રામનો સ્વભાવ રક્ષા કરે છે,રામનો પ્રભાવ રક્ષા કરે છે.
પાંચ ઉપર ભરોસો ન કરવો જોઈએ:પદ,પ્રતિષ્ઠા, પૈસા,પ્રાણ અને પરિવાર.
શાસ્ત્રોમાં ત્રણની વાણી શ્રેષ્ઠ માનવામાં આવી છે: બ્રહ્માની,સરસ્વતિની અને દેવોના ગુરુ બૃહસ્પતિની.
ભારતના મોમ્બાસા સ્થિત સહાયક ઉચ્ચ કમિશનર રમાકાંત કુમારની વ્યાસ વંદના અને ભાવ અભિવ્યક્તિ સાથે ચોથા દિવસની રામકથાની શરૂઆત થઈ.
સાધુ અને સંત તેમજ ઋષિ અને મુનિમાં શું અંતર એવો એક પ્રશ્ન હતો ત્યારે બાપુએ કહ્યું કે બહુધા ગૃહસ્થોને સંત કહે છે.જેમકે તુલસીજી,સંત તુકારામ,એકનાથ,નામદેવ,મીરાં,નરસિંહ મહેતા. અને સાધુ હોય એ વિરક્ત અથવા તો ત્યાગી હોય એવું લોકો માને છે.
બુદ્ધ એવું કહે છે કે તમારા પિંડને,વાણીને,શરીરને સમજી લ્યો તો તમે ભીખ્ખુ છો.આમ શબ્દ બે પણ વાત સમાન છે.ઘણા ભવનમાં રહીને પણ વન્ય જીવન જીવતા હોય એમ રહે છે-એ સાધુ છે. ભગવાન શંકર સંસારી છે કે વિરક્ત?સંસારી છે.પણ રામચરિત માનસમાં બ્રહ્મા એને સાધુ કહે છે.
મોર બચન કહ સબ માના;
સાધુ સાધુ કહી બ્રહ્મ બખાના.
શાસ્ત્રોમાં ત્રણની વાણી શ્રેષ્ઠ માનવામાં આવી છે: બ્રહ્માની,સરસ્વતિની અને દેવોના ગુરુ બૃહસ્પતિની વાણી.ક્યારેક કોઈ એક વ્યક્તિત્વમાં પણ આ ત્રણેય વાણી આવી જતી હોય છે.રામ પણ સંસારી છે છતાં એને સાધુ કહે છે,કૌશલ્યાને પણ સાધુ કહેવાયા છે. સત શબ્દના સ ઉપર આચરણની બિંદી ચડી જાય એટલે સંત બને છે.મૌન રહે એ મુનિ અને જે વેદ વદે એ ઋષિ.ઋષિ ગૃહસ્થી અને મુનિને વિરક્ત માનવામાં આવે છે.
ભગવાન બુદ્ધે ચાર વસ્તુ કહી-જે આપણે પોતે પણ કરી શકીએ છીએ:૧-એકાંત,૨-મૌન,૩-ધ્યાન અને ૪-સમાધિ.અહીં બુદ્ધનું કહેવાનું એવું હશે કે એકાંત મન સાથે,મૌન બુદ્ધિ સાથે,ધ્યાન ચિત્ત સાથે અને નિર્વાણ અહંકાર સાથે જોડાયેલું છે.
બુદ્ધપુરુષની પાસે બેસવાથી ત્રણ ઘટના ઘટે છે:એના વાઇબ્રેશન મળે,એની સેવાનો મોકો મળે અને પરિપૂર્ણ સમર્પણ મળે.
હનુમાનજી સીતા શોધ કરવા માટે જાય છે ત્યારે બાર-બાર રઘુવીર સંભારી.. સતત એનું સ્મરણ કરે છે,છતાં વિઘ્નો આવે છે તો હનુમાનનાં વિઘ્નોની રક્ષા કોણ કહે કરે છે?પહેલા મૈનાક રૂપી સોનાનો પર્વત જે પ્રલોભન અને વૈભવનો સંકેત કરે છે,સર્પીણી આવે છે એની સાથે સ્પર્ધા નથી કરતા કારણ કે સ્પર્ધામાં સમય ગુમાવતા નથી.
ગમ મેરે સાથ સાથ દૂર તક ગયે;
પાયી ન મુજમેં થકાન તો ખુદ થક ગયે!
સિંહિકા આવે છે-જે ઈર્ષા છે.ભક્તિમાર્ગમાં આકાશમાં ઉડનારની ઈર્ષા ખૂબ જ હોય,ખાવા માટે તત્પર હોય,રહેતી હોય દરિયામાં પણ ઉપર ઉડે એને ખાવાની ઈચ્છા કરે છે. હનુમાન સતત રઘુવીરને સંભારે છે.લંકામાં સૌથી મોટું વિઘ્ન લંકીની આવે છે,એ પછી મૃત્યુદંડ અને સળગાવી નાખવાની વાત આવે છે ત્યારે રિદય રાખિ કોસલપુર રાજા-હૃદયમાં રામ રાખે છે આથી રામ હનુમાનની રક્ષા રામ કરે છે.રામનો સ્વભાવ રક્ષા કરે છે,રામનો પ્રભાવ રક્ષા કરે છે.
ભાગવતમાં શ્રોતાઓના પ્રકારોમાં:ચાતક જેવા,હંસ, મીન અને વૃષભ જેવા શ્રોતાઓની વાત કરી અને બાપુએ કહ્યું કે પાંચ ઉપર ભરોસો ન કરવો જોઈએ પદ,પ્રતિષ્ઠા,પૈસા,પ્રાણ અને પરિવાર-આ ક્યારે ધોખો દેશે એનું કંઈ નક્કી ન હોય.એક માત્ર રામ પર ભરોસો કરવો જોઈએ.
આધ્યાત્મિક ક્રિકેટ:
ક્રિકેટનું રૂપક આપતા કહ્યું કે ત્રણ સ્ટેમ્પ હોય.એક વિકેટકીપર હોય.એક બોલર હોય અને બાકી ૧૦ ફિલ્ડર-જે એક બેટ્સમેનને આઉટ કરવા માટે સતત આક્રમણ કરતા હોય.બે અમ્પાયર હોય છે.
આ ત્રણ સ્ટમ્પ એટલે:મન,બુદ્ધિ અને ચિત્ત.એને હલાવવા માટે સતત પ્રયત્ન થતા હોય છે.અને છ બોલ એટલે-કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર. આમ તો વિકેટની રક્ષા કરે એ વિકેટકીપર,પણ આપણી જ પાછળ,આપણી સાથે જ ઉભો હોય એવું લાગતું હોય-તો પણ આપણે સ્હેજ પણ ક્રીઝની બહાર જવાનો પ્રયત્ન કરીએ અને આઉટ કરવા માટે અતિ તત્પર હોય,એ આપણા માંનો જ એક વિકેટકીપર હોય છે.વિકેટકીપર એ અહંકાર છે જે આઉટ કરવા માટે તત્પર હોય છે.
બે અમ્પાયર:એક સૂર્ય અને એક ચંદ્ર.જે આપણા કર્મની સતત ખબર રાખે છે,ધ્યાન રાખે છે,સાક્ષી છે.કદાચ આ બે અમ્પાયર અંચઇ પણ કરે ત્યારે થર્ડ અમ્પાયર-ત્રિનેત્ર મહાદેવ-જે રિપ્લે એટલે કે આપણા ભૂતકાળનું જીવન ચકાસી અને સાચો નિર્ણય આપે છે.આ છે ક્રિકેટનું અધ્યાત્મ!