સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં વિજય રૂપાણી સામે રાજકોટ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ, તા.૭ માર્ચ ૨૦૨૬ — રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય ક્ષેત્રમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરી છે, જેને લઈને કોંગ્રેસના અન્ય નેતાઓ અને કાર્યકરોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગુજરાતના સૌથી ધનિક રાજકીય નેતાઓમાંના એક ગણાય છે અને ચૂંટણી દરમિયાન જાહેર કરેલી તેમની મિલકતોને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે.
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની સલામત બેઠક છોડીને તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે રાજકોટ-પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી હતી, જે તે સમયે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ચર્ચાયેલી બેઠક હતી. અગાઉ ૨૦૧૮માં તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, જોકે તેઓ લાંબો સમય આમ આદમી પાર્ટીમાં રહ્યા નહોતા અને કોંગ્રેસમાં પરત ફર્યા હતા.
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પોતે રાજકીય અને સામાજિક જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા હોવાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, “હું સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરું છું.
મેં આ અંગે શહેરના મોવડી મંડળને પણ જાણ કરી દીધી છે.” જોકે, હાલમાં તેઓ મીડિયા સમક્ષ આવવાનું ટાળી રહ્યા છે અને આ નિવૃત્તિ પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ કર્યું નથી.
ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટના રાજકારણમાં ખૂબ જ વગદાર ચહેરો ગણાય છે. તેમની રાજકીય કારકિર્દી અનેક વળાંકોથી ભરેલી રહી છેઃ તેઓ રાજકોટની પૂર્વ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે પણ ચૂંટણી લડ્યા હતા. થોડા સમય પહેલા તેઓ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી (છછઁ) માં જોડાયા હતા, પરંતુ ત્યાં લાંબો સમય ટકી શક્યા નહીં અને ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે ત્યારે ઈન્દ્રનીલ જેવા આર્થિક અને સામાજિક રીતે સદ્ધર નેતાની નિવૃત્તિ કોંગ્રેસ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. રાજકોટમાં કોંગ્રેસના સંગઠનમાં તેમનું વર્ચસ્વ રહ્યું છે, ત્યારે હવે તેમની ગેરહાજરીમાં પાર્ટી આગામી ચૂંટણીમાં કેવી રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું.
હાલ તો ઈન્દ્રનીલ રાજ્યગુરુના આ નિર્ણયથી રાજકીય ગલિયારાઓમાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. શું આ માત્ર રાજકીય નિવૃત્તિ છે કે પછી કોઈ મોટા ફેરફારની પૂર્વતૈયારી, તે તો આગામી સમય જ કહેશે.

