Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચમાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન

ગુજરાતમાં ૧૦ ટકાનો ઉછાળો

ગયા વષના સમાન મહિનાની સરખામણીએ સરખામણીએ ૮.૮% વધુ : ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧ એપ્રિલ ૨૦૨૬ — દુનિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર છે. માર્ચ ૨૦૨૬માં દેશનું ય્જી્‌ કલેક્શન રેકોર્ડ બ્રેક નોંધાયું છે. સરકારી આંકડા મુજબ, નેટ GST કલેક્શન વધીને ૨ લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે ગત ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ ૮.૨ ટકા વધુ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં વેપાર અને વપરાશ બંનેમાં મજબૂતી જળવાઈ રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સ કલેક્શનમાં આ વધારો આર્થિક ગતિવિધિઓમાં સતત સુધારાનો સંકેત આપે છે.

તેમજ જો ગ્રોસ GST કલેક્શનની વાત કરીએ તો માર્ચમાં તે ૨ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ ૮.૮% વધુ છે. સતત વધી રહેલી GST વસૂલાત સરકારની આવકને મજબૂત કરી રહી છે અને આગામી સમયમાં વિકાસ યોજનાઓને વેગ આપવામાં મદદ મળશે. એકંદરે, આ આંકડા ભારતીય અર્થવ્યવસ્થા માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યા છે.

રિફંડની વાત કરીએ તો માર્ચ મહિનામાં કુલ ૦.૨૨ લાખ કરોડ રૂપિયાના રિફંડ જાહેર કરવામાં આવ્યા છે, જે વાર્ષિક ધોરણે ૧૩.૮% વધુ છે. રિફંડ વધવા છતાં સરકારની નેટ કમાણી મજબૂત રહી છે, જે ૧.૭૮ લાખ કરોડ રૂપિયા રહી. આ એવો પણ સંકેત આપે છે કે નિકાસ અને વેપાર સાથે જોડાયેલા સેક્ટર્સ હાલ પાટે છે. રેવેન્યૂના અલગ-અલગ હિસ્સાઓ પર નજર કરીએ તો સ્થાનિક વ્યવહારોમાંથી મળતી ગ્રોસ રેવેન્યૂ ૧.૪૬ લાખ કરોડ રૂપિયા રહી, જેમાં ૫.૯% નો વધારો થયો છે. બીજી તરફ, આયાતમાંથી મળતી રેવેન્યૂ ૦.૫૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જેમાં ૧૭.૮% નો મોટો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ છે કે દેશમાં આયાત ગતિવિધિઓ પણ ઘણી મજબૂત રહી છે.

સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની વાત કરીએ તો ગ્રોસ GST કલેક્શન ૮.૩% વધીને ૨૨.૨૭ લાખ કરોડ રૂપિયા થી વધુ થઈ ગયું છે. તેમજ નેટ GST રેવેન્યૂ ૭.૧% ના વધારા સાથે ૧૯.૩૪ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. રાજ્યોના પ્રદર્શન પર નજર કરીએ તો ઘણા રાજ્યોમાં GST કલેક્શનમાં સારી વૃદ્ધિ જોવા મળી છે. જેમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. બીજી તરફ કેટલાક રાજ્યોમાં ઘટાડો પણ નોંધાયો છે, જેમ કે જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ, દિલ્હી, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ. એકંદરે, આ આંકડા દર્શાવે છે કે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર અને મજબૂત દિશામાં આગળ વધી રહી છે.

કયા મહિનામાં કેટલું કલેક્શન?
એપ્રિલ ૨૦૨૫ઃ ૨.૩૭ લાખ કરોડ
મે ૨૦૨૫ઃ ૨.૦૧ લાખ કરોડ
જૂન ૨૦૨૫ઃ ૧.૮૫ લાખ કરોડ
જુલાઈ ૨૦૨૫ઃ ૧.૯૫ લાખ કરોડ
ઓગસ્ટ ૨૦૨૫ઃ ૧.૮૬ લાખ કરોડ
સપ્ટેમ્બર ૨૦૨૫ઃ ૧.૮૯ લાખ કરોડ
ઓક્ટોબર ૨૦૨૫ઃ ૧.૯૬ લાખ કરોડ
નવેમ્બર ૨૦૨૫ઃ ૧.૭૦ લાખ કરોડ
ડિસેમ્બર ૨૦૨૫ઃ ૧.૭૫ લાખ કરોડ
જાન્યુઆરી ૨૦૨૬ઃ ૧.૯૩ લાખ કરોડ
ફેબ્રુઆરી ૨૦૨૬ઃ ૧.૮૪ લાખ કરોડ
માર્ચ ૨૦૨૬ઃ ૨ લાખ કરોડથી વધુ

ગુજરાતે માર્ચ ૨૦૨૬માં ટેક્સ કલેક્શનમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે, સેટલમેન્ટ પછીના ધોરણે, રાજ્યનું સ્ટેટ જીએસટી (SGST ) કલેક્શન વાર્ષિક ધોરણે ૧૦% વધીને ૬,૮૩૫ કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે માર્ચ ૨૦૨૫માં ૬,૧૯૩ કરોડ રૂપિયા હતું. જો સેટલમેન્ટ પૂર્વેના આંકડા જોઈએ તો, ગુજરાતે માર્ચ ૨૦૨૬માં ૪,૪૫૦ કરોડનું SGST એકત્ર કર્યું છે, જે ગત વર્ષના સમાન ગાળાના ૪,૨૪૬ કરોડની સરખામણીએ ૫%નો વધારો દર્શાવે છે.

Related posts

બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી ૧૨ ફૂટ ઊંચી સ્માર્ટ ફેન્સિંગ

Master Admin

પેટ્રોલ-ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો

Master Admin

આગામી બે દિવસમાં ૨-૩ ડિગ્રી વધશે તાપમાન

Master Admin

Leave a Comment

Translate »