Nirmal Metro Gujarati News
Dharmik

સનાતન એટલે દિવ્યપુરુષ,દેવપુરુષ નહીં

અનેક દિવ્ય ચેતનાઓથી ભરેલું નભ મંડળ જે આપણને પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરે છે.
શાશ્વત સનાતન છે,સનાતન શાશ્વત છે.
પરાપૂર્વથી જે અચળ છે એ સનાતન છે.
મઝહબ એ પર્સનલ ટ્રુથ છે,ધર્મ યુનિવર્સલ ટ્રુથ છે.
પુસ્તક શિક્ષક છે,ગ્રંથ ગુરુ છે રામચરિતમાનસ સદગ્રંથ-સદગુરુ છે.

ભારતની રાજધાની દિલ્હીમાં અદભૂત બાંધણીવાળા ભારત મંડપમ્ ખાતે ચાલી રહેલી રામથાનાં ત્રીજા દિવસે વિશેષ અતિથિ તરીકે કૃષ્ણ જન્મભૂમિ ન્યાસનાં ગોવિંદ ગિરિજી અને તઝાકીસ્તાનનાં રાજદૂત ઉપસ્થિત રહ્યા.
સનાતન શબ્દના વિવિધ શબ્દકોશમાં અર્થ,એમાંથી ભગવદ્ગોમંડળ જે આમ તો ગુજરાતી ભાષાનો પણ સાર્વભૌમ કોશ છે એમાં સનાતનની પરિભાષા શું છે ત્યાંથી કથાને ચાલુ કરતા કહ્યું કે એક અર્થ આપ્યો છે દિવ્યપુરુષ.દેવપુરુષ નહીં.દેવ સ્વાર્થી પણ હોય,છળ અને કપટ પણ કરે,દેવને કોઈ પર ભરોસો ન હોય. પરંતુ દિવ્યપુરુષ ભગવાન મહાવીર,બુધ્ધથી લઇને આપણા તમામ સંતો-મહંતો,ઓશો,વિનોબાજી અને ગાંધીજી સહિત-આ બધી જ દિવ્ય ચેતનાઓથી ભરેલું નભ મંડળ જે આપણને પ્રભાવિત નહીં પણ પ્રકાશિત કરે છે.આ બધા જ સનાતન છે એવો અર્થ કોશ આપે છે.
ઘણા મનુષ્ય ભવ્ય હોય છે,દિવ્ય નથી હોતા.દિવ્ય એ છે જે નિત નૂતન છે.એટલે જ અર્જુન કૃષ્ણને ચિંધીને કહે છે કે તમે સનાતન પુરુષ છો.
ભગવદ ગીતામાં સાત વખત સનાતન શબ્દ આવ્યો છે.શાશ્વત શબ્દ દસ વખત આવ્યો છે.રામચરિત માનસમાં શાશ્વત શબ્દ બે વખત આવ્યો છે.અત્રિ સ્તુતિનું ગાયન કરતી વખતે બાપુએ કહ્યું કે તમે અન્યથા ન લેતા પરંતુ ઋષિઓ જે રીતે ગાય છે એ મને સંભળાય છે.
ચાર પ્રકારના ભક્ત-જ્ઞાની,અર્થાર્થી,જીજ્ઞાસુ એમાં તમે કયા ભક્તના વત્સલ છો?રજોગુણી,તમોગુણી,સત્વગુણી નહિ પણ ગુણાતિત ભક્તનાં વત્સલ પ્રભુ આપ છો એવું કદાચ અત્રિ કહેવા માગે છે.
સનાતનનું ક્યારેય પતન નથી.પરાપૂર્વથી જે અચળ છે એ સનાતન છે.એટલે જ આ કથા ઐતિહાસિક નહીં આધ્યાત્મિક છે.આપણા પિતૃઓને કોઈ મંત્ર વગર કે વગર બોલાવ્યે આપણી મુશ્કેલી સમજી અને કોઈ પણ સ્વરૂપમાં આપણી પાસે આવે એ સનાતન છે.અનેક ચેતનાઓ ઘૂમી રહી છે.આત્મસન્માન, આત્મ સ્મરણ,આત્મબળ-અસ્મિતાનાં આ ત્રણ અર્થ છે.સાધુઓનો કોઈ સમૂહ નથી હોતો,ભેડ બકરાઓનો સમૂહ હોય છે.સાધુ દલવંત ન હોવો જોઈએ પોતાનું ગ્રુપ બનાવીને,મૂળને ભૂલીને માત્ર શાખાઓ ફેલાવે એવું ન હોવું જોઈએ.મઝહબ એ પર્સનલ ટ્રુથ છે,ધર્મ વૈશ્વિક સત્ય છે એવું સ્વામી શરણાનંદજી કહે છે.
પુસ્તક હાથમાં રહેલો શિક્ષક છે એવું ડોક્ટર રાધાકૃષ્ણએ કહ્યું તેથી પુસ્તક શિક્ષક છે,ગ્રંથ ગુરુ છે રામચરિતમાનસ સદગ્રંથ-સદગુરુ છે.માણસ ધાર્મિક નહીં પણ ધર્મશીલ હોવો જોઈએ.
ભાગવતમાં પણ સનાતનના ૩૦ લક્ષણો બતાવ્યા છે સનાતન ધર્મ પર આજે જાણી જોઈને પ્રહાર થઈ રહ્યા છે.અવતારોની નિંદા કરવી,નાના બતાવવા, પુસ્તકોમાં ભેળસેળ કરવી અને પોતાનું જે છે એને વધારે સારું બતાવવું-આ પ્રવૃત્તિ વખતે જ્યાં સનાતન ધર્મની નિંદા ટીકા થઈ રહી છે એવા ફંકશનમાં જવાનું બંધ કરવું એવું બાપુએ કહ્યું.
જે બ્રહ્મચારી અને ક્રિયા રહીત મૌની મહાપુરુષ છે એ સનાતન છે.બ્રહ્મા ને પણ સનાતન કહ્યા છે.સ્વામી શરણાનંદજી કહે છે કે તલ્લીન થઈને અલિપ્ત થઈ જાઓ.ખોજના બંધ કરો,ખો જાઓ!ખો જાના હી આપકો ખોજ લેગા!
સનાતનના અન્ય અર્થમાં વિષ્ણુ,પરમાત્મા,નારાયણ, શિવ, સૂર્યના ૧૦૮ નામમાંથી એક નામ,અનાદિ,મૂળ, પ્રાચીન, પહેલાનું, જેનો કોઈ અંત નથી,અવિનાશી, નિત્ય-આવા અર્થ બતાવ્યા અને ભાગવતનો એક શ્લોક કહ્યો:
મૂલં હિ વિષ્ણૂર્દેવાનાં યત્ર ધર્મસનાતન:
તસ્ય ચ બ્રહ્મ ગો વિપ્રાષટકો યજ્ઞા સદક્ષિણા:
જેનું મૂળ વિષ્ણુ છે એટલે કે વિશાળતા છે અને જે વિષ્ણુ સનાતન ધર્મમાં રહેલા છે.
ગઈકાલે સાત લક્ષણો કહેલા આઠમું લક્ષણ છે-મોક્ષ આ શ્લોક કહે છે કે વેદ,ગૌ(ગાય,વાણી,ઇન્દ્રિય,જલ આદિ),વિપ્ર,તપ,દક્ષિણા સહિતનો યજ્ઞ-આ પાંચ લક્ષણો પૃથુ રાજામાં હતા અને એ સનાતન છે. આનંદશંકર ધ્રુવ એવું કહેતા કે ધર્મ વાર તહેવારે પહેરવાનું કપડું નથી પણ આપણી ચામડી છે.

