Nirmal Metro Gujarati News
article

રામચરિત માનસ માર્ગી ગ્રંથ છે

 

આકાશ માર્ગ એ જ્ઞાનીઓનો માર્ગ છે.

પૃથ્વી એ સાધના,ઉપાસના,કર્મમાર્ગ છે.

જળચર માર્ગ એ પ્રભુની કૃપાનો માર્ગ છે.

પથ્થરનો સેતુ એ પુરુષાર્થ અને કર્મનો માર્ગ છે. પોતાના લાભ માટે સામેવાળાનું શુભ ખંડિત ન થાય એનું ધ્યાન રાખો.

 

દક્ષિણ અમેરીકી પ્રાંત લિટલ રોકનાં મનોરમ આર્કાન્સામાં ચાલી રહેલી રામકથા છઠ્ઠા દિવસમાં પ્રવેશી.અનેક પ્રકારની જિજ્ઞાસાઓ અને લેખન સામગ્રી વ્યાસપીઠ પર આવતી રહે છે.

આજે બાપુએ જણાવ્યું કે રામચરિત માનસ માર્ગી ગ્રંથ છે.એમાં કેટલાયે પ્રકારનાં માર્ગ અને કેટલાયે માર્ગી દેખાય છે.માર્ગીનાં પરિચયમાં ખૂબ પૌરાણિક એવું પદ પણ કોઇએ મોકલ્યું.માર્ગી સાધુઓની અસ્મિતાનાં આ પદમાં કહે છે:

મારગે ચાલે તે માર્ગી આડેધડ જાય તે આડોદ,

મોટો પંથ માર્ગી તણો અઢારેય વર્ણનો ધર્મ.

માનસમાં અનેક માર્ગ ને દરેક માર્ગનાં સફળ માર્ગીઓ પણ છે.જેમાં એક દ્રશ્ય લંકાકાંડનું,યુધ્ધ શરૂ થવાનું છે ને સેતુબંધની રચના થઇ.શત જોજન સાગરને બાંધવામાં આવ્યો.ભગવાન સાથે એટલી ભીડ છે ૧૮ પદ્મ તો જૂથપ(નાયક-સેનાપતિ)હતા.સેતુ માર્ગ બની ગયો છે ત્યારે ગોસ્વામીજી ત્રણ પ્રકારનાં માર્ગની રચના સાંકેતિક રૂપમાં કહે છે.એક તો સેતુબંધ.બીજો-જે સમર્થ હતા,જે પાંખવાળા હતા એ બધા આકાશ માર્ગે યાત્રા કરવા લાગ્યા.તો પણ એટલી બધી ભીડ હતી બાકી રહ્યા.એમાં જળચર પ્રાણીઓ,જે અતિશય વિશાળકાય હતા એ સમુદ્રમાં ઉપર આવ્યા અને એના શરીરની ઉપરથી પસાર થવા લાગ્યા.

અહીં એક વૈજ્ઞાનિક વિચાર વિશેની વાત કરતા બાપુએ કહ્યું કે મેં વાંચેલું કે દસ હજાર વર્ષ પહેલા જળચર પ્રાણીઓ ભયંકર વિશાળકાય હતા.જોકે એ કઈ રીતે મરી ગયા એની કોઈ માહિતી નથી પણ આધ્યાત્મિક સત્ય એ પણ છે કે મહાકાય પ્રાણી પોતાના જ બોજથી મરી ગયા.

સેતુબંધ સાંકડો અને ભીડ ખૂબ જ વધારે,શું કરવું? ત્યારે રામે કહ્યું કે સમર્થ હોય એ ઉડીને પાંખ દ્વારા આગળ વધો.તો પણ ભીડ હતી ત્યારે કહ્યું કે જળચર પ્રાણીની ઉપર પગ રાખીને ચાલો.

કહેવામાં આવ્યું કે જળ ચંચળ,સાગર ચંચળ, જળચર પ્રાણીઓ પણ ચંચળ અને વાંદરાઓ પણ ચંચળ!ડૂબી તો નહીં જઈએ ને?ત્યારે રામ કહે છે કે આ બધા જ મને જોવામાં એટલા તન્મય થઈ ગયા છે કે સ્હેજ પણ હાલશે નહીં.

તો આ રીતે આકાશ માર્ગ એ જ્ઞાનીઓનો માર્ગ અને પૃથ્વી એ સાધના,ઉપાસના,કર્મમાર્ગ.જળચર માર્ગ એ પ્રભુની કૃપાનો માર્ગ હતો.

આકાશ માર્ગે જાવું હોય તો પાંખો જોઈએ.કઈ પાંખ? રામાયણ અને ગીતા મારી અંતર આંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાંખો.

