિતાનુસંધાન તોડી નાંખે છે.
બાપુએ ત્યાં ઉમેર્યું કે મારા જીવનની ઘણી જ વાતો અને સમાચાર વ્યાસપીઠ ઉપર મળેલા છે,પણ દુનિયાને ક્યારેય જણાવવા દીધું નથી.
પછી આયોજકો અને દુનિયાને ખબર પડે છે,પછી બધાની સાથે રોવાનું હોય છે.
કોઈ સાથે દોસ્તી નહીં,કોઈ સાથે વેર નહીં એ ભીખ્ખુ છે.
આ ઉદાસીન ભાવ છે,બોલવામાં સારું લાગે પણ ખૂબ મુશ્કેલ છે.
નિંદા અને પ્રશંસાથી જે પર થઈ જાય છે એ ભીખ્ખુ છે.
પ્રિય અને અપ્રિયથી પણ જે પર થઈ જાય છે.
આવા દરેક દ્વંદોથી ઉદાસીન રહી શકે એ ભીખ્ખુ છે.

Related posts

ઇન્ડોનેશિયાના યોગ્યાકાર્તામાં પૂજ્ય મોરારી બાપૂની રામકથાનું આયોજન

Reporter1

Transport Corporation of India Ltd. Announce Strong Q2/FY2025 Financial Results

Reporter1

સદગુરુ મનનો જ્ઞાતા પણ છે અને નિર્માતા પણ છે. ગુરુ આપણને પોતાની નજરમાંથી ઉતારી નથી નાખતા,આપણે સ્વયં ઉતરી જઈએ છીએ

Reporter1
Translate »