Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
editorial

રાજદ્વારી તણાવ અને રાષ્ટ્રીય હિતઃ વૈશ્વિક મંચ પર ભારતની કસોટી

તંત્રીની કલમે….

આંતરરાષ્ટ્રીય સંબંધોના ઈતિહાસમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો અત્યારે સૌથી કપરા અને અણધાર્યા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. દાયકાઓ જૂની મિત્રતા અને મજબૂત વ્યાપારી સંબંધો ધરાવતા આ બે લોકશાહી દેશો વચ્ચે આજે જે ખાઈ સર્જાઈ છે, તે માત્ર એકાદ ઘટનાનું પરિણામ નથી, પરંતુ તે વર્ષોથી સેવવામાં આવેલી ઉપેક્ષા અને બદલાતા વૈશ્વિક સમીકરણોની દેણ છે. ભારત માટે આ માત્ર એક વિદેશ નીતિનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વની રક્ષા માટેનો એક મક્કમ પડકાર છે. ’નવા ભારત’ની આક્રમક અને સ્પષ્ટ વિદેશ નીતિએ પશ્ચિમી જગતને એ સંદેશ આપી દીધો છે કે હવે ભારતને દબાવવું કે તેના આંતરિક મુદ્દાઓમાં દખલ કરવી શક્ય નથી.

કેનેડા સાથેના આ ગંભીર ગજગ્રાહના કેન્દ્રમાં ત્યાંની વર્તમાન સત્તાધારી વ્યવસ્થાની આંતરિક મજબૂરીઓ સ્પષ્ટ દેખાય છે. જસ્ટિન ટ્રુડોના નેતૃત્વ હેઠળની સરકાર જ્યારે ઘરઆંગણે આર્થિક મોરચે અને લોકપ્રિયતાના સ્તરે સંઘર્ષ કરી રહી છે, ત્યારે વોટબેંકના સમીકરણો સાચવવા માટે ભારત વિરોધી ઉગ્રવાદી તત્વોને છાવરવાની નીતિ દ્વિપક્ષીય સંબંધો માટે ઘાતક સાબિત થઈ છે. કોઈ પણ પુરાવા વિના ભારતીય રાજદ્વારીઓને તપાસના ઘેરામાં લાવવાનો કેનેડિયન એજન્સીઓનો પ્રયાસ આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારની સીમાઓ ઓળંગવા સમાન છે. ભારતે પણ સમય વેડફ્યા વિના આ ’રાજકીય પ્રેરિત’ એજન્ડાનો જડબાતોડ જવાબ આપીને પોતાના ઉચ્ચ સ્તરીય રાજદ્વારીઓને પરત બોલાવવાનો જે ઐતિહાસિક નિર્ણય લીધો, તેણે સાબિત કર્યું છે કે ભારત માટે રાષ્ટ્રીય ગૌરવ કોઈ પણ સંબંધોથી ઉપર છે.

માત્ર સાત સમંદર પારના દેશો જ નહીં, પરંતુ ભારતના પાડોશમાં પણ સ્થિતિ અત્યંત ગૂંચવણભરી અને પડકારજનક છે. બાંગ્લાદેશમાં થયેલા અચાનક સત્તા પલટા બાદ ત્યાં સર્જાયેલી અસ્થિરતા અને ભારત વિરોધી સુરના ઉદયે નવી દિલ્હીની ચિંતામાં વધારો કર્યો છે. પડોશી દેશોમાં ચીનનું સતત વધતું વ્યૂહાત્મક રોકાણ અને માલદીવ જેવા ટાપુ રાષ્ટ્રોમાં બદલાતી જનભાવના ભારતની ’નેબરહૂડ ફર્સ્ટ’ નીતિ માટે કસોટી સમાન છે. દક્ષિણ એશિયામાં પોતાના પ્રભુત્વને અકબંધ રાખવા માટે ભારતે અત્યારે અત્યંત ધીરજ અને મુત્સદ્દીગીરીથી કામ લેવું પડશે. પાડોશી દેશોની ધરતી પરથી ભારત વિરોધી ગતિવિધિઓનું સંચાલન ન થાય તે સુનિશ્ચિત કરવું એ ભારતની સુરક્ષા વ્યૂહરચનાનો મુખ્ય સ્તંભ છે.

આજનું ભારત કોઈ પણ વૈશ્વિક જૂથબંધીમાં ફસાયા વગર પોતાની ’વ્યૂહાત્મક સ્વાયત્તતા’ જાળવી રાખવા પૂરી રીતે સક્ષમ છે. પશ્ચિમી દેશો જ્યારે ભારતને લોકશાહી અને નૈતિકતાના પાઠ ભણાવે છે, ત્યારે ભારત તેની સુરક્ષા ચિંતાઓને સર્વોપરી રાખીને જડબાતોડ પ્રત્યુત્તર આપે છે. ગ્લોબલ સાઉથના નેતા તરીકે ભારતનો જે રીતે ઉદય થયો છે, તેણે દુનિયાને એ સ્વીકારવા મજબૂર કરી છે કે એશિયાની આ શક્તિ વિના વૈશ્વિક શાંતિ કે સ્થિરતા શક્ય નથી. ય્૨૦ થી લઈને વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતની વધતી દખલગીરી એ વાતનું પ્રમાણ છે કે હવે ભારત ટેબલ પર માત્ર બેસવા માટે નહીં, પરંતુ એજન્ડા નક્કી કરવા માટે હાજર રહે છે.

આંતરરાષ્ટ્રીય રાજનીતિના આ કઠિન પથ પર ભારતની સફળતા તેની અણનમ રાજકીય ઈચ્છાશક્તિ અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટેની મક્કમતા પર નિર્ભર છે. કેનેડા હોય કે પડોશી દેશો, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે સહકાર હંમેશા પરસ્પર સન્માનના પાયા પર જ ટકેલો હોવો જોઈએ. ૨૦૪૭ના વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધતી વખતે આવા રાજદ્વારી અવરોધો આવતા રહેશે, પરંતુ તેને પાર કરીને વૈશ્વિક મહાસત્તા બનવાની ભારતની યાત્રા હવે અટકવાની નથી. વિશ્વ હવે ભારતને એક એવી નિર્ણાયક શક્તિ તરીકે જુએ છે, જે પોતાના હિતો માટે દુનિયાની મોટી તાકાતો સામે પણ નમવા તૈયાર નથી.

નરેન્દ્ર જોષી

Related posts

સાર્વભૌમત્વ વિરુદ્ધ પશ્ચિમી દબાણ : ભારતની સુરક્ષા નીતિની અગ્નિપરીક્ષા

Master Admin

સેરેમિક ઉદ્યોગ : માત્ર વિસ્તરણ નહીં, હવે એફિશિયન્સીનો યુગ

Master Admin

ભારત અને જર્મની વચ્ચેના સંબંધોમાં નૂતન સૂર્યોદયઃ વ્યૂહાત્મક ભાગીદારીના નવા આયામો

Master Admin
Translate »