Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ટ્રમ્પ યુદ્ધમાં એકલા પડ્યા, મદદ નહીં કરનાર દેશોને ધમકી આપી

અન્ય દેશોએ હોર્મુઝ ખાડીમાં યુદ્ધ જહાજ ન મોકલવા ટ્રમ્પના સૂર બદલાયા

ઈરાને યુદ્ધમાં પ્રથમ વખત ૨૦૦૦-૨૫૦૦ કિમીની રેન્જ ધરાવતી સેજિલ બેલાસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
બૈરુત, દુબઈ, તા.૧૭ માર્ચ ૨૦૨૬ — ત્રીજા અઠવાડિયામાં પહોંચેલું ઈરાન-યુએસ-ઈઝરાયેલનું યુદ્ધ વિરામ લેવાના બદલે સતત નવા મોરચા ખોલી રહ્યું છે. સમગ્ર વિશ્વના અર્થતંત્રને હચમચાવી દેનારા આ યુદ્ધના કારણે નિષ્પક્ષ રહેલા દેશોમાં ચિંતા ઘેરી બની રહી છે ત્યારે ઈરાન અને અમેરિકા સહેજ પણ મચક આપવા તૈયાર નથી. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘાચીએ કહ્યું હતું કે, વાટાઘાટો દ્વારા યુદ્ધ પૂરું કરવાની મથામણ હવે મિથ્યા લાગે છે. ઈરાનને હવે સંધિ સંવાદ કે સંધિ નથી જોઈતા. યુદ્ધ જ નિર્ણય કરશે. જ્યારે જગત જમાદાર બની બેઠેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની ધાક ઓસરી રહી હોવાનું લાગ્યું છે, જેના કારણે તેમણે હોર્મુઝની ખાડી શરૂ કરાવવા માટે અમેરિકાની સહાયમાં યુદ્ધ જહાજો નહીં મોકલનારા દેશોને યાદ રાખવાની ચીમકી આપી છે.સમગ્ર વિશ્વ સામે ઈંધણી કટોકટી મોં ફાડીને ઊભી છે ત્યારે ઈરાને આ યુદ્ધમાં સૌ પ્રથમ વખત સેજિલ બેલાસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. ઈરાનિયન સ્ટેટ મીડિયાના જણાવ્યા મુજબ, ઈઝરાયેલ અને ખાડી દેશોમાં યુએસ સૈન્યના મથકો પર ઓપરેશનની ૫૪મી લહેર આવી છે. ૨૦૦૦-૨૫૦૦ કિમીની રેન્જ ધરાવતી આ મિસાઈલ તમામ ખાડી દેશોમાં ત્રાટકવા સક્ષમ છે. ઈરાનમાં રહેણાક ઈમારતો પર હુમલાના પગલે વધારે ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હોવાનું ઈરાન કહે છે. સૈન્ય છાવણીઓ અને શસ્ત્રાગારો પર હુમલા સાથે શરૂ થયેલા આ યુદ્ધમાં રહેણાક વિસ્તારો તથા ઓઈલ ડેપો અને બિઝનેસ હબ પણ ટાર્ગેટ બની રહ્યા છે. અમેરિકા પર વૈશ્વિક દબાણ વધી રહ્યું છે. ટ્રમ્પે આફતને અવસરમાં પલટી દેવાના ઈરાદે સાત દેશોની સહાય માગી હતી અને પોતાના યુદ્ધ જહાજો મોકલી હોર્મુઝની ખાડીને મુક્ત કરાવવા હાકલ કરી હતી.ટ્રમ્પનો ચીન પ્રવાસ મોકૂફ, યુદ્ધ જહાજ મોકલવા ચીનનો નનૈયોઃ ટ્રમ્પે હોર્મુઝની ખાડી શરૂ કરાવવા ચીનનું નાક દબાવ્યું છે. ૩૧ માર્ચથી ૪ એપ્રિલ દરમિયાન ટ્રમ્પના ચીન પ્રવાસનું અગાઉ આયોજન થયુ હતું, પરંતુ હાલ ટ્રમ્પે આ મુલાકાત મોકૂફ રાખી છે. જો કે ટ્રમ્પની આ સ્ટ્રેટેજીથી ચીનને કોઈ અસર થઈ નથી. હોર્મુઝની ખાડી માટે યુદ્ધ જહાજો મોકલવાનો ચીને સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે. આ સાથે ચીને યુદ્ધના પક્ષકાર દેશોને તાત્કાલીક સૈન્ય કાર્યવાહી અટકાવવા અને વૈશ્વિક અર્થતંત્રને થઈ રહેલી હાનિ રોકવા સલાહ આપી છે. ટ્રમ્પે હોર્મુઝની ખાડી માટે યુદ્ધ જહાજ મોકલવા ચીન, બ્રિટન, ફ્રાન્સ, જાપાન સહિતના સાત દેશોને હાકલ કરી હતી. ઈરાન સસ્તા ભાવે ઓઈલ આપતું હોવાથી ચીને અગાઉથી જ અમેરિકા સામે નારાજગી જાહેર કરી હતી. હવે આ યુદ્ધ સંદર્ભે યુરોપના દેશોમાં અમેરિકા પ્રત્યેનો અણગમો પણ ખુલીને બહાર આવી રહ્યો છે. બ્રસેલ્સમાં યુરોપના દેશોની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ રહી છે. તે પૂર્વે યુરોપિયન યુનિયનમાં વિદેશ નીતિના વડા કજા કલ્લાસે કહ્યું હતું કે, રેડ સીથી માંડીને હોર્મુઝની ખાડી સુધી નૌકા દળ અભિયાન લંબાવવા માટે યુરોપના દેશો વચ્ચે વાટાઘાટો થઈ શકે છે.

Related posts

હવે આરપારની જંગ, “તમારું સપનું કબરમાં જશે પણ ઈરાન નહીં નમે”

Master Admin

અમેરિકી વર્ચસ્વનો અંત, જૂનો દોર હવે ક્યારેય પાછો નહીં આવે

Master Admin

યુક્રેનમાં રશિયાના ભીષણ મિસાઈલ-ડ્રોન હુમલો

Master Admin

Leave a Comment

Translate »