Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

રાજસ્થાનમાં રોજગાર કચેરીના ચોપડે નોકરીઓનો દુકાળ!

૨૨ લાખ બેરોજગારો છતાં

છેલ્લાં પાંચ વર્ષમાં એક પણ ઉમેદવારને સરકારી નોકરી અપાવી શકી નથીઃ આરટીઆઈમાં ખુલાસોે

(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર, તા.૧૮ માર્ચ ૨૦૨૬ — રાજસ્થાનમાં એક આરટીઆઈ કાર્યકર્તા દ્વારા કરાયેલી આરટીઆઈએ દેશમાં બેરોજગારીની સ્થિતિ કેટલી હદે વકરી છે તેનો ચિતાર રજૂ કર્યો છે. માહિતીના અધિકાર હેઠળ હાંસલ કરાયેલી વિગતો અનુસાર, રાજસ્થાનમાં આવેલી વિવિધ રોજગાર કચેરીઓમાં હાલ ૨૨ લાખ બેરોજગાર યુવાનો નોંધાયેલાં છે. એટલું જ નહીં, છેલ્લાં પાંચ વર્ષમાં રોજગાર કચેરીના માધ્યમથી એક પણ બેરોજગારની સરકારી ક્ષેત્રોમાં નિમણૂક થઈ નથી.ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ દ્વારા ઉપલબ્ધ બનાવાયેલી માહિતી અનુસાર, વિવિધ જિલ્લાઓમાં આવેલી રોજગાર કચેરીઓમાં નોંધાયેલાં નોકરીવાંચ્છુઓની સંખ્યા ૧૪ જાન્યુઆરીના રોજ ૨૨,૨૧,૩૧૭ હતી. જેમાં ૧૩.૦૮ લાખ પુરુષો, ૯.૧૨ લાખ મહિલાઓ તથા ૯૮૯ અન્ય કેટેગરીના બેરોજગારોનો સમાવેશ થાય છે. જયપુરમાં સૌથી વધુ ૨.૫૧ લાખ બેરોજગારો નોંધાયેલાં છે. બીજા ક્રમે અલ્વરમાં ૧.૫૩ લાખ, નાગૌરમાં ૧.૩૪ લાખ, ઝુંઝુનુમાં ૧.૨૨ લાખ તથા જોધપુરમાં ૮૬, ૩૨૦ બેરોજગારોએ નોંધણી કરાવેલી છે. જ્યારે તેનાથી વિપરીત જેસલમેરમાં માત્ર ૧૨,૩૦૧ તથા પ્રતાપગઢમાં ૧૪,૦૪૭ બેરોજગારોએ નોંધણી કરાવેલી છે. માહિતીના જાતિ આધારીત વિશ્લેષણ અનુસાર, રોજગારી માટે નોંધણી કરાવનારાઓમાં સૌથી વધુ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના યુવાનો છે, તે પછી અનુક્રમે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી તથા અન્ય વર્ગના લોકો છે.આ અરજી કરનારા ચંદ્ર શેખર ગુપ્તાના જણાવ્યાં અનુસાર, છેલ્લાં બે દાયકામાં ખાનગી ક્ષેત્રએ અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે. આ ક્ષેત્રે કરોડોનું રોકાણ થતું હોવા છતાં રોજગાર કચેરીઓ દ્વારા ઉપલબ્ધ બનાવાતી નોકરીઓનું પ્રમાણ સાવ નહીંવત્ છે. રોજગાર નિયામકની કચેરી દ્વારા સરકારી ક્ષેત્રોમાં કાયમી અને હંગામી નોકરી અપાવવાનું સદંતર બંધ જ થઈ ગયું હોય તેમ જણાય છે. આ મુદ્દે બચાવ રજૂ કરતાં રોજગાર નિયામક કચેરીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિભાગ દ્વારા રોજગાર સંદેશ નામનું પખવાડિક પ્રકાશિત કરવામાં આવે છે. આ ઉપરાંત સમયાંતરે રોજગાર મેળાઓ પણ યોજવામાં આવે છે.

Related posts

બાંગ્લાદેશમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારતનો વધુ એક મોટો નિર્ણય

Master Admin

યુપીમાં બંધ મકાનમાં ૫ લોકોના મૃતદેહ મળ્યાં

Master Admin

ઈન્સ્ટામાંથી એનક્રિપ્શન હટતાં ૩૦૦ કરોડ યુઝર્સની પ્રાઈવસી જોખમમાં

Master Admin

Leave a Comment

Translate »