તંત્રીની કલમે….
વૈશ્વિક રાજકારણના ફલક પર અત્યારે પેસિફિક મહાસાગર શાંતિના પ્રતીકને બદલે સંઘર્ષનું કેન્દ્ર બની ગયો છે. ખાસ કરીને ચીન અને તાઈવાન વચ્ચેના દાયકાઓ જૂના વિવાદમાં અમેરિકાએ જે રીતે કડક વલણ અપનાવ્યું છે, તેણે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે. તાજેતરના અઠવાડિયામાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકન નૌકાદળની વધેલી હિલચાલ અને યુએસએ દ્વારા તાઈવાનના સમર્થનમાં આપવામાં આવેલા આક્રમક નિવેદનો સ્પષ્ટ કરે છે કે હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે. વૉશિંગ્ટન દ્વારા પેસિફિકમાં પોતાની સાતમી ફ્લીટને વધુ મજબૂત બનાવવી અને અત્યાધુનિક યુદ્ધજહાજોની તૈનાતી એ માત્ર લશ્કરી કવાયત નથી, પરંતુ બેઇજિંગને આપવામાં આવેલો સીધો સંકેત છે કે તાઈવાન પરના કોઈપણ સૈન્ય હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની સરકારે ’તાઈવાન પ્રોટેક્શન એક્ટ’ હેઠળ સંરક્ષણ સહાયમાં મોટો વધારો કર્યો છે. ચીન દ્વારા તાઈવાનની સરહદમાં વારંવાર કરવામાં આવતા વિમાન અને જહાજોના અતિક્રમણને રોકવા માટે યુએસએ હવે દક્ષિણ ચીન સાગરમાં પેટ્રોલિંગની સંખ્યા બમણી કરી દીધી છે. બીજી તરફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્પષ્ટ કર્યું છે કે તાઈવાનનું મુખ્ય ભૂમિ ચીન સાથે જોડાણ અનિવાર્ય છે અને તે માટે જરૂર પડ્યે સૈન્ય બળનો ઉપયોગ કરવામાં પણ સંકોચ રાખવામાં આવશે નહીં. આ બંને મહાસત્તાઓ વચ્ચેની ખેંચતાણે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને એક વિસ્ફોટક સ્થિતિમાં લાવી દીધું છે, જ્યાં એક નાની ભૂલ પણ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી શકે છે.
આ સંઘર્ષની વૈશ્વિક અસરો અત્યંત ગંભીર અને દૂરગામી હોઈ શકે છે. તાઈવાન માત્ર એક ટાપુ નથી, પરંતુ તે વૈશ્વિક ટેકનોલોજી ઉદ્યોગની કરોડરજ્જુ છે. વિશ્વના ૯૦ ટકાથી વધુ અત્યાધુનિક સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન તાઈવાનમાં થાય છે. જો આ ક્ષેત્રમાં યુદ્ધ ફાટી નીકળે તો સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોન, લેપટોપ, કાર અને સંરક્ષણ ઉપકરણોની સપ્લાય ચેઈન ઠપ્પ થઈ જશે. આર્થિક વિશ્લેષકોના મતે, જો તાઈવાનની સ્ટ્રેટ (સમુદ્રધુની) માંથી થતો વ્યાપાર અવરોધાય, તો વૈશ્વિક અર્થતંત્રને ટ્રિલિયન ડોલરનું નુકસાન થઈ શકે છે, જે ૨૦૨૦ ના રોગચાળા કરતાં પણ વધુ ભયાનક હશે. મોંઘવારીનો આંકડો આસમાને પહોંચશે અને વિશ્વભરમાં ઉર્જા કટોકટી સર્જાશે.
ભારત માટે આ પરિસ્થિતિ બેધારી તલવાર સમાન છે. એક તરફ, ભારતની સરહદો પર ચીન સાથે પહેલેથી જ એલએસી પર તણાવ ચાલી રહ્યો છે. જો પેસિફિકમાં યુદ્ધ થાય, તો ચીનનું ધ્યાન પોતાની પૂર્વી સરહદ પર કેન્દ્રિત થશે, જે ભારત માટે વ્યૂહાત્મક રીતે રાહત સમાન બની શકે છે. પરંતુ બીજી તરફ, ભારતનો મોટો વ્યાપાર આ સમુદ્રી માર્ગો દ્વારા થાય છે. જો વ્યાપારિક જહાજોના રૂટ બદલવા પડે, તો આયાત અને નિકાસના ખર્ચમાં મોટો વધારો થશે. વધુમાં, ભારત અત્યારે ચિપ મેન્યુફેક્ચરિંગ અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે સ્વનિર્ભર બનવા મથામણ કરી રહ્યું છે, જેના માટે તાઈવાનની ટેકનોલોજી અને રોકાણ ખૂબ મહત્વનું છે. યુદ્ધની સ્થિતિમાં આ પ્રોજેક્ટ્સ ખોરંભે ચડી શકે છે.
ભારતની વિદેશ નીતિ અત્યારે ખૂબ જ સાવધ છે. નવી દિલ્હીએ ક્વાડ (ઊેંછડ્ઢ) દેશો સાથે મળીને ફ્રી અને ઓપન ઈન્ડો-પેસિફિકની હિમાયત કરી છે, પરંતુ સીધી રીતે કોઈ સૈન્ય સંઘર્ષમાં ઉતરવાનું ટાળ્યું છે. જો કે, જે રીતે અમેરિકા હવે આ ક્ષેત્રમાં આક્રમક બન્યું છે, ભારત પર પણ કોઈ એક પક્ષે રહેવા માટે દબાણ વધી શકે છે. ભારત માટે મલાક્કા સ્ટ્રેટ જેવો સમુદ્રી માર્ગ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે, જ્યાં ભારતીય નૌકાદળ પોતાની હાજરી વધારી રહ્યું છે. આમ વિચારીએતો પેસિફિકમાં વધી રહેલી આ ગરમી માત્ર બે દેશો વચ્ચેનો સીમા વિવાદ નથી, પરંતુ તે ભવિષ્યની વૈશ્વિક સત્તા કોણ હશે તેની લડાઈ છે. અમેરિકાનું કડક વલણ લોકશાહીના રક્ષણ માટે છે કે પોતાના પ્રભુત્વને ટકાવી રાખવા માટે, તે ચર્ચાનો વિષય હોઈ શકે છે, પરંતુ તેનાથી ઉભું થયેલું અસ્થિરતાનું વાતાવરણ ચિંતાજનક છે. વિશ્વ અત્યારે રશિયા-યુક્રેન અને મધ્ય પૂર્વના સંઘર્ષોથી પહેલેથી જ ઘેરાયેલું છે, ત્યારે પેસિફિકમાં વધુ એક મોરચો ખુલવો એ માનવતા અને અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. ભારત જેવા દેશોએ હવે પોતાની ઉર્જા અને ટેકનોલોજી સુરક્ષા માટે વૈકલ્પિક આયોજનો ઝડપી બનાવવા પડશે, કારણ કે મહાસત્તાઓના આ જંગમાં તટસ્થ રહેવું એ સૌથી મુશ્કેલ કાર્ય બની રહેશે.
નરેન્દ્ર જોષી

