Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન

સિંગર આશા ભોંસલેના નિધનથી સંગીત જગતમાં શોકનું મોજું

મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે આશાજીનું નિધન થયું : આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૨ એપ્રિલ ૨૦૨૬ — હિન્દી સિનેમા જગતમાંથી એક ખૂબ જ દુખદ સમાચાર સામે આવ્યા છે. સૂરોની મલ્લિકા અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આશા ભોસલેએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાયિકાના નિધનના સમાચાર સામે આવતા જ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સેલેબ્સ અને ચાહકોની આંખો નમ છે.

પ્રખ્યાત પાર્શ્વ ગાયિકા આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ જણાવ્યું છે કે તેમના અંતિમ દર્શન લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાને થશે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, “મારી માતાનું આજે અવસાન થયું છે. લોકો આવતીકાલે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે લોઅર પરેલ સ્થિત કાસા ગ્રાન્ડે માં તેમના અંતિમ દર્શન કરી શકે છે, જ્યાં તેઓ રહેતા હતા. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે ૪ વાગ્યે શિવાજી પાર્કમાં કરવામાં આવશે.”તેમના મોટા બહેન, ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરના અંતિમ સંસ્કાર પણ ૨૦૨૨માં શિવાજી પાર્કમાં જ કરવામાં આવ્યા હતા.

આશા ભોસલેના નિધન પર ડો. પ્રતીત સમદાનીએ જણાવ્યું, આ ખૂબ જ દુઃખદ છે કે આશા ભોસલેજીનું આજે નિધન થયું. તેમને ઘણી તબીબી સમસ્યાઓ હતી અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું. તેમણે વધુમાં કહ્યું કે, અત્યંત થાક અને છાતીમાં ઈન્ફેક્શનને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મલ્ટિ-ઓર્ગન ફેલ્યોર (શરીરના વિવિધ પ્રકારના અંગો કામ કરતા બંધ થઈ જવા) થવાને કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આશાજીના નિધનના સમાચાર મળતા જ સંગીતકારો, બોલિવૂડ હસ્તીઓ અને રાજકીય નેતાઓમાં શોકની લહેર ફરી વળી છે. તેમના જવાથી ભારતીય સંગીત જગતમાં જે ખાલીપો પડ્યો છે તે ક્યારેય પૂરી શકાય તેમ નથી.

નોંધનિય છે કે, આજે સવારે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ ઠ (અગાઉનું ટિ્‌વટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું – “આશા ભોસલે જીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ ચિંતા થઈ. તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.”

આશા ભોસલેનું નામ બોલિવૂડની સૌથી મહાન અને દિગ્ગજ ગાયિકાઓમાં ગણાય છે. ૮ સપ્ટેમ્બર ૧૯૩૩ ના રોજ જન્મેલા આશાજીએ પોતાની શાનદાર કારકિર્દીમાં ૨૦ થી વધુ ભાષાઓમાં ૧૨,૦૦૦ થી વધુ ગીતો ગાયા છે. સંગીતના ઈતિહાસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પણ તેમના જ નામે છે. ભારતનાં બુલબુલ અને ફિલ્મ જગતની સુપરસ્ટાર ગણાતા સ્વરકોકિલા લતા મંગેશકર તેમના મોટા બહેન છે. આશાજીએ પોતાના સુમધુર અવાજ અને અનોખી અદાથી દાયકાઓ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર એકચક્રી રાજ કર્યું છે અને આજે ૭૦ થી વધુ વર્ષોથી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે.

આશાજીની મ્યુઝિકલ જર્નીની શરૂઆત વર્ષ ૧૯૪૮ માં આવેલી ફિલ્મ “ચુનરિયા” ના ગીત “સાવન આયા હૈ” થી થઈ હતી. ધીમે ધીમે તેમણે પોતાની ગાયકીથી ૨૨૦૦ થી વધુ ફિલ્મોમાં જાદુ પાથર્યો અને એક અંદાજ મુજબ તેમની આખી કારકિર્દીમાં તેમણે લગભગ ૧૬,૦૦૦ જેટલા ગીતો રેકોર્ડ કર્યા છે. તેમણે માત્ર હિન્દી જ નહીં, પરંતુ ગુજરાતી, મરાઠી, બંગાળી, પંજાબી, ભોજપુરી, તમિલ, મલયાલમ, અંગ્રેજી અને રશિયન જેવી અનેક ભાષાઓમાં પોતાનો અવાજ આપ્યો છે.

તેમના અંગત જીવનની વાત કરીએ તો, તેમના લગ્ન બોલિવૂડના દિગ્ગજ અને સુપરસ્ટાર સંગીત નિર્દેશક આર.ડી. બર્મન (R.D. Burman) સાથે થયા હતા. આ જોડીએ હિન્દી સિનેમાને અનેક સદાબહાર અને સુપરહિટ ગીતો આપ્યા છે. વર્ષ ૨૦૦૮ માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Related posts

ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ

Master Admin

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરુ!

Master Admin

બદરી કેદારનાથ ધામમાં વિશેષ પૂજા માટે ફી વધારવાની તૈયારીઓ

Master Admin

Leave a Comment

Translate »