આપણા માટે તો ગુરુ જ ઉપાય છે.
પ્રપત્તિ કર્મ પણ નથી,ન વિશેષણ,ન સંજ્ઞા,ન કૃદંત કે ન સર્વનામ-એ માત્ર એક ભાવદશા છે.
અધ્યાત્મમાં બિભત્સ રસ એટલે નીંદારસ.
જેને આખા જગતને પ્રેમ કરવાની વૃત્તિ સિવાય કોઈ વૃતિ ના હોય એ સાધુ છે.
હિન્દુ બિંદુ પણ છે અને સિંધુ પણ છે.
પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ ક્યારેય નિંદાનો રસ જેનામાં ન હોય એ સાધુ છે.
ધનલક્ષ્મી,ગૃહલક્ષ્મી,પૃથ્વિલક્ષ્મી,વૈકુંઠલક્ષ્મી અને શુભલક્ષ્મી એ પંચલક્ષ્મી છે.
વેંકટેશ લક્ષ્મીપતિ બાલાજીની પરમ પવિત્ર ભૂમિ તિરુમલા ખાતે ચાલી રહેલી રામકથાનાં ચોથા દિવસે એક નવી માહિતી મળી કે ગુરુવારે પ્રભુ વેંકટેશ ભગવાનની આંખો ખોલવામાં આવે છે.જોકે એનો મતલબ પંડિતો અને તેના સેવકોને ખબર પડે.પણ ગુરુદ્વારે જ આપણી આંખો ખુલી જાય છે. શરણાગતિ માત્ર અધિકારી વિશેષણ છે,ઉપાય તો માત્ર લક્ષ્મીનારાયણ છે-એવું વાક્ય અહીંના એક ભયંકર નામક મઠમાં લખેલું હતું.પ્રપત્તિને વિશેષણ માને પણ ઉપાય નથી માનતા.જો કે આપણે તો અધિકારી સુધી પણ પહોંચી શકતા નથી.આપણા માટે તો ગુરુ જ ઉપાય છે એવું બાપુએ જણાવ્યું. અને ઉમેર્યું કે પ્રપત્તિ કર્મ પણ નથી,ન વિશેષણ,ન સંજ્ઞા,ન કૃદંત કે ન સર્વનામ-એ માત્ર એક ભાવદશા છે.
બૈઠે સોહ કામ રીપું કૈસે;
ઘરે સરીરું શાંત રસુ જૈસે.
આ પંક્તિમાં બધા જ રસોનું દર્શન કરાવ્યું અને અંતે, સમાપન વખતે શાંતરસ બતાવ્યો છે.નરસિંહ જેને પ્રેમરસ કહે,મીરા ભક્તિરસ કહે,દુનિયા જેને નિંદા રસ કહે.સાહિત્યમાં એક બિભત્સ રસની વાત પણ છે.અંગદ અને રાવણના સંવાદમાં એ દેખાય છે. અધ્યાત્મમાં બિભત્સ રસ એટલે નીંદારસ.
સંતો સાંકેતિક ભાષા બોલે છે.ભવભૂતિ સંકેત કરે છે કે સાધુ કોણ? એ કહે છે કે જેને આખા જગતને પ્રેમ કરવાની વૃત્તિ સિવાય કોઈ વૃતિ ના હોય એ સાધુ છે બાંગ્લાદેશની પરિસ્થિતિ વિશે વાત કરતા બાપુએ કહ્યું કે હિન્દુ બિંદુ પણ છે અને સિંધુ પણ છે. રામકૃષ્ણ પરમહંસનાં જન્મ સ્થળ કામારકૂપુર જે આજે બાંગ્લાદેશમાં છે એની વાત પણ બાપુએ કરી ભવભૂતિ કહે છે જે વિનય મધુર છે એ સાધુ છે. વાણીમાં સંયમ હોય એ સાધુ.જેની બુદ્ધિ વિશ્વની પ્રકૃતિના કલ્યાણ માટે જ રત રહેતી હોય એ સાધુ છે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ ક્યારેય નિંદાનો રસ જેનામાં ન હોય એ સાધુ છે.એ સાધુ છે જે કોઈને બાધા રૂપ બનતો નથી.
બાપુએ જણાવ્યું કે હું તમારો આદર્શ બનવા નથી માગતો પણ યથાર્થ બનું એવું ઇચ્છું છું.આપણે એક પંક્તિ પસંદ કરી છે.રામ રમાપતી-નો મતલબ છે લક્ષ્મીપતિ.રમાપતિનો મતલબ વિષ્ણુ પણ થાય. શ્રીનો એક અર્થ લક્ષ્મી પણ થાય છે.
લક્ષ્મીના પાંચ રૂપ બાબત પણ વાત કરવામાં આવી. ધનલક્ષ્મી એવો એક શબ્દ છે.પણ ધનને માત્ર લક્ષ્મી સમજી લઈએ એટલી નાની વાત ન હોય.ખૂબ જ પરિશ્રમ પછી પૈસા કમાયા હોય અને પરમાર્થમાં સદુપયોગ એકદમ સરળતાથી કરી નાખે તે લક્ષ્મી છે પણ ખૂબ જ સરળતાથી પૈસા કમાય અને એનો ઉપયોગ કરવામાં ખૂબ શ્રમ પડે એ ધન છે!ધનનો નાશ થઇ શકે છે,લક્ષ્મીનો નાશ ક્યારેય થઇ શકતો નથી.સુલક્ષ્મી,સુલક્ષ્ણા નારી અથવા તો માતૃસ્વરૂપા એ ગૃહલક્ષ્મી છે. હર માતૃ સ્વરૂપ ગૃહલક્ષ્મી છે. ત્રીજી પૃથ્વીલક્ષ્મી-દૈવી સંપદાથી હરીભરી.ચોથી વૈકુંઠલક્ષ્મી જે નિરંતર વૈકુંઠમાં નિવાસ કરે છે અથવા તો ક્ષીરસિંધુમાં પણ નિવાસ કરે છે.પાંચમી શુભ લક્ષ્મી,લાભલક્ષ્મી નહીં પણ શુભલક્ષ્મી. સંસ્કારની, ઉચ્ચ વિચારની લક્ષ્મી,ઉચ્ચ પ્રકારના સુવ્રતોની લક્ષ્મી આ પંચલક્ષ્મી છે.કોઈ બુદ્ધપુરુષમાં દરેક વસ્તુ શુભ દેખાય તો એ પણ શુભ લક્ષ્મી છે.