જ્ઞાનમાર્ગના માર્ગી બનવું હોય તો રામાયણ અને ગીતા સાથે રાખો.

બેરખા વિશે વાત કરતા કહ્યું કે ઘણા બે ત્રણ કે તેથી પણ વધારે બેરખા રાખે છે.તમારી બેરૂખી માટે બેરખો છે.શક્ય બને તો એક જ બેરખો રાખો.ગળામાં માળા પણ એક જ રાખો અને તુલસીની માળા હોય તો એનો મેરુ રૂદ્રાક્ષ રાખો!મંત્ર પણ એક રાખો.

ગરુડ મહાજ્ઞાની,કાગભુશુંડી મહાન વિવેકી,વાલ્મિકી કોયલ,શુકદેવ પોપટ અને હનુમાનજી આકાશ માર્ગી આ બધા જ જ્ઞાન માર્ગી છે.

પથ્થરનો સેતુ એ પુરુષાર્થ અને કર્મનો માર્ગ છે. પોતાના લાભ માટે સામેવાળાનું શુભ ખંડિત ન થાય એનું ધ્યાન રાખો.

ત્રીજો કૃપાનો માર્ગ આપણા જેવા લોકો માટે કારણ કે ગગન માર્ગ કે પુરુષાર્થ માર્ગ આપણા માટે સહજ નથી.

સુગ્રીવ વિષયી માર્ગનો માર્ગી,ગૃહરાજ સાધક માર્ગનો અને વિભીષણ સિદ્ધ માર્ગનો યાત્રી છે.

કથા પ્રવાહમાં રામ પ્રાગટ્ય પછી એક મહિનાનો દિવસ થયો.ચારે રાજકુમારોનાં નામકરણ સંસ્કરણ થયા.

અહીં એક નામ પૂરી દુનિયાને આરામ આપે છે,એક નામ આખી દુનિયાને પોષણ કરે છે,એક નામ આખી દુનિયાને મુક્ત કરે છે અને એક નામ આધાર બને છે એ રીતે રામ,ભરત,શત્રુઘ્ન અને લક્ષ્મણનાં નામ પાડવામાં આવ્યા.યજ્ઞો પવિત સંસ્કાર થયા.સોળ સંસ્કાર,શૃંગાર પણ સોળ.શૃંગાર બાહરી વસ્તુ અને સંસ્કાર ભીતરી વસ્તુ છે.

વિદ્યા સંસ્કાર થયા એ પછી વિશ્વામિત્રનું આગમન થયું.યજ્ઞરક્ષા માટે રામ લક્ષ્મણની માગણી કરી અને રામ લક્ષ્મણ વિશ્વામિત્રની યાત્રા શરૂ થઈ.એક જ બાણથી તડકાના પ્રાણ હરીને રામે પોતાના લીલા કાર્યનો આરંભ કર્યો.રસ્તામાં અહલ્યા ઉદ્ધારની કથા અને એ પછી જનકપુરમાં પહોંચીને રાત્રિ નિવાસ ત્યાં કરવામાં આવ્યો.

 

કથા-વિશેષ

ગુજરાતની માર્ગી ગણાતી જાતિઓ:

ગુજરાતમાં કેટલીય માર્ગી વસતિ છે જે વિચરતિ જાતિ તરીકે ઓળખાય છે.તેમાં:

બજાણિયા,ભાંડ,બહુરૂપી,ગારૂડી, કાઠોડી,નાથબાવા,કોટવાળિયા,તુરી, વંટોળિયા,વાદી,જોગી,વાંસફોડા,બાવાવૈરાગી,ભવાયા,તરગાળા,નાયક, ભોજક,મારવાડા,સરાણિયા,ગરો, દેવીપૂજક,બાવરી,ઓડ,પારધી,

રાવૈયા,રાવળ,સિકલીગર,વણઝારા,ભોપા,ગાડૈયા,

કાંગશિયા,લુવારિયા,વાટિયા,ચારણ, ગઢવી,ચામઠા,સલાટ,ડફેર,

બાપુએ કહ્યું કે આ મારગીઓ નિરંતર લોક મંગલ માટે રખડતા રહે છે.જેમાં પરમ માર્ગી સાધુ બાવા જે વૈરાગી બાવા તરીકે ઓળખાય છે.ને ઉમેર્યું કે મૈને સબ દેખા હૈ,મૈં ખુદ માર્ગી હું ઔર યે માર્ગીપના લોગોં કો મદદ કરને કે લિયે હૈ.

Related posts

લાઈફમાં ઘણો સ્ટ્રેસ રહે છે

Master Admin

કથા ઉપદેશ નહિ,સ્વાધ્યાય છે

Reporter1

City to host Aabra Ka Dabra Kids Carnival: A unique blend of fun and social impact

Reporter1
Translate »