વિશેષ:
આટલા ‘નોબેલ’ ભૂખ્યા માણસ ક્યારેય જોયા નથી:ગોવિંદગિરિજી
રામ જન્મભૂમિ ટ્રસ્ટ અને કૃષ્ણ જન્મભૂમિ ન્યાસના ઉપાધ્યક્ષ આચાર્ય ગોવિંદ ગિરિજી મહારાજ જે રાષ્ટ્રપતિજી સાથે મુલાકાત કરીને આવ્યા અને એણે પુરા જોશથી આહવાન કર્યું કે સંપૂર્ણ વિશ્વ એક જ શક્તિનો આવિષ્કાર છે એ જ સનાતન છે. સાથોસાથ આદરણીય પ્રધાનમંત્રી વિશે કહ્યું કે તેઓએ કહ્યું છે કે આવનારા ૧૦ વર્ષમાં એટલે કે મેકોલીની શિક્ષણનીતિ જે ૧૮૩૬માં લાગુ થયેલી એના ૨૦૦ વર્ષ પછી ગુલામીનું એક એક ચિહ્ન હટાવી દેશું.
રાષ્ટ્રપતિ ભવનમાં અંગ્રેજોના ફોટાઓને હટાવી અને ત્યાં ગેલેરીમાં આપણા વીર સપૂતોનાં ફોટા લાગી ગયા છે.
પણ આપણે એવા લોકો જોયા છે જે એક દેશને શસ્ત્રો વેંચે,બીજા દેશને પણ શસ્ત્રો વેંચે,અશાંતિ ફેલાવીને શાંતિની વાતો કરે અને શાંતિના પુરસ્કારની માગણી કરે! ન મળે તો કોઈ અન્યને મળ્યો હોય એનો પુરસ્કાર પણ સ્વીકારી લેવાની હા કહી દે! આવા બેશરમ લોકોને આપણે આ પહેલા ક્યારેય જોયા નથી.
તેઓએ જણાવ્યું કે સનાતનની આ ધૂરા આહલેક જગાવી છે એ જગન્નાથના રથની જેમ સતત આગળ ચાલતી રહેવી જોઈએ.

Related posts

મહાકાલના દરબારમાં બધા સમાન છે, ત્યાં કોઈ VIP હોતું નથી

Master Admin

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

Master Admin

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

Master Admin
Translate »