પાંચ ડિગ્રી સુધી તાપમાન વધવાની આગાહી
હવામાન વિભાગના વેધર રિપોર્ટમાં એમ પણ જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ – ગુજરાતમાં પવનની દિશા બદલાતા મહત્તમ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તરથી દક્ષિણ ભારત સુધી હવામાનમાં અનેક બદલાવો થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ માવઠા બાદ અચાનક ગરમીમાં વધારો થઈ રહ્યો છે. આજે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ ગુજરાતમાં બે દિવસ ગરમ અને ભેજવાળી હવાનું એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે આપેલા આજના વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં ત્રણથી પાંચ સે.નો ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન માટે આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં બેથી ત્રણસે.નો ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે વેધર રિપોર્ટમાં એલર્ટ આપતા જણાવ્યું છે કે, આગામી છઠ્ઠા અને સાતમા દિવસે (૪ અને ૫ માર્ચ)ના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતા રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના વેધર રિપોર્ટમાં એમ પણ જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. અમદાવાદની આગાહી કરતા જણાવ્યું છે કે, અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે. આવતી કાલ સુધીમાં મહત્તમ તાપમાન ૩૪ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી રહેવાની શક્યતા છે.
હિંદ મહાસાગરમાં રચાયેલું શક્તિશાળી વાવાઝોડું “હોરાસિયો” ૨૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી ગયું છે. હવામાનશાસ્ત્રીઓ તેને વર્ષનું સૌથી ખતરનાક વાવાઝોડું ગણાવી રહ્યા છે. જોકે તેની સીધી અસર ભારત પર નહીં પડે પરંતુ તેણે સમગ્ર ભારતીય ઉપખંડમાં હવામાનને અસ્થિર બનાવ્યું છે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે (ૈંસ્ડ્ઢ) આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં યલો એલર્ટ જારી કરી છે. કેરળના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાનની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં દિવસના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસોમાં મહત્તમ તાપમાન ૩થી ૫ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ગરમીનું મોજું વધુ તીવ્ર બની શકે છે. દરમિયાન, પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે પર્વતીય વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થઈ રહી છે.

