Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsPolitics

ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ

બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક

ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને એક વૃદ્ધને લોખંડની પાઈપ વડે ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૩૧ માર્ચ ૨૦૨૬ — અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ જાહેરમાં આતંક મચાવી ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. પેરોલ પર બહાર આવેલા રીઢા ગુનેગારે તેના સાગરીતો સાથે મળીને ભાજપના કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ કરી હતી અને એક વૃદ્ધને લોખંડની પાઈપ વડે ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

મળતી માહિતી અનુસાર, આ હિંસક હુમલા પાછળ જેલની મિત્રતા અને પૈસાની લેતીદેતી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી નલીન મિસ્ત્રીનો પુત્ર દેવાંગ અગાઉ સાબરમતી જેલમાં હતો, જ્યાં તેની મુલાકાત આરોપી જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી સાથે થઈ હતી. પેરોલ પર બહાર આવેલા જીગરે ગત ૨૮મી માર્ચના રોજ દેવાંગ પાસે ’ખર્ચા’ના પૈસાની માંગણી કરી હતી, જે બાબતે બંને વચ્ચે નિકોલમાં ઘર્ષણ થયું હતું.

આ જૂની અદાવત રાખીને ૩૦મી માર્ચની મોડી રાત્રે જીગર કાઠીયાવાડી, તેનો ભાઈ સેવુલ પટેલ અને અન્ય સાગરીતો હથિયારો સાથે નલીનભાઈના ઘરે પહોંચ્યા હતા. આરોપીઓએ ત્યાં તોડફોડ શરૂ કરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલી ભાજપ કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર રાખેલી તિજોરી, બોર્ડ અને શેડના પંખામાં તોડફોડ કરી હતી.અસામાજિક તત્ત્વોએ આસપાસ પાર્ક કરેલા રહીશોના વાહનોના કાચ તોડી નાખ્યા હતા. દેવાંગ ન મળતા આરોપીઓએ તેના પિતા નલીનભાઈને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લોખંડની પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાપુનગર પોલીસે નલીનભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોર્પોરેટરની ઓફિસની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, જેમાં આરોપીઓ તોડફોડ કરતા કેદ થયા છે. હાલમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

રાહુલ ગાંધીનો ગંભીર આરોપ : અદાણી કેસ અને એપસ્ટિન ફાઈલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી

Master Admin

શહેરના ૩ લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન

Master Admin

બંગાળ ચૂંટણી માટે કોંગ્રેસે ૨૮૪ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત

Master Admin

Leave a Comment

Translate »