Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો

ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં એલપીજી અને નેચરલ ગેસની કટોકટીને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૩ માર્ચ ૨૦૨૬ –– દેશ અને રાજ્યમાં વર્તમાન સમયમાં સર્જાયેલી ગેસ સિલિન્ડરની અછત અને વધતી કટોકટીના મુદ્દે આજે (૧૩મી માર્ચ) ગુજરાત વિધાનસભા સંકુલમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો.

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાની બહાર માથે લાકડા, ગેસના ખાલી બાટલા અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને ધારાસભ્યો વચ્ચે સંઘર્ષના દ્રશ્યો પણ સર્જાયા હતા.
મળતી માહિતી અનુસાર, ગતરોજ દિલ્હી ખાતે લોકસભા અને રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવેલા દેખાવ બાદ, આજે

(૧૩ માર્ચ) ગુજરાત વિધાનસભા ખાતે કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત અંદાજે ૧૨ જેટલા ધારાસભ્યોએ મોરચો સંભાળ્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં એલપીજી અને નેચરલ ગેસની કટોકટીને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે.

દેખાવ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને પોલીસ કર્મીઓ દ્વારા રોકવાનો પ્રયાસ કરાતા તે વિધાનસભાના પગથિયા પર પડી ગયા હતા. આ ઘટના બાદ પોલીસ અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર શાબ્દિક સંઘર્ષ થયો હતો, જેના કારણે વિધાનસભા પરિસરમાં ગરમાવો આવી ગયો હતો.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ પડતા ભારતમાં એલપીજીના પુરવઠામાં ગંભીર અછત સર્જાઈ છે. બ્લેક માર્કેટિંગ રોકવા રાજ્યોને કડક દેખરેખના આદેશ અપાયા છે. ઘરગથ્થુ અને વાણિજ્યિક બંને ગ્રાહકોને રિફિલ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. રાજ્ય સરકારે એક સમિતિની રચના કરી પશ્ચિમ આફ્રિકા અને અમેરિકા જેવા નવા સ્ત્રોતોથી ગેસ મંગાવવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ગેસની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો. જોકે, કોંગ્રેસે આ દાવાને પોકળ ગણાવી વિધાનસભાના ચાલુ સત્રમાં આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાની વ્યૂહનીતિ તૈયાર કરી છે. બીજી તરફ, તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને અતિરિક્ત સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે.

Related posts

ગઠિયાએ કમિશનર કચેરીમાં હોવાનું કહી વૃદ્ધા સાથે ૧૮ લાખની છેતરપિંડી આચરી

Master Admin

સોમનાથ ટ્રસ્ટના નામે ઓનલાઈન છેતરપિંડી

Master Admin

સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડથી બનાવતા હતા પનીર

Master Admin

Leave a Comment

Translate »