સ્વતંત્રતા માટે જે-જે દેશોએ અભિયાન ચલાવ્યા એ બધાને વધાઇ સાથે રાષ્ટ્ર દેવો ભવ!
આખી દુનિયા હરી-ભરી છે એનું કારણ છે કૃષ્ણ.
બુદ્ધપુરુષનો એટલો અનુગ્રહ થઈ જાય કે પાત્ર અને અપાત્ર પણ ભુલાઈ જાય,પાત્રતા પણ વહી જાય.
અનુગ્રહ પાત્રતા જોતો જ નથી.
આપણી પાસે રહેલી ચાર વસ્તુ-શરીર,પ્રાણ,આત્મા અને પરમાત્મા-આ બધાની રક્ષા રામ કરે છે.
મોમ્બાસામાં સાતમા દિવસની કથાના આરંભે ભારતનો સ્વતંત્ર દિવસ અને સ્વાતંત્ર દિવસની બધાને વધાઈ સાથે આજ સવારે બાપુએ ખાસ કાર્યક્રમમાં બાપુના રાષ્ટ્રધ્વજ ફરકાવેલો.
સ્વતંત્રતા પર્વને યાદ કરતા બાપુએ કહ્યું કે જે લોકોએ પોતાના જીવનનું બલિદાન દીધું એ શહીદોને પણ સ્મરણ કરીએ છીએ.ભારત સંકીર્ણ નથી મહાભારત છે.સ્વતંત્રતા માટે જે-જે દેશોએ અભિયાન ચલાવ્યા એ બધાને વધાઇ સાથે બાપુએ કહ્યું કે રાષ્ટ્ર દેવો ભવ.આપણો રાષ્ટ્રધ્વજ-તિરંગો અનેક ભાવથી વ્યાખ્યાયિત થયો છે.કોઈએ સામાજિક રીતે,કોઈએ રાજ્યકીય રીતે,કોઈએ ધાર્મિક રીતે એનુમ અર્થઘટન કર્યું છે.પણ આજે બાપુએ આધ્યાત્મિક અર્થઘટન કરતાં કહ્યું કે અધ્યાત્મ બધા ધર્મોથી ઉપર છે.ઉપરનો જે ગેરુઓ ભગવો રંગ છે એ શિવજીનો રંગ છે.એ કોઈ સામાન્ય સંપ્રદાય ન સમજતા.આ ત્યાગ અને બલિદાનનું,શહીદીનું પ્રતીક છે.વિશ્વના કલ્યાણનો રંગ છે.ઉષા-લાલીમાં ગેરુવા રંગની હોય છે.આ પ્રકૃતિ અને અસ્તિત્વનો રંગ છે.બ્રહ્મા સંધ્યાની પાછળ ભાગ્યા એવી રૂપકની કથા પણ કહેવાઇ.એ જ રીતે લીલો રંગ એ કૃષ્ણનો છે. કૃષ્ણ હંમેશાં હરેલો ભરેલો રહ્યો છે.જ્યાં-જ્યાં કૃષ્ણ રહ્યો છે હંમેશા ત્યાં હરિયાળી રહી છે. આખી દુનિયા હરી-ભરી છે એનું કારણ છે કૃષ્ણ.
અને રામ શ્વેત રંગના છે.શ્વેત રંગ ઉદાસીનતાનું પ્રતીક છે.નિષ્કલંક ઉદાસીનતા એટલે શ્વેત.
તિરંગાની વચ્ચે જે ચક્ર છે એ બુદ્ધનું ધર્મ ચક્ર છે. આ તિરંગાનો આધ્યાત્મિક અર્થ છે.
આજે ફિલ્ડ માર્શલ જનરલ માણેકશાનો અદભુત પ્રસંગ કહેતા બાપુએ કહ્યું કે માણેકશા નિવૃત્ત થવાના હતા અને ૧૫ દિવસની વાર હતી.એ વખતે તેના ડ્રાઈવરે કહ્યું કે મારે નોકરીમાંથી રાજીનામું આપી દેવું છે.માણેકશાએ એને કહ્યું કે તારી નોકરી હજી ઘણી બાકી છે,મારે નિવૃત્ત થવાનું છે.છતાં પણ એણે કહ્યું કે નહીં હું હવે નોકરી નહીં જ કરું.ખૂબ જ રોયો. ત્યારે માણેકશાએ પૂછ્યું કે આવું કરવાનું કારણ શું છે? ત્યારે કહ્યું કે જેને માણેકશાની કાર ચલાવી હોય એ હવે કોઈની નોકરી ન કરી શકે.
અને એણે રાજીનામું સોંપી દીધું એનું રાજીનામું સ્વીકારાયું.પણ જનરલ માણેકશાએ એને કહ્યું કે જ્યારે મારે નિવૃત્તિનો સમારંભ હોય ત્યારે તું ખાસ આવજે,એ આવ્યો.અને નિવૃત્તિનો સમારંભ પૂરો થયો પછી જનરલ માણેકશાએ એના ડ્રાઇવરને બોલાવી અને કવર આપ્યું અને કહ્યું કે ઘરે જઈ અને પરિવાર પાસે આ કવર ખોલજે.બે-ત્રણ દિવસ પછી એક કવર ખોલ્યું.જેમાં જનરલ માણેકશાને હરિયાણાની ગવર્મેન્ટે ૨૫ એકર જમીન દાનમાં આપેલી એ બધી જમીન ડ્રાઇવરનાં નામે કરી દીધી! આ છે આમ અને ખાસનો સંબંધ!!
આજે ભંતેજી મૈત્રીએ એક પ્રશ્ન પૂછ્યો કે ખૂબ જ નાનું પાત્ર હોય અને એમાં ગંગાનું જળ સતત અને સતત ભરાતું જ રહે,ભરાતું જ રહે,રોકાય નહીં;એવી જ દશા આશ્રિતની થતી હોય છે. કોઈ બુદ્ધ,ગુરુ સતત કૃપા વરસાવતા જાય તો એને કેમ પચાવવી? એ કૃપા ને કેમ બચાવવી? ત્યારે બાપુએ કહ્યું કે આશ્રિતે કોઈ ચિંતા ન કરવી જોઈએ.બસ એટલું ધ્યાન રાખવું એનું પાત્ર ઊંધું ન થવા દેવું.પાત્રમાં કોઈ છિદ્ર ન થઈ જાય અને પાત્રમાં કોઈ મલિનતા કે કચરો ન આવી જાય.બુદ્ધપુરુષનો એટલો અનુગ્રહ થઈ જાય કે પાત્ર અને અપાત્ર પણ ભુલાઈ જાય. પાત્રતા પણ વહી જાય,આવી વાત બાપુએ કરી. અનુગ્રહ પાત્રતા જોતો જ નથી.
આપણી પાસે ચાર વસ્તુ હોય છે:શરીર,પ્રાણ, એનાથી પણ અંદર સૂક્ષ્મ આત્મા અને સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને વિરાટથી વિરાટ પરમાત્મા.આ બધાની રક્ષા રામ કરે છે.આપણા શરીરની સજાવટ આપણે કરીએ છીએ,રક્ષા રામ કરે છે. સીતાજી અગ્નિમાં રહ્યા હનુમાનજી પણ અગ્નિમાં રહ્યા એની રક્ષા રામે કરી છે.લક્ષ્મણના પ્રાણની રક્ષા રામે કરી છે.આત્મ રક્ષા પણ રામ કરે છે.એ જ રીતે આપણી અંદર રહેલા પરમાત્માની રક્ષા રામ કરે છે.મનની રક્ષા ચંદ્ર કરે છે.સૂર્યની રક્ષા રામ કરે છે.બધા જ અષ્ટ તત્વોની રક્ષા રામ કરે છે.વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા પણ રામ કરે છે અને અહલ્યાની રક્ષા પણ રામ કરે છે.
છ પ્રકારના મૃત્યુમાં કાલ મૃત્યુ,અકાલ મૃત્યુ,એરેન્જ મૃત્યુ,સહજ મૃત્યુ,ઈચ્છા મૃત્યુ-એવા પ્રકારો હોય છે રામ જન્મ પછી એક મહિના સુધી ઉત્સવ ઉજવાયો એ પછી રામ અને ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર,યજ્ઞોપવિત સંસ્કાર,વિદ્યા સંસ્કાર થયા અને વિશ્વામિત્ર યજ્ઞ રક્ષા માટે રામ લક્ષ્મણને લઈ અને જનકપુરીમાં પ્રવેશ કરે છે.રસ્તામાં મારિચને દંડ આપે છે સુબાહુ અને તાડકાનો વધ કરે છે અને જનકપુરમાં એક રાત્રી મુકામ કરે છે.