Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

પ્રવાસન સ્થળો પર હુમલાની ઈરાનની ધમકીઃ અમેરિકાએ સૈન્યબળ વધાર્યું

અમેરિકા-ઈઝરાયેલના હુમલાઓમાં ટોચના નેતાઓ ગુમાવ્યા પછી પણ ઈરાન હજુ અક્કડ

વિશ્વમાં કોઈ પણ સ્થળે દુશ્મનોની ખેર નથીઃ ઈરાનની આ ચીમકીએ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળો પર આતંકવાદી હુમલાઓની ભીતિ વધારી

(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ, તા.૨૧ માર્ચ ૨૦૨૬ — ઈરાને યુદ્ધની જ્વાળાઓને માત્ર ખાડી દેશો પૂરતી મર્યાદિત રાખવાના બદલે વિશ્વના અન્ય વિસ્તારોને પણ ભરખી જવાની ચીમકી આપી છે. વિશ્વમાં આવેલા પ્રવાસન સ્થળો તથા મનોરંજન મથકો પર ત્રાટકવાની ચીમકી આપવાની સાથે ઈરાને લાંબા સમયના યુદ્ધ માટે મિસાઈલોનું નિર્માણ ચાલી રહ્યું હોવાનો હુંકાર કર્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ જાહેર નિવેદનમાં યુદ્ધ દરમિયાન સાહસ દર્શાવવા બદલ નાગરિકોનો આભાર માન્યો છે. ઈરાન સાથેનું યુદ્ધ લાંબું ખેંચાય તો ખાડી દેશો બહાર પણ અશાંતિ ફેલાવાની દહેશત વચ્ચે અમેરિકાએ વધુ ત્રણ યુદ્ધ જહાજો અને ૨,૫૦૦ નૌસૈનિકોને ખાડી દેશો તરફ રવાના કર્યા છે. યુએસ-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના ટોચના નેતાઓ ઉપરાંત શસ્ત્ર ભંડારો અને ક્રૂડ-ગેસને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઈરાનને થયેલા નુકસાનની સચોટ વિગતો બહાર આવી નથી, પરંતુ ઈરાને વળતા હુમલા કરી પડોશી ખાડી દેશોમાં પવિત્ર રમઝાન માસ અને ઈદની ઉજવણીના રંગમાં ભંગ પાડી દીધો છે. ઈરાનમાં પણ પર્શિયન નવું વર્ષ નવરોઝ ઉજવાઈ રહ્યું છે. ઈરાનને પહોંચેલા નુકસાનનો અંદાજ માંડવામાં ભલભલા નિષ્ણાતો ગૂંચવાઈ રહ્યા છે ત્યારે ઈરાન એક પછી એક વ્યૂહાત્મક હુમલા કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ક્રૂડ અને ગેસની કિંમતોમાં ઉછાળા લાવી દીધા પછી ઈરાને હવે પ્રવાસન તથા મનોરંજન સ્થળો તરફ નજર દોડાવી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ લેખિત નિવેદનમાં જણાવ્યુ હતું કે, યુએસ-ઈઝાયેલને લાગતું હતું કે, સર્વોચ્ચ નેતાને ઠાર માર્યા પછી સરકારને ઉખાડી ફેંકવાનું સરળ રહેશે. આ કપરાસમયમાં ઈરાનના લોકોએ દેશભરમાં સંરક્ષણનો મોરચો સંભાળ્યો છે અને શત્રુઓને સણસણતો તમાચો ઝીંકી દીધો છે, જેના લીધે શત્રુઓ વિરોધાભાસી અને તર્કહીન નિવેદનો આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પિતા અયાતોલ્લાહ ખામેનેઈના મોત બાદ મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા છે. આ પદ મળ્યા પછી તેઓ ક્યારેય જાહેરમાં દેખાયા નથી. યુએસ-ઈઝરાયેલનું માનવું છે કે, ખામેનેઈ ઘાયલ થયા હોવાથી સારવાર હેઠળ છે. ખામેનેઈની પ્રત્યક્ષ હાજરીના અભાવમાં ઈરાની સૈન્યના પ્રવક્તા જનરલ અબોલફઝલ શેકારચીએ સમગ્ર વિશ્વને ચેતવણી આપી હતી કે, ઈરાનના શત્રુઓ દુનિયામાં કોઈ સ્થળે સલામત નહીં રહે. પાર્ક્સ, મનોરંજન વિસ્તારો અને પ્રવાસન સ્થળોને પણ છોડવામાં નહીં આવે. ઈરાનની આ ચીમકીને દબાણ વધારવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવે છે. જેમાં ઈરાન દ્વારા આતંકવાદીઓની મદદથી ખાડી દેશો બહારના પ્રદેશોમાં પણ અશાંતિ ઊભી કરવાના પ્રયાસ થઈ શકે છે.

Related posts

ટ્રમ્પનું રશિયાને અલ્ટીમેટમ, ઈરાન પર ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ઝીંક્યા

Master Admin

‘ઈઝરાયલના રાષ્ટ્રપતિને શરમ આવવી જોઇએ’ : ડોનાલ્ડ ટ્રમ્પ

Master Admin

પીએમ મોદીએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીનો કર્યો ઉલ્લેખ

Master Admin

Leave a Comment

Translate »