સુરત સાયબર ક્રાઈમે વધુ એકની કરી ધરપકડ
અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૯ ફેબ્રુઆરી ૨૦૨૬: સુરત સાયબર ક્રાઈમને મોટી સફળતા મળી હતી. ડિજિટલ એરેસ્ટ’ના નામે વૃદ્ધોને લૂંટતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો હતો. આરોપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એપ્રિલ ૨૦૨૫માં સુરતના એક વયોવૃદ્ધ નાગરિક સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ સીબીઆઈ ઓફિસર હોવાનો સ્વાંગ રચી વૃદ્ધને વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ ડરનું વાતાવરણ ઊભું કર્યું અને વૃદ્ધને એક અઠવાડિયા સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. માનસિક દબાણ હેઠળ વૃદ્ધે પોતાની મૂડીમાંથી ૨૨ લાખ રૂપિયા આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. કૃણાલસિંહની સઘન પૂછપરછમાં જીગ્નેશ સુનિલકુમાર શાહનું નામ સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં જાળ બિછાવી જીગ્નેશ શાહને ઝડપી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે જીગ્નેશ ગ્રેજ્યુએટ થયેલો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, એપ્રિલ ૨૦૨૫માં સુરતના એક વૃદ્ધને સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ પોતે સીબીઆઈ (ઝ્રમ્ૈં) ઓફિસર હોવાનું કહીને વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ વૃદ્ધને જણાવ્યું હતું કે “નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયા છે. તમારી સામે ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ થઈ શકે છે.” આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધને ઠગોએ એક અઠવાડિયા સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. આરોપીઓએ તેમની પાસેથી ૨૨ લાખ રૂપિયાથી વધુની રકમ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જીગ્નેશ શાહ આ ગેંગ માટે ‘બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડર’ તરીકે કામ કરતો હતો. તે કમિશનના લાલચે સાયબર ફ્રોડના પૈસા મેળવવા માટે ભાડે અથવા ડમી બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અન્ય કેટલાય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી કરી હોઈ શકે છે.

