જે ક્ષમા માંગે એ વીર અને જે ક્ષમા આપી દે એ મહાવીર છે.
વાણી,મન અને શરીર ત્રણેય સ્થિર કરીને બેસે એ વૈરાગ્યનું લક્ષણ છે.
જેનાં મા-બાપ શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ વૈરાગી જ હોય.
વાણીનું નિયંત્રણ એ વૈરાગ્યનું લક્ષણ છે.
આપણા જીવનમાં આવતા વિઘ્નોને હટાવે એ વૈરાગી છે.
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે આપણી વિદ્યા કોઈ બુદ્ધપુરુષ પાસે રજૂ થાય ત્યારે સાધુતામાં ન્હાઈ લે છે-ગઈકાલના સાયંકાલના પ્રેમસભાનાં કાર્યક્રમની વાત કરીને પાંચમા દિવસની રામકથાનો પોલેન્ડથી બાપુએ આરંભ કર્યો ને જણાવ્યું કે કથા જ આપણી કંઠી,કથા જ આપણી જનોઈ અને કથા જ આપણી મુદ્રા છે.
આજે સંવત્સરીનો દિવસ,આજના દિવસે ક્ષમા માંગીએ.સાથે તુષાર શુક્લએ લખેલું એક વાક્ય કહ્યું કે જે ક્ષમા માંગે એ વીર અને જે ક્ષમા આપી દે એ મહાવીર છે.
બાપુએ ઉમેર્યું કે તમારે ક્ષમા માગવાની જરૂર નથી અને ક્ષમા આપનાર હું કોણ!-એવું માનનાર પરમવીર છે.
તુલસીજી ક્ષમાને અગ્નિ કહે છે.
આજે ગણેશ ચતુર્થી છે અને વૈરાગ્યની વાત ચાલે છે ત્યારે ગણેશ વૈરાગી છે.ગણોના ઇશ,પ્રથમ પૂજ્ય છે આટલા મોટા છતાં એનું વાહન ઉંદર એટલે વૈરાગી છે.ગણપતિને તણખલું-દુર્વા સમર્પિત થાય છે.(દુર્વા એને ધરો કહે છે-એનો રસ પીવાથી ડાયાબિટીઝ મટી જાય છે,કારણ કે ગણેશ મોદક પ્રિય છે એવું પણ કહેવાય છે).
અહીં તણખલું અર્પણ કરવાનો મતલબ તમામ સિદ્ધિઓને તૃણ સમ ત્યાગી છે.ગણેશજી ક્યારેય ક્રોધ નથી કરતા.રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં લોભી નથી વિવક્ત દેશસેવી(એકાંત સ્થાનમાં બેસવા વાળા)છે, જે વૈરાગ્યનું લક્ષણ છે.વાણી,મન અને શરીર ત્રણેય સ્થિર કરીને બેસે એ વૈરાગ્યનું લક્ષણ છે.જેનાં મા-બાપ શ્રદ્ધા અને વિશ્વાસ હોય એ વૈરાગી જ હોય ગીતા કહે છે કે વાણીનું નિયંત્રણ એ વૈરાગ્યનું લક્ષણ છે.આપણા જીવનમાં આવતા વિઘ્નોને હટાવે એ વૈરાગી છે.
આજે સંવત્સરી,મહાવીર સ્વામીના વૈરાગ્ય વિશે તો શું કહેવું!ઓશો કહેતા કે મહાવીર સ્વામીએ કપડા છોડ્યા નથી પણ સહજતાથી છૂટી ગયા છે.
અહીં ફૂલછાબના પૂર્વ તંત્રી કૌશિક મહેતાએ લખેલી કવિતાને વાંચીને બૈરાગી રાગમાં એને કમ્પોઝ પણ કરવામાં આવી.
બાપુએ કહ્યું કે હાથથી છૂટે એ ત્યાગ અને હાર્ટથી છૂટે એ વૈરાગ છે.જ્યાં વૈરાગ્ય આવે ત્યાં સંન્યાસ હશે જ,પછી એ કોઈપણ કપડામાં હોય.
ઉત્તરકાંડનાં એક દ્રશ્યનું ક્રમશઃ ગાયન કરીને કાગભુશુંડી વિશે પાર્વતીને થયેલા પ્રશ્ન વિશે શંકર કહે છે કે કોટિ કોટિ વિરક્તમાં કોઈ એક જીવનમુક્ત હોય છે.
રામજન્મ પછી નામકરણ,યજ્ઞોપવિત અને વિદ્યા સંસ્કાર થયા.વિશ્વામિત્રની સાથે રામ-લક્ષ્મણનું ગમન,રસ્તામાં અહલ્યાંનો ઉદ્ધાર બાદ જનકપુરમાં ધનુષ્યભંગ અને પરશુરામજીનો સંક્ષિપ્ત પ્રસંગ કહી કન્યા વિદાય પછી અયોધ્યામાંથી વિશ્વામિત્ર ઋષિનું ફરી પાછું વનગમન થયું અને બાલકાંડની સમાપ્તિ થઈ.
સીતારામજીનાં વિવાહના ઉપલક્ષમાં આજની કથા સીતારામજીના ચરણોમાં અર્પણ કરીને વિરામ અપાયો.
Box
કોઈ બુદ્ધપુરુષ પાસે રજૂ કરવાથી વિદ્યામાં સાધુતા આવે છે
ગૌતમ ઋષિ પાસે સત્યકામ વિદ્યા પ્રાપ્તિ માટે જાય છે.અદભુત પ્રસંગ છે અને ભારતીય જ આવું કરી શકે એવો પ્રસંગ છે.ગૌતમ પૂછે છે કે તારું ગોત્ર કયું છે? પ્રસિદ્ધ સત્યથી ભરેલી આ વાત છે.દોડીને સત્યકામ પોતાની માતા જાબાલી પાસે જાય છે અને પૂછે છે કે આપણું ગોત્ર કયું છે ત્યારે મા કહે છે કે તું મારો પુત્ર છો.ગુરુને કે’જે કે અમારું ગોત્ર સત્યકામ જાબાલ છે.પાછળ મારું નામ લગાવી દેજે.માનો ગર્ભ જ આપણો નહીં,મા પણ આપણી ગોત્ર બની જાય છે.દોડીને પાછો આવ્યો અને ગુરુને કહ્યું કે મારું ગોત્ર સત્યકામ જાબાલ છે ત્યારે ગૌતમે કહ્યું કે તારા ચહેરાની પ્રસન્નતા,તારું તેજ જોઈને હું કહી શકું છું કે બ્રાહ્મણેત્તર કોઈ આવો જવાબ આપી જ ન શકે.
યજ્ઞોપવિત સંસ્કાર કર્યો,કોઈ મંત્ર પણ ન આપ્યો, ઉપદેશ પણ ન આપ્યો અને કહ્યું કે આ ૫૦૦ ગાયો છે,લઇ જા ૧૦૦૦ ગાય બની જાય ત્યારે પાછો આવજે.
પણ તારા શબ્દોમાં સત્ય જોઈને એક પ્રશ્ન પૂછું છું કે તે ક્યાંથી વિદ્યા પ્રાપ્ત કરેલી છે?ત્યારે સત્યકામ કહે છે કે પહેલા દેવતાઓ પાસેથી મળી,ઉર્ધ્વલોક એટલે કે સરસ્વતી પાસેથી,સદગ્રંથો પાસેથી મહાપુરુષની દ્રષ્ટિમાંથી,એના સ્પર્શથી અને આચાર્ય પાસેથી મેં વિદ્યા મેળવી છે.ત્યારે ગૌતમ પૂછે છે કે તો પછી તું મારી પાસે શું કામ આવ્યો છે?
ત્યારે સત્યકામ કહે છે કે કોઈ બુદ્ધપુરુષ પાસે જવાથી આપણી વિદ્યામાં સાધુતા આવી જાય છે માટે કોઈ પણ કળા,વિદ્યા બુદ્ધપુરુષને અર્પણ કરવી જોઈએ.