Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

ટેનિસ કોચે વિદ્યાર્થીના ઘરેથી લાખોના સોનાના દાગીના ચોર્યા

અમદાવાદના ટેનિસ કોચનું કારસ્તાન

બેડરૂમમાં રાખેલા રૂપિયા ૧૨ લાખ ૨૦ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૬ — પુત્રના ટેનિસ કોચ પર વિશ્વાસ મૂકવો યુવકને ભારે પડ્યો છે. ટેનિસ કોચિંગ માટે પુત્રને ઘરે લેવા માટે આવેલા કોચ પર વિશ્વાસમાં રાખીને ઘરમાં બેસાડ્યો. જો કે કોચએ વિશ્વાસઘાત કરીને ઘરમાં રાખેલા લાખોના દાગીનાની ચોરી કરી. આટલું જ નહીં, દાગીના પત્નીના છે પરંતુ રૂપિયાની જરૂર હોવાનું કહીને તેના મિત્રને વેચવા માટે આપ્યા. ઘરમાંથી દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થતાં જ ફરિયાદીએ તપાસ કરી અને કોચની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો. જે અંગે સોલા પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના સાયન્સ સિટી રોડ પર રહેતા અને સિક્યુરિટી એજન્સી ધરાવતા ગૌરવ દીક્ષિતએ સોલા પોલીસ સ્ટેશનમાં વૈદિક મનસો વિરુદ્ધમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના મોટા દીકરાનું ટેનિસનું કોચિંગ ચાલતું હતું. જેથી કોચ વૈદિક મનસો ક્યારેક ક્યારેક તેમના દીકરાને લેવા માટે ઘરે આવતો હતો. ૧૯મી ડિસેમ્બરના સવારના સાડા સાતેક વાગ્યાની આસપાસ ફરિયાદી ઘરે બેડરૂમમાં ધંધાકીય કામમાં વ્યસ્ત હતાં. ત્યારે વૈદિક તેમના દીકરાને લેવા માટે ઘરે આવ્યો હતો.

ફરિયાદીનો દીકરો સૂતો હોવાથી તે તૈયાર થાય ત્યાં સુધી વૈદિકને બેસવા માટે કહેતા તે ફરિયાદીના બેડરૂમમાં બેઠો હતો. ફરિયાદીના દીકરાની તબિયત સારી ના હોવાથી તે કોચિંગ માટે ગયો ના હતો.

આ દરમિયાન વૈદિકે વોશરૂમ જવાનું કહેતા ફરિયાદીએ બેડરૂમની સામેના રૂમમાં વોશરૂમ જવાનું કહ્યું હતું. થોડીવાર બાદ વૈદિકે મારે કોલ આવ્યો છે. હું નીકળું છું તેમ કહીને તે ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ ફરિયાદી રોજીંદા કામમાં લાગી ગયા હતાં.

૨૩મી ડિસેમ્બરના દિવસે ફરિયાદીના બેડરૂમમાં રાખેલા રૂપિયા ૧૨ લાખ ૨૦ હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ફરિયાદીના ઘરે છેલ્લે વૈદિક આવ્યો હોવાથી ફરિયાદીએ તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી ફરિયાદીએ વૈદિકના મિત્રનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમને જાણ થઈ હતી કે, ૨૦મી ડિસેમ્બરના દિવસે વૈદિકે તેને કેટલાક દાગીના આપ્યા હતાં. જે દાગીના તેની પત્નીના છે, પરંતુ તેને રૂપિયાની જરૂર હોવાથી આ દાગીના વહેચી રૂપિયા આપવા માટે કહ્યું હતું. જેથી વૈદિકના મિત્રએ આ દાગીના ૧૦ લાખ રૂપિયામાં વેચીને રૂપિયા વૈદિકને આપ્યા હોવાનું કહ્યું હતું. જે બાબતની જાણ પોલીસને કરતા સોલા પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા

Master Admin

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો

Master Admin

અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત

Master Admin

Leave a Comment

Translate »