Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmiknational

મનમોહક નજારો : બાબા કેદારનાથમાં ફરી હિમવર્ષા

યાત્રા શરૂ થાય તે પહેલા જ બદલાયું હવામાન

આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જોતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો

(સંપૂર્ણ સમાચાર સેવા)
કેદારનાથ, તા.૪ એપ્રિલ ૨૦૨૬ — બાબા કેદારના ભક્તો માટે એક તરફ કપાટ ખુલવાની આતુરતા છે, તો બીજી તરફ કુદરત પોતાની અલગ જ રમત રમી રહી છે. હિમાલયના શિખરો પર હવામાન પલટાયું છે અને એપ્રિલ મહિનામાં પણ કેદારનાથ ધામમાં ભારે હિમવર્ષાનો દોર જામ્યો છે. આ હિમવર્ષાને કારણે ચારધામ યાત્રાની તૈયારીઓમાં જોતરાયેલા તંત્ર અને શ્રમજીવીની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

આગામી ૨૨ એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે. જેના માટે વહીવટીતંત્ર અને બદ્રી-કેદાર મંદિર સમિતિ (BKTC) દિવસ-રાત તૈયારીઓ કરી રહ્યા હતા. જોકે, છેલ્લા ૨૪ કલાકથી થઈ રહેલી હિમવર્ષાએ શ્રમજીવીની મહેનત પર પાણી ફેરવી દીધું છે. મંદિર પરિસર અને જે પદયાત્રાના માર્ગો પરથી તાજેતરમાં જ બરફ હટાવવામાં આવ્યો હતો, તે માર્ગો ફરીથી અનેક ફૂટ બરફની ચાદરમાં દટાઈ ગયા છે.

BKTC ના સભ્ય વિનીત પોસ્તીએ જણાવ્યું કે, ધામમાં હવામાન પળવારમાં રંગ બદલી રહ્યું છે. ગઈકાલ સાંજથી જ અવિરત બરફ પડી રહ્યો છે, જેના કારણે પદયાત્રા માર્ગ પર સફાઈ કરેલા રસ્તાઓ ફરીથી દુર્ગમ બન્યા છે. ઉપરાંત રહેવાની વ્યવસ્થા માટે ટેન્ટ કોલોની વસાવવાનું કામ અટકી પડ્યું છે. જ્યારે મૂળભૂત સુવિધાઓ જેવી કે, વિજળી અને પાણીની લાઈનો નાખવામાં ભારે અવરોધ આવી રહ્યો છે.

એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે બરફ પીગળવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઉલટું જોવા મળી રહ્યું છે. જો આગામી દિવસોમાં પણ આવું જ હવામાન રહ્યું, તો ૨૨ એપ્રિલ પહેલા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવી એ વહીવટીતંત્ર માટે કોઈ અગ્નિપરીક્ષા સાબિત થશે. હાલમાં શ્રદ્ધાળુઓ માટે આ નજારો અત્યંત સુંદર છે, પરંતુ કામ કરી રહેલા કર્મચારીઓ માટે તે જીવના જોખમ સમાન છે.

હિમવર્ષાને કારણે કેદારનાથ પદયાત્રા માર્ગ પર ગ્લેશિયર તૂટવાનો ભય પણ વધી ગયો છે.
પ્રશાસને શ્રદ્ધાળુઓને હવામાનની અપડેટ લઈને જ યાત્રાનું આયોજન કરવા વિનંતી કરી છે. કપાટ ખુલતા પૂર્વે જો બરફ હટાવવાની કામગીરી પૂર્ણ નહીં થાય, તો શરૂઆતના દિવસોમાં યાત્રીઓની સંખ્યા પર નિયંત્રણ મુકવામાં આવી શકે છે.

Related posts

નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં વધારો, ફાસ્ટેગમાં પણ ભાવ વધારો

Master Admin

ભારત બંધથી દેશભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની આશંકા

Master Admin

એક ઝટકામાં રોકાણકારોના ૫ લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

Master Admin

Leave a Comment

Translate »