Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City News

નરોડામાં સોસાયટીના કમિટી મેમ્બરના ત્રાસથી કંટાળીને યુવકનો આપઘાત

પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો

પાણીના બિલની કડક ઉઘરાણીથી કંટાળી યુવકે વીડિયો બનાવી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૨ ફેબ્રુઆરી ૨૦૨૬ – નરોડા રોડ નજીક આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય ધીરુભાઈ પટેલ પોતાના એક દીકરા અને બે દીકરીઓ સાથે વસવાટ કરે છે. ધીરુભાઈનો દીકરો ભાવેશ ભાડેથી વાહન ચલાવી પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોસાયટીમાં રહેતા કમિટી સભ્યો સંજય બાલધા અને ગિરીશ બાલધા બંને ભાઈ પાણીની લાઈનના મેન્ટેનેન્સની રકમ વસૂલવાની જવાબદારી સંભાળતા હતા.છેલ્લા છ મહિનાથી ધીરુભાઈના મકાનનું પાણીની લાઈનનું બિલ બાકી હોવાથી કમિટીના બંને સભ્યો વારંવાર તેમના ઘરે આવી કડક રીતે ઉઘરાણી કરતા હતા. વૃદ્ધ ધીરુભાઈ અને તેમના દીકરા ભાવેશે થોડા દિવસોમાં રકમની વ્યવસ્થા કરીને ચૂકવી દેવાની વાત કરી હોવા છતાં, સંજય અને ગિરીશ અપમાનજનક ટિપ્પણીઓ કરતા હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, તેમણે પાણીનું બિલ ભરવાની ક્ષમતા ન હોય તો જીવવાનો અધિકાર નથી, તેવી રીતે મેણાટોણા માર્યા હતા.આ ઘટનાથી આઘાત પામેલા ભાવેશે ફેસબુક પર એક વીડિયો બનાવી જાહેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે સંજય બાલધા અને ગિરીશ બાલધા, જે સોસાયટીના કમિટી સભ્યો છે, પાણીના બિલ બાબતે વારંવાર તેને હેરાનગતિ અને ધમકીઓ આપે છે અને તેમની આ વર્તણૂકને કારણે તે આપઘાત કરવાનો નિર્ણય લઈ રહ્યો છે. આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.આ સાથે ભાવેશે પોતાના પરિવારના વોટ્‌સએપ ગ્રૂપમાં ઝાક લુનદર કેનાલનું લોકેશન મોકલ્યું હતું. આ સંદેશો મળતાં જ વૃદ્ધ પિતા પાડોશમાં રહેતા અમિતભાઈને સાથે લઈને દીકરાને શોધવા તાત્કાલિક નીકળી પડ્યા હતા. આપેલા લોકેશન પર ભાવેશની ફોર વ્હીલર કાર મળી આવી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. બાદમાં ગત ૩૦ જાન્યુઆરીની વહેલી સવારે ભાવેશનો મૃતદેહ કડી નજીકની વણસોર કેનાલમાંથી મળ્યો હતો. દીકરાની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ વૃદ્ધ પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સંજય બાલધા અને ગિરીશ બાલધા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બંને આરોપી સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો, એક જ સમાજના બે જૂથ સામસામે

Master Admin

સ્વિગીના ‘શી ધ ચેન્જ’ 2026માં અમદાવાદની મહિલા રેસ્ટોરેટર્સનું સન્માન કરાયું

Master Admin

તંત્રની ઘોર બેદરકારી સામે રોષ: જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો કણો

Master Admin

Leave a Comment

Translate